IPL 2025 : RCBનો લકી ચાર્મ, ક્યારેય નથી હાર્યો ફાઈનલ, હવે RCBને બનાવશે ચેમ્પિયન?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2025ની ફાઈનલમાં પહોંચી ગયું છે. આ પહેલા RCB ત્રણ વખત ફાઈનલ મેચ રમી ચૂક્યું છે, પરંતુ ત્રણેય ફાઈનલમાં RCBની હાર થઈ હતી. પરંતુ આ વખતે RCB પાસે એક લકી ખેલાડી છે, જે આજ સુધી કોઈ ફાઈનલ મેચ હાર્યો નથી. જેથી ફેન્સ એવું માની રહ્યા છે આ લકી ચાર્મની સાથે RCB આ વખતે ફાઈનલ જીતવામાં સફળ થશે. જાણો કોણ છે RCBનો આ લકી ચાર્મ.

IPL 2025ના ક્વોલિફાયર-1 મેચમાં RCBએ પંજાબને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો. આ પહેલા પણ RCB ત્રણ વખત ફાઈનલ રમ્યું છે, પરંતુ ત્રણેયમાં હાર્યું હતું. જો કે આ વખતે RCBની પાસે પહેલીવાર ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે કારણ કે RCB તેના પ્લેઈંગ-11માં એક લકી ખેલાડી છે, જે આજ સુધી તેની કારકિર્દીમાં કોઈ ફાઈનલ મેચ હાર્યો નથી. આ ખેલાડી કોણ છે અને શું તેનું નસીબ RCBને ચેમ્પિયન બનાવશે?
RCBનો લકી ચાર્મ ‘જોશ હેઝલવુડ’
કહેવાય છે કે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સખત મહેનતની સાથે થોડું નસીબ પણ જરૂરી છે. આ વખતે આ નસીબ RCBના પક્ષમાં છે. હકીકતમાં, આ ટીમના પેસ આક્રમણના નેતા અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ જોશ હેઝલવુડ આજ સુધી ફાઈનલ મેચમાં હાર્યો નથી. તે જે ટીમ માટે રમ્યો હતો તે ટીમે ટાઈટલ જીત્યું છે.
IPL, BBL, T20-ODI વર્લ્ડ કપ ફાઈનલ જીત્યો
તેણે પહેલીવાર 2012માં સિડની સિક્સર્સ સાથે ચેમ્પિયન્સ લીગ T20ની ફાઈનલ રમી હતી. આમાં સિડનીની ટીમ જીતી ગઈ હતી. પછી 2015માં, તેણે ઓસ્ટ્રેલિયા માટે ODI વર્લ્ડ કપ ફાઈનલ રમી અને તેની ટીમને ચેમ્પિયન બનાવી. આ પછી 2020માં, તેણે સિડની સિક્સર્સને BBL ફાઈનલમાં જીત અપાવી. તે IPL 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો. તે વર્ષે CSK ચેમ્પિયન બન્યું હતું. તે 2021 T20 વર્લ્ડ કપ અને 2023 ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે 6 ફાઈનલ રમી ચૂક્યો છે. તેણે બધી જીત મેળવી છે. તેનો રેકોર્ડ જોઈને, RCB ચાહકો પણ હવે જીતની આશા રાખી રહ્યા છે.
IPL 2025માં હેઝલવુડનું શાનદાર પ્રદર્શન
જોશ હેઝલવુડે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુલ્લાનપુરમાં પંજાબ સામે તેની જોરદાર બોલિંગે બેટ્સમેનોને ઢીલા પાડી દીધા અને માત્ર 101 રનમાં ઓલઆઉટ થઈ ગયા. આ મેચમાં જોશ હેઝલવુડે 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડે જોશ ઈંગ્લિસ, શ્રેયસ અય્યર અને અઝમતુલ્લાહ ઓમરઝાઈની વિકેટ લઈને પંજાબ કિંગ્સની કમર તોડી નાખી. આ શાનદાર પ્રદર્શન સાથે હેઝલવુડે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. વાસ્તવમાં, હેઝલવુડ RCBનો પ્રથમ વિદેશી બોલર છે જેણે પ્લેઓફમાં બે વાર ત્રણ વિકેટ લીધી છે. હેઝલવુડે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચમાં 15.80ની સરેરાશથી 21 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: Breaking News : ગુજરાત ટાઈટન્સ સામે એલિમિનેટર મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સની વધુ મુશ્કેલી, અડધી ટીમ થઈ બહાર
