IPL 2023 Auction: કોઈને ઓલરાઉન્ડર તો, કોઈને કેપ્ટનની જરુર છે, જાણો કઈ ટીમને છે કેવી જરુરિયાત
IPL મીની ઓક્શનમાં દરેક ફ્રેન્ચાઈઝીની અલગ અલગ જરુરિયાત છે. કોઈને પાસે વિકેટવિકપરની ખોટ સાલે છે, તો કોઈને પાસેતો સુકાન સંભાળનારો જ ખેલાડી નથી. સ્ક્વોડ રચવા ફ્રેન્ચાઈઝીઓ આ યોજના સાથે ઓક્શનમાં આવશે.

શુક્રવારે કોચીમાં IPL 2023 ની સિઝન માટે મીની ઓક્શન યોજાનાર છે. આ માટે પહેલાથી જ ફ્રેન્ચાઈઝીઓએ પોતાને કેવી જરુરિયાત છે એ માટેનુ પ્લાનીંગ કરી ચુકી છે. તો વળી કેટલાક ખેલાડીઓને તો પોતાના ટાર્ગેટમાં જ રાખ્યા છે કે, તેમને કેટલી રકમે ખરીદવા. આમ કેટલાક ખેલાડીઓને લઈ જબરદસ્ત સ્પર્ધા પણ જોવા મળી શકે છે. આ વખતે મીની ઓક્શનમાં સ્ક્વોડની જરુરિયાતોને પૂર્ણ કરવા માટે ખેલાડીઓને જોડવાના છે. આ બહાને સારુ પ્રદર્શન કરનારા ખેલાડીઓ તેમની ટીમનો હિસ્સો બનાવી શકાશે.
આ પહેલા ફ્રેન્ચાઈઝીઓએ 2022 ની સિઝનના પ્રદર્શનને આધારે કેટલાક ખેલાડીઓને રિટેન કર્યા હતા તો, કેટલાક ખેલાડીઓને રિલીઝ કર્યા હતા. ગત ઓક્શનમાં 3-3 ખેલાડીઓ જ ફ્રેન્ચાઈઝીઓ પાસે હતા અને આખી ટીમ તૈયાર કરવાની હતી. આ વખતે સ્ક્વોડમાં કયા સ્થાન પર સારા પ્રદર્શનની જરુરિયાત સંતોષી શકે એવી ખાલી જગ્યાઓને ભરવા માટે ટીમો કસરત કરી રહી છે. આમા કેટલીક ટીમોને સુકાન સંભાળે એવા ખેલાડીની જરુર છે, તો કોઈકને ઝડપી બોલીંગ એટેકને મજબૂત બનાવે એવા બોલરની.
મુંબઈ ઈન્ડિયન્સ
આ ટીમ માટે એક એવુ સ્થાન છે કે, જેના માટે વિકલ્પ શોધવો મુશ્કેલ છે. કિયરોન પોલાર્ડ એ આઈપીએલ થી નિવૃત્તી જાહેર કરી દીધી છે અને તે હવે મુંબઈની ટીમની સાથે જોડાયેલો તો રહેશે પરંતુ કોચિંગ સ્ટાફના રુપમાં. આવી સ્થિતીમાં રોહિત શર્માની ટીમ મુંબઈએ પોલાર્ડના વિકલ્પના રુપમાં શાનદાર દેખાવ કરી શકે એવો ઓલરાઉન્ડર ખેલાડી શોધવો એ સૌથી અગત્યની બાબત છે.
ગુજરાત ટાઇટન્સ
ગત સિઝનની ચેમ્પિયન ટીમ. હાર્દિક પંડ્યાની શાનદાર આગેવાની ધરાવતી આ ટીમને વિશેષ વધારે કોઈ જ શોધ ઓક્શનમાં કરવાની નથી. ટીમને લોકી ફર્ગ્યુશનની વિદાય બાદ એક વિદેશી ફાસ્ટ બોલર અને એક ઓપનરની જરુર છે. ટીમ પાસે પર્સમાં 19.25 કરોડ રુપિયા જમા પડ્યા છે.
