IPL 2024, DC VS RR: સંજુ સેમસનની મહેનત વ્યર્થ ગઈ, દિલ્હીએ રાજસ્થાનને 20 રનથી હરાવ્યું
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હોમ ટીમ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં દિલ્હીએ રાજસ્થાનને 20 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ દિલ્હીના 12 પોઈન્ટ થઈ ગયા છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીએ રાજસ્થાનને હરાવી IPL 2024ના પ્લેઓફમાં પ્રવેશવાની આશા પણ જીવંત રાખી છે. જ્યારે આ હાર છતાં રાજસ્થાન 16 પોઈન્ટ સાથે બીજા ક્રમે યથાવત છે.
IPL 2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સની મજબૂત ટીમને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 201 રન બનાવી શકી અને દિલ્હીએ 20 રને મેચ જીતી લીધી. આ જીત સાથે દિલ્હીના હવે 12 પોઈન્ટ થઈ ગયા છે. હવે દિલ્હીના પોઈન્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની બરાબર થઈ ગયા છે. જ્યારે રાજસ્થાનની ટીમ 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. દિલ્હીએ રાજસ્થાનને હરાવીને પાંચમું સ્થાન મેળવ્યું છે.
સેમસનનો દાવ નિરર્થક ગયો
રાજસ્થાન રોયલ્સ માટે તેના કેપ્ટન સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 6 છગ્ગા અને 8 ચોગ્ગા આવ્યા હતા. જોકે, મુકેશ કુમારે તેની વિકેટ લઈને રાજસ્થાનને હાર તરફ ધકેલી દીધું હતું. સંજુ સિવાય રિયાન પરાગે 27 રન અને શુભમ દુબેએ 25 રન બનાવ્યા હતા પરંતુ તેમનું યોગદાન રાજસ્થાનને જીત અપાવવા માટે પૂરતું નહોતું. બીજી તરફ, દિલ્હીના 3 બોલરોએ શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ કુમારે 30 રનમાં 2 વિકેટ અને અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
મેગાર્કે તબાહી મચાવી
દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેના ઓપનર જેક ફ્રેઝર મેગાર્કે શાનદાર ઈનિંગ રમી હતી. આ જમણા હાથના બેટ્સમેને 20 બોલમાં 50 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલે પણ 36 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 20 બોલમાં 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી અશ્વિને 24 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન સંજુ સેમસને હારનું કારણ જણાવ્યું
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને સ્વીકાર્યું કે તેની ટીમ આ મેચ જીતી શકી હોત. ટીમને પ્રતિ ઓવર 11 થી 12 રનની જરૂર હતી પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં અને IPLમાં આવું થાય છે. જોકે, સેમસનના કહેવા પ્રમાણે 220નો સ્કોર 10 રન વધુ હતો. સંજુ સેમસને ટ્રિસ્ટન સ્ટબ્સની પ્રશંસા કરી હતી. ડેથ ઓવરોમાં તેની ફટકારના આધારે, દિલ્હીએ 221 રન બનાવ્યા જે આખરે રાજસ્થાનની હારનું કારણ બન્યું.
આ પણ વાંચો : IPL 2024 દરમિયાન પાકિસ્તાનને મોટી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે BCCI, બોર્ડે બનાવ્યો માસ્ટર પ્લાન