ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે અમદાવાદમાં T20 સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રમાનારી છે. ન્યુઝીલેન્ડ ટીમ માટે ભારત પ્રવાસની પણ આ અંતિમ મેચ છે. પ્રથમ મેચ રાંચીમાં ભારતે 21 રનથી ગુમાવી હતી અને લખનૌમાં રમાયેલી બીજી મેચ ભારતે 6 વિકેટથી જીતી હતી. અમદાવાદમાં રમાનારી મેચ નિર્ણાયક છે. ટી20 સિરીઝ 1-1 થી બરાબરી પર છે. આવી સ્થિતીમાં બંને ટીમો અમદાવાદમાં જબરદસ્ત ટક્કર આપતી જોવા મળશે. કિવી ટીમ જીત સાથે વિદાય લેવા ઈચ્છશે અને ભારત ઘર આંગણે જીત મેળવવા દમ લગાવશે.
સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. હાર્દિક માટે અમદાવાદ ઘર આંગણું છે અને અહીં હારવુ એ કોઈ પણ રીતે પોષાય એમ નથી. આવી સ્થિતીમાં હાર્દિક સેના પુરી તાકાત સિરીઝ જીતવા માટે લગાવી દેશે. આજની મેચ જીતનારી ટીમ સિરીઝની ટ્રોફી પોતાના હાથોમાં ઉપાડશે.
લખનૌમાં 100 રનનુ ટાર્ગેટ નિર્ધારિત 20 ઓવર માટે એક બોલ બાકી રહેતા ટીમ ઈન્ડિયાએ પાર કર્યુ હતુ. આમ લખનૌમાં આસાન લક્ષ્યને પિચના હિસાબે મુશ્કેલીથી રન બનાવ્યા હતા. જોકે ભારતીય ટીમે બેટીંગ અને બોલિંગમાં મુશ્કેલ પિચ પર સારો દેખાવ કરવા સફળ પ્રયાસ કર્યો હતો. ભારત વિજયી ટીમને જ અમદાવાદમાં કિવી ટીમ સામે ઉતારશે એવી સંભાવનાઓ વધારે છે. ટીમમાં કોઈ ફેરફાર કરવા માટેનુ સ્થાન જણાતુ નથી. બોલિંગ અને બેટિંગ બંને વિભાગોમાં હાલની ટીમ સંતુલીત જણાઈ રહી છે.
આમ ભારતીય ટીમમાં ફેરફારની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે. રાંચીમાં યુઝવેન્દ્ર ચહલને બહાર બેસવુ પડ્યુ હતુ, પરંતુ લખનૌમાં રમાયેલી બીજી મેચમાં તેને સ્થાન આપવામાં આવ્યુ હતુ. આમ લખનૌમાં એક ફેરફાર અંતિમ ઈલેવનમાં કરવામાં આવ્યો હતો. હવે લખનૌની ટીમનુ સંતુલન જોતા એ જાળવી રાખવાનુ વધારે હિતાવહ હાર્દિક અને ટીમ મેનેજમેન્ટ માનશે.
લખનૌમાં સ્પિનરોને મદદગાર પિચ માટે ઉમરાન મલિકના સ્થાને યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. જે દાવ સફળ રહ્યો હતો, ચહલે 2 ઓવર કરી હતી જેમાં એક મેડન કરી હતી અને એક વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો. ચહલે 2 ઓવરમાં માત્ર 4 જ રન ગુમાવ્યા હતા. આમ ચહલ લખનૌમાં ખૂબ જ કરકસર ભર્યો બોલર રહ્યો હતો.
ભારત સામે પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે લખનૌમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 8 વિકેટના નુક્શાન પર 99 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય હાર્દિક, દીપક હુડ્ડા વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવે એક એક વિકેટ ઝડપી હતી. ભારતે 19.5 ઓવરમાં લક્ષ્ય પાર કર્યુ હતુ. સૂર્યકુમાર યાદવે સૌથી વધારે 26 રન ભારત તરફથી