IPL 2023 પહેલા 5 ભારતીય બોલરો પર પ્રતિબંધ લાગશે, ગુજરાત અને મુંબઈનો સ્પિનર પણ ખતરામાં પડ્યો
IPL 2023 Auction આજે શુક્રવારે યોજાનાર છે. કોચીમાં આયોજીત મીની ઓક્શન પહેલા જ પાંચ ભારતીય બોલરો પર પ્રતિબંધના સંકટના વાદળ ઘેરાઈ ગયા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝનને લઈ તૈયારીઓ શરુ થઈ ચુકી છે. આગામી સિઝન પહેલા જ હવે એક સમાચારે ભારતીય ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે. એક તરફ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ પોતાના સ્ક્વોડના ખાલી સ્થાનો ભરવા માટે છેલ્લા કેટલાક સપ્તાહથી યોજનાઓ બનાવી રહ્યુ છે, ત્યાં બીજી તરફ આ સમાચાર આવી રહ્યા છે. અહેવાલો મુજબ 5 ભારતીય બોલરો પર પ્રતિબંધ લાગી શકે છે. રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો સ્પિનર બોલર પણ આ યાદીમાં સમાવેશ ધરાવે છે. યાદી મુજબ ગુજરાતની સ્ટેટ ટીમના ખેલાડી પર પણ સંકટ તોળાયુ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તમામ ફ્રેન્ચાઈઝીઓને એક મેઈલ મોકલ્યો છે. જે મેઈલ આઈપીએલ 2023 ના માટે ઉપલબ્ધ ખેલાડીઓની જાણકારી આપવામાં આવી છે. બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા આ મેઈલમાં જ આ વિગતોને પણ દર્શાવી છે. જેમાં 5 ભારતીય બોલરોના નામ દર્શાવવામાં આવ્યા છે, જેમની પર પ્રતિબંધ લાગી શકે છે.
મુંબઈનો ઓફ સ્પિનર 5ની યાદીમાં સામેલ
બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ 5 બોલરોમાંથી એક મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો આ બોલર તનુષ કોટિયન છે. જેને બોર્ડે શંકાસ્પદ એક્શન ધરાવતા બોલરોની યાદીમાં રાખ્યો છે. તે ઓફ સ્પિનર છે અને હાલમાં જ રણજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈની ટીમને જીત અપવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત મુંબઈએ હૈદરાબાદ સામે 217 રનથી મેળવી હતી. તનુષે આ દરમિયાન 7 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.
આ પહેલા પણ તે મુંબઈ માટે અડધી સદી નોંધાવીને 6 વિકેટ લઈ ચુક્યો હતો. તેણે આ કમાલ આંધ્રપ્રદેશની ટીમ સામે કર્યો હતો. તનુશ આ સમયે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને હવે તેની પર પ્રતિબંધનુ સંકટ તોળાયુ છે.
ગુજરાતનો ચિરાગ પણ અન્ય 4માં સામેલ
મીડિયા અહેવાલ મુજબ કુલ પાંચ બોલરોની યાદીમાં ગુજરાતનો બોલર પણ સામેલ છે. ગુજરાતનો ચિરાગ ગાંધી પર બોલિંગ પ્રતિબંધ લાગી શકે છે. ચિરાગ ઓફ બ્રેક બોલિંગ કરે છે. આ ઉપરાંત કેરળના રોહન, વિદર્ભની ટીમના અપૂર્વ વાનખેડે અને મહારાષ્ટ્રનો રામતકૃષ્ણન ઘોષની બોલિંગ એક્શનને શંકાસ્પદ જોવામાં આવી છે. આ ખેલાડીઓ પર પ્રતિબંધનો ખતરો તોળાઈ ચુક્યો છે અને આ અંગેની જાણકારી આઈપીએલ ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઈઝીઓને મેઈલ દ્વારા આપવામાં આવી છે.
આ પહેલા પણ કેટલાક ખેલાડીઓ પર શંકાસ્પદ એક્શનને લઈ પ્રતિબંધ લાગ્યા હતા. જેમાં મુંબઈનો અરમાન જાફર, બંગાળનો ચેટર્જી, કર્ણાટકનો મનીષ પાંડે અને મહારાષ્ટ્રનો અઝીમ કાઝી પર પ્રતિબંધ લાગ્યો હતો.