IPL 2024: દિલ્હીમાં મચી રનોની તબાહી, 5 ઓવરમાં જ સદી પૂર્ણ, પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોરનો બન્યો રેકોર્ડ
પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વિસ્ફોટક બેટિંગના આધારે IPLમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવનાર સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે પણ એવી જ વિસ્ફોટક શરૂઆત કરી અને વધુ એક મોટા સ્કોરનો પાયો નાખ્યો છે. IPLની 17 સિઝનની સૌથી ખતરનાક શરૂઆત કરતા હૈદરાબાદના ઓપનરોએ પાવરપ્લેનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
IPLની છેલ્લી 16 સિઝનના ઈતિહાસમાં ઘણી વખત વિસ્ફોટક બેટિંગ જોવા મળી છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા IPL2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જે અંધાધૂંધ બેટિંગ કરી રહ્યા છે તે ભાગ્યે જ જોવા મળશે. આ સિઝનમાં બે વખત સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવનાર હૈદરાબાદે ફરી એકવાર તબાહી મચાવી દીધી. ટ્રેવિસ હેડ અને અભિષેકે દિલ્હી કેપિટલ્સ સામે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરતા માત્ર 6 ઓવરમાં 125 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો.
હેડ-અભિષેકે દિલ્હીમાં મચાવી ધમાલ
ગયા મહિને જ, સનરાઇઝર્સે હૈદરાબાદમાં તેના હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે 277 રન બનાવીને IPLમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં અભિષેક અને ટ્રેવિસ હેડે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે પછી માત્ર એક અઠવાડિયા પહેલા હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 287 રન બનાવીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો હતો અને તે પછી પણ આ બંને બેટ્સમેનોએ બોલિંગને બરબાદ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ હેડ અને અભિષેકે દિલ્હી સામે જે કર્યું તે બંને મેચમાં થયું નહીં.
પહેલી જ ઓવરથી ફટકાબાજી
આ સિઝનની પ્રથમ મેચ શનિવારે 20 એપ્રિલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલ દિલ્હી કેપિટલ્સે કલ્પના પણ નહીં કરી હોય કે તેમની આવી ખરાબ હાલ થશે. પ્રથમ બેટિંગ કરવા આવેલા હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડ અને અભિષેકે પ્રથમ ઓવરમાં જ ખલીલ અહેમદ પર 19 રન બનાવ્યા અને સખત બેટિંગ કરવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો. આ પછી, પાવરપ્લેની આગામી 5 ઓવર સુધી પણ આવી જ ફટકાબાજી ચાલુ રહી હતી.
ટ્રેવિસ હેડે 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી
બીજી ઓવરમાં આવેલા સ્પિનર લલિત યાદવને 2 સિક્સર અને 2 ફોર સહિત 21 રન ફટકાર્યા. ત્યારબાદ ત્રીજી ઓવરમાં એનરિક નોરખિયાએ પ્રથમ 4 બોલમાં 3 બાઉન્ડ્રી આપી. આ રીતે હૈદરાબાદે માત્ર 16 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. છેલ્લા બે બોલ પર પણ ટ્રેવિસ હેડે ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા અને 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ પછી પણ એટેક અટક્યો નહીં અને આગલી ઓવરમાં પણ લલિત યાદવે 21 રન આપ્યા. આ રીતે હૈદરાબાદે માત્ર 4 ઓવરમાં 83 રન બનાવી લીધા હતા.
5 ઓવરમાં સદી, પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર
આવી મારપીટ બાદ દિલ્હીના કેપ્ટન રિષભ પંતને પોતાના ટ્રમ્પ કાર્ડ કુલદીપ યાદવને બોલાવવું પડ્યું, પરંતુ અભિષેકે સતત 2 સિક્સ મારીને તેનું સ્વાગત કર્યું. ત્રીજો સિક્સ ઓવરના છેલ્લા બોલ પર આવ્યો અને આ રીતે માત્ર 5 ઓવરમાં 100 રન પૂરા થઈ ગયા. T20 ક્રિકેટના ઈતિહાસમાં કોઈ ટીમે પ્રથમ 5 ઓવરમાં 100 રન બનાવ્યા ન હતા. છઠ્ઠી ઓવરમાં હેડે મુકેશ કુમારને 5 બાઉન્ડ્રી ફટકારી હતી અને આ રીતે સનરાઈઝર્સે પાવરપ્લેમાં જ 125 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. તેણે KKRનો 105 રનનો IPL રેકોર્ડ તોડી નાખ્યો. પાવરપ્લેના 36 બોલમાં હૈદરાબાદે 24 બાઉન્ડ્રી ફટકારી હતી.
આ પણ વાંચો : IPL 2024 : દિલ્હીના સ્પિનરો અને હૈદરાબાદના બેટ્સમેન વચ્ચેની ટક્કર, શું કુલદીપ-અક્ષર હેડ-ક્લાસેનના તોફાનને રોકશે?