IND vs WI 2nd T20 Result: ભારતની આશાઓ પર ‘પાણી’ ફેરવતી પૂરનની તોફાની અડધી સદી, વેસ્ટ ઈન્ડિઝનો રોમાંચક વિજય
India vs West Indies 2nd T20i Match Result: 16મી ઓવરમાં ભારતે રોમાંચક રીતે મેચમાં વાપસી કરી હતી. ઓવરમાં ત્રણ વિકેટ ભારતને મળી હતી. જોકે અંતમાં ભારતે 2 વિકેટથી મેચમાં પરાજય સહન કર્યો હતો. આમ 2-0 થી કેરેબિયન ટીમે શ્રેણીમાં લીડ મેળવી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ગુયાનામાં T20 મેચ રમાઈ હતી. ભારતીય ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. જોકે ભારતીય ટીમના બેટરો ફરી એકવાર પાણીમાં બેઠા હતા અને ધીમી અને ખરાબ બેટિંગ કરી હતી. જેને લઈ ભારતીય ટીમે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જોકે તિલક વર્માએ ભારત વતી શાનદાર અડધી સદી નોંધાવતા આ લક્ષ્ય શક્ય બન્યુ હતુ. નિકોલસ પૂરને તોફાની અડધી સદી નોંધાવીને ભારતીય બોલરોની સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી હતી. અંતમાં 19મી ઓવરમાં 2 વિકેટથી વેસ્ટ ઈન્ડિઝનો વિજય થયો હતો.
ટીમ ઈન્ડિયાએ આ પહેલા સિરીઝની પ્રથમ મેચમાં 4 રનના અંતરથી હાર સહન કરી હતી. આસાન લક્ષ્ય સામે ભારતીય બેટરોએ રમત નબળી દર્શાવી હતી. ફરી એકવાર સતત બીજીવાર આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. જેને લઈ ભારતીય ટીમના બોલરોએ આસાન લક્ષ્યનો બચાવ કરવાની મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે 16મી ઓવરમાં ભારતે રોમાંચક રીતે મેચમાં વાપસી કરી હતી. ઓવરમાં ત્રણ વિકેટ ભારતને મળી હતી. જોકે અંતમાં અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફે પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી.
પૂરને પાણી ફેરવ્યુ
સિરિઝમાં બરાબરી કરવાના ઈરાદે મેદાને ઉતરેલ ભારતીય ટીમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પેહલા બેટિંગમાં ધીમી રમત દર્શાવી હતી. આ દરમિયાન તિલક વર્માએ સ્કોરબોર્ડને આગળ વધારવાનુ કામ કર્યુ હતુ. જોકે બાદમાં પણ ખાસ સપોર્ટ સ્કોર્ડ બોર્ડમાં કોઈ બેટરનો નહીં મળતા એક સમયે નબળા સ્કોર પર જ ટીમ રોકાઈ જવાના સંકેત જોવા મળી રહ્યા હતા. પરંતુ અંતમાં હાર્દિક પંડ્યા સહિતના બેટરોએ નાની નાની ઈનીંગ વડે સ્કોર બોર્ડ દોઢસોને પાર કર્યુ હતુ.
જોકે નિકોલસ પૂરને ભારતીય ક્રિકેટ ચાહકોની તમામ આશાઓ પર પાણી ફેરવતી રમત રમી હતી. તેણે જબરદસ્ત રમત રમી હતી અને ભારતીય બોલરોને સતત મુશ્કેલીનો સામનો કરાવ્યો હતો. પૂરને 40 બોલમાં 67 રનની તોફાની રમત રમી હતી. પૂરને 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પ્રથણ ઓવરના પ્રથમ બોલ પર જ બ્રાન્ડ કિંગની વિકેટ હાર્દિક પંડ્યાએ ઝડપી હતી અને ઓવરના ચોથા બોલ પર જોનસન ચાર્લ્સની વિકેટ ઝડપી હતી. આમ એક જ ઓવરમાં 2 રનના સ્કોર પર 2 વિકેટ ઝડપતા મેચ ભારત તરફે બનવાની આશા સર્જાઈ હતી. જોકે બાદમાં પૂરને બાજી હાથમાં લેતા જ ભારતને મુશ્કેલી સર્જાઈ હતી.
Nicholas Pooran played a dreamy T20I knock.
Live Scorecard⬇️https://t.co/lcXVoUozVT pic.twitter.com/eX4l5YxQvg
— Windies Cricket (@windiescricket) August 6, 2023
રોવમેન પોવેલે 19 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. તેણે એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અંતમાં મેચ ફરી ભારત તરફી બની હતી. પરંતુ છેક આવેલી મેચ ભારતના હાથમાંથી અલ્ઝારી જોસેફ (16 રન, 10 બોલ) અને અકીલ હુસેને (10 રન, 08 બોલ) ફરી વેસ્ટ ઈન્ડિઝ તરફી બનાવતા રોમાંચક જીત અપાવી હતી.