રાજસ્થાન રોયલ્સ
આ ટીમ ગત સિઝનમાં ફાઈનલમાં પહોંચી હતી. ટીમનુ ટ્રોફી હાથમાં ઉઠાવવાનુ સપનુ છેક નજીક આવીને પુરુ થઈ શક્યુ નહોતુ. રાજસ્થાન રોયલ્સની મુખ્ય જરુરિયાત જોવામાં આવે તો મિડલ ઓર્ડર છે. તે મિડલ ક્રમને સારી સંભાળી શકે એવા બેટ્સમેનો પર ખરીદીમાં યોજના બનાવી ચુક્યુ હશે. ટીમનો ટોપ ઓર્ડર સારો છે અને તેને આગળ પણ આમ જ જાળવી રાખે એ માટે મિડલને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજસ્થાનની ટીમ ઓલરાઉન્ડર પણ ઈચ્છી રહી છે. ટીમ પાસે 13 કરોડ થી વધારે રકમ પર્સમાં જમા છે.
સનરાઇઝ હૈદરાબાદ
નિકોલસ પૂરન અને સનરાઈઝર્સ હૈદરાબાદ અલગ થઈ ગયા છે. આવી સ્થિતીામાં હવે આ ટીમને એવી મુશ્કેલી છે કે, તેમણે સુકાની શોધવાનો છે, વિકેટકીપર બેટ્સમેન પણ શોધવાનો છે અને ટીમને માટે સારી શરુઆત કરાવી શકે એવો ઓપનર પણ શોધવાનો છે. વાત આટલે જ નથી અટકતી હજુ ટીમને સારા ઓલરાઉન્ડરની પણ જરુર છે. હૈદરાબાદની સ્ક્વોડમાં હજુ 13 સ્થાન ખાલી છે, તો વળી આ ટીમ પાસે સૌથી મોટી રકમ ધરાવતુ પર્સ હરાજી દરમિયાન ઉપલબ્ધ છે. ટીમ ના પર્સમાં 42.25 કરોડ રુપિયા જમા છે.
પંજાબ કિંગ્સ
આ ટીમ પાસે પણ પર્સમાં ખૂબ પૈસા જમા છે. પંજાબની ટીમ 32.2 કરોડ રુપિયા ધરાવે છે. આ ટીમ પાસે 9 સ્લોટ ખાલી છે. ટીમ દ્વારા મયંક અગ્રવાલને મુક્ત કર્યો હતો. ટીમની જરુરિયાત જોવામાં આવે તો મિડલ ઓર્ડર, ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર અને ભારતીય ઝડપી બોલર અને સ્પિનરની જરુર વર્તાઈ રહી છે. ટીમનુ સુકાન શિખર ધવન સંભાળી રહ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
આ ટીમની નજર ફાસ્ટ બોલરો પર વધારે રહશે. વિરાટ કોહલી જેનો હિસ્સો છે એવી આ ટીમને એક તોફાન મચાવી શકે એવા બેટ્સમેનની પણ જરુર વર્તાઈ રહી છે. જોકે આરસીબીના પર્સમાં માત્ર 8.75 કરોડ રુપિયા જ જમા છે. જોકે આ રકમ પણ તેની જરુરિયાત સામે પૂરતી છે. બેંગ્લોરની ટીમે પોતાના મુખ્ય કોઈ ખેલાડીને રિલીઝ કર્યો નથી.
કોલકાતા નાઈટ રાઈડર્સ
આ ટીમ પાસે પર્સમાં રકમ માત્ર 7.05 કરોડ રુપિયા છે. જે તમામ ટીમોમાં સૌથી ઓછી રકમ ધરાવતુ પર્સ છે. આમ તે વધારે મોંઘી ખરીદી કરી શકે એમ નથી. જોકે તેની પાસે 11 ખેલાડીઓના સ્થાન ખાલી છે. કોલકાતાએ ત્રણ ખેલાડીઓને ટ્રેડિંગ કરીને સામેલ કર્યા હતા. ટીમને મિડલ ઓર્ડર બેટ્સમેન, અને ઓપનરની મુખ્ય જરુરિયાત છે. સાથે જ ટીમને વિકેટકીપરની પણ જરુર છે. ડેથ ઓવરોમાં સારી બોલીંગ કરી શકે એવો બોલર પણ નથી.
ચેન્નાઈ સુપર કિંગ્સ
ધોનીની ટીમ માટે પણ કેટલીક જરુરિયાતોની યાદી છે. ધોનીની ટીમે તો સૌથી પહેલા ડ્વેન બ્રાવોના રિપ્લેસમેન્ટની જરુર છે. ટીમ ધોનીના બેકઅપને પણ શોધવાનો પ્રયાસ આગામી સિઝનમાં કરશે. આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ચેન્નાઈ ખરીદી કરી શકે છે. સાથે જ ટીમને એક ભારતીય અને એક વિદેશી બોલરની જરુર છે. મિડલ ઓર્ડર માટે પણ એક સારો બેટ્સમેન જરુરી છે.