ભારત અને શ્રીલંકા વચ્ચે પુણેમાં રમાયેલી બીજી ટી20 મેચ અક્ષર પટેલની બેટિંગે રોમાંચક બનાવી હતી. જોકે અંતમાં ભારતનો 16 રનથી પરાજય થયો હતો. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતે આ મેચમાં બોલરોની એક ભૂલની મોટી કિંમત ચુકવવી પડી હતી. જેમાં સૌથી મોટી ભૂલ પર ભૂલ અર્શદીપ સિંહે કરી દીધી હતી. અર્શદીપ સતત લાઈન ક્રોસ કરી જતો હતો અને નો બોલ કરતો હતો. જેને પરિણામે ભારતે ફ્રિ હિટમાં રન ગુમાવવા પડ્યા હતા. હાર બાદ સુકાની હાર્દિક પંડ્યાએ તો ગુસ્સામાં હોય એમ કહ્યુ હતુ કે, નો બોલ એક ક્રાઈમ છે.
શ્રીલંકન ટીમે દાનુસ શનાકાની તોફાની અડધીની મદદ વડે 206 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેની સામે ભારતીય ટીમ 190 રન પર જ રોકાઈ ગઈ હતી. ઓપનીંગ જોડીએ 80 રન નોંધાવ્યા હતા. જોકે ઓપનીંગ જોડી તૂટતા ભારતીય બોલરોએ એક બાદ એક 6 વિકેટ ઝડપી લીધી હતી. જે સમયે ફરી શ્રીલંકન ટીમ સંઘર્ષની સ્થિતીમાં લાગી રહી હતી.જોકે કેપ્ટન દાસુન શનાકાની 20 બોલમાં અડદી સદીની રમતે લક્ષ્ય મોટુ કરી દીધુ હતુ. ભારત તરફથી અક્ષર પટેલે તોફાની ઈનીંગ રમી હતી અને તેણે પણ 20 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી હતી.
ઈનીંગમાં ભારત તરફથી કુલ 7 નો બોલ ફેંકવાાં આવ્યા હતા. જેમાં સૌથી વધારે 5 નો બોલ અર્શદીપના રહ્યા હતા. આ સાથે જ અર્શદીપ આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં સૌથી વધારે નો બોલ કરનાર બોલર તરીકે અણગમતો વિક્રમ નોંધાવી ચુક્યો છે. પ્રથમ ઈનીંગની બીજી ઓવરના અંતિમ બોલ પર અર્શદીપ સિંહે સળંગ 3 નો બોલ કરી દીધા હતા. આ ફ્રિ હિટના મોકાનો ફાયદો ઉઠાવતા કુસલ મેન્ડિસે એક ચોગ્ગો અને એક છગ્ગો જમાવી દીધો હતો. આ એક બોલ પર એક્સ્ટ્રા રન સહિત 14 રન ભારતે ગુમાવ્યા હતા. આ ઓવરમાં આગળના 5 બોલ પર અર્શદીપે માત્ર 5 જ રન આપ્યા હતા.
આવી જ સ્થિતી ડેથ ઓવરમાં થઈ હતી. એ વખતે પણ 2 નો બોલ કરી દીધા હતા. આમ તેણે ખૂબ રન લૂટાવી દીધા હતા. જે ભારત માટે અંતમાં ખૂબ જ મોંઘુ સાબિત થયુ હતુ. અર્શદીપે કરેલી 2 ઓવરમાં ભારતે 37 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન તેની ઈકોનોમી 18.50ની રહી હતી.