CSK ટીમના ખેલાડીના પિતાનું અવસાન, IPL 2025 વચ્ચે જ દુઃખનો પહાડ તૂટી પડ્યો
20 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા, જેનાથી ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. CSKના વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવેના પિતાનું અવસાન થતા બધા ખેલાડીઓ શોકમાં ડૂબી ગયા હતા.

IPL 2025ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં CSK ખેલાડીઓ એક નવા સ્વરૂપમાં દેખાયા. આ જોઈને બધા ચોંકી ગયા. હકીકતમાં, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડીઓ બીજી ઈનિંગ દરમિયાન કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા. જે બાદ લોકોના મનમાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા કે એવું શું થયું કે CSK ખેલાડીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી દીધી. આ વિશે પહેલા કોઈને કોઈ માહિતી મળી ન હતી. મેચ પછી ખબર પડી કે ચેન્નાઈ સુપર કિંગ્સના એક મોટા ખેલાડીના પિતાનું અવસાન થયું છે.
ડેવોન કોનવેના પિતાનું અવસાન
મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહ દરમિયાન, હર્ષા ભોગલેએ તેને સાંત્વના આપવા માટે ડેવોન કોનવેનું નામ લીધું. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડના ખેલાડી ડેવોન કોનવેના પિતાનું નિધન થયું છે. તે આ મેચમાં પણ રમ્યો ન હતો. સાંત્વના આપ્યા પછી, હર્ષા ભોગલેએ પ્રેઝન્ટેશન સેરેમની શરૂ કરી હતી. ડેવોન કોનવેને હવે ન્યુઝીલેન્ડ પાછા જવું પડી શકે છે. પિતાના મૃત્યુ પછી, તેને તેના પરિવારના સભ્યો સાથે રહેવું જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આ સમાચાર તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. તેમણે માહિતી આપી છે કે ડાબોડી બેટ્સમેન ડેવોન કોનવેના પિતાનું અવસાન થયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ.
Standing with Devon Conway and his family in this difficult time of his father’s passing.
Our sincerest condolences. pic.twitter.com/AZi3f5dV7i
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2025
કોનવેએ છેલ્લી મેચ KKR સામે રમી હતી
કોનવેએ ટીમ માટે પોતાની છેલ્લી મેચ 11 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. ચેપોક ગ્રાઉન્ડ પર રમાયેલી તે મેચ પછી કોનવે ટીમના પ્લેઇંગ ઇલેવનમાં દેખાયો નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચની વાત કરીએ તો, વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં MI એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સ સામે 177 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા, મુંબઈ ઈન્ડિયન્સે 26 બોલ અને 9 વિકેટ બાકી રહેતા જીત મેળવી લીધી.
આ પણ વાંચો: IPL 2025 : રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો, RCB સામેની મેચમાં નહીં રમે કેપ્ટન સંજુ સેમસન
