IND vs WI: હાર્દિક પંડ્યાની 2 ભૂલો, જેણે ટીમ ઈન્ડિયા પાસેથી જીતની તક છીનવી લીધી
વેસ્ટ ઈન્ડિઝ સામેની સતત બીજી T20 મેચમાં ભારતીય ટીમની બેટિંગ ફ્લોપ રહી હતી અને પહેલી મેચની જેમ આ વખતે પણ હાર માટે બેટ્સમેનો મુખ્ય જવાબદાર હતા, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાનો બોલરોનો અયોગ્ય ઉપયોગ પણ આ હારનું એક કારણ સાબિત થયું હતું.
ટીમ ઈન્ડિયા (Team India)એ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં જોરદાર શરૂઆત કરી હતી પરંતુ હવે તેની હાલત સારી નથી ચાલી રહી. પોતાના કેટલાક મહત્વના ખેલાડીઓ વિના T20માં રમી રહેલી હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.
ટીમ ઈન્ડિયા 5 મેચની શ્રેણીમાં 0-2થી પાછળ
ત્રિનિદાદમાં રમાયેલી પ્રથમ મેચ બાદ ગયાનામાં રમાયેલી બીજી T20માં ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ હતી અને તેને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ટીમ 5 મેચની શ્રેણીમાં 0-2થી પાછળ થઈ ગઈ છે. ટીમની હાર માટે બેટ્સમેનો પર દોષનો ટોપલો ઢોળવો ખોટું નથી, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યાના બે નિર્ણય તેનું કારણ બન્યા.
ભારતની સતત બીજી હાર
ચાર વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા પ્રથમ વખત પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમી હતી અને પછી તે જીતી હતી. 6 ઓગસ્ટ, રવિવારના રોજ ટીમ ઈન્ડિયા આ સ્ટેડિયમમાં બીજી વખત જ ઉતરી હતી, પરંતુ આ વખતે તે પોતાની સફળતાનું પુનરાવર્તન કરી શકી નથી. પ્રથમ બેટિંગ કરતા ભારતે માત્ર 152 રન બનાવ્યા હતા. તેના તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. જવાબમાં બોલરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ભારતીય ટીમ 2 વિકેટે મેચ હારી ગઈ હતી.
A close game in the end in Guyana!
West Indies win the 2nd T20I by 2 wickets.
Scorecard – https://t.co/9ozoVNatxN#TeamIndia | #WIvIND pic.twitter.com/jem0j9gMzv
— BCCI (@BCCI) August 6, 2023
6 બોલરો છતાં 5 બોલરએ બોલિંગ કરી
ટીમની હારના કારણોમાં કેપ્ટન હાર્દિકના બે નિર્ણય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા અને બંને બોલરોના યોગ્ય ઉપયોગ સાથે સંબંધિત હતા. સૌથી પહેલા અક્ષર પટેલની વાત. ટીમ ઈન્ડિયા આ મેચમાં હાર્દિક સહિત 6 બોલરો સાથે મેદાનમાં ઉતરી હતી પરંતુ માત્ર 5 બોલરએ બોલિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની આખી ઈનિંગમાં અક્ષર પટેલને બોલિંગ ન મળી. આ ત્યારે થયું જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પહેલી ચાર ઓવરમાં 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
અક્ષરને બોલિંગ કેમ ન મળી?
પૂરને વેસ્ટ ઈન્ડિઝ માટે વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને હાર્દિકે અક્ષરનો ઉપયોગ ન કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. ભારતીય કેપ્ટને મેચ બાદ કહ્યું હતું કે ડાબોડી બેટ્સમેન પૂરન જે રીતે રમી રહ્યો હતો તેનાથી સ્પિનરોને બોલિંગ કરાવવામાં મુશ્કેલી પડી રહી હતી. સ્વાભાવિક છે કે, હાર્દિક કહેવા માંગે છે કે ડાબા હાથના બોલર અક્ષરને ડાબા હાથના બેટ્સમેનની સામે મેદાનમાં ઉતારી શકાય નહીં, પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે તે સમયે જમણેરી બેટ્સમેન રોવમેન પોવેલ પણ બીજી તરફ બેટિંગ કરી રહ્યો હતો. બંને વચ્ચે લગભગ 6 ઓવરની ભાગીદારી થઈ હતી, જેમાં 57 રન બનાવ્યા હતા.
Baffling for me that Chahal hasn’t finished his quota of 4 overs in both the games. #INDvsWI
— Irfan Pathan (@IrfanPathan) August 6, 2023
ચહલને અંતિમ ઓવર ન આપી
જ્યારે ટીમ ઈન્ડિયા મેચમાં વાપસી કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે હાર્દિકે આગળની ભૂલ કરી હતી. ભારતને 16મી ઓવરમાં ત્રણ વિકેટ મળી હતી, જેમાંથી બે વિકેટ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લીધી હતી. ચહલે જેસન હોલ્ડર અને શિમરોન હેટમાયર જેવા વેસ્ટ ઈન્ડિઝના અગ્રણી બેટ્સમેનોને પોતાની સ્પિનમાં ફસાવીને ભારતને મેચમાં પુનરાગમન કરાવ્યું અને આ ઓવરમાં માત્ર 2 જ રન આવ્યા હતા.
આ પણ વાંચો : IND vs WI: તિલક વર્માએ અડધી સદી ફટકાર્યા બાદ કર્યો ડાન્સ, ઉજવણીનું રોહિત સાથે છે ખાસ કનેક્શન, જુઓ Video
ચહલે 3 ઓવરમાં 2 વિકેટ લીધી
આ સમયે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 8 વિકેટે 129 રન હતો. વેસ્ટ ઈન્ડિઝને 24 બોલમાં 24 રનની જરૂર હતી અને માત્ર 2 વિકેટ બાકી હતી. ચહલ સારી બોલિંગ કરી રહ્યો હતો પરંતુ તેમ છતાં હાર્દિકે તેને ચોથી ઓવર આપી ન હતી. ચહલે પોતાની 3 ઓવરમાં માત્ર 19 રન આપ્યા અને 2 વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝે 19મી ઓવરમાં મેચ જીતી લીધી હતી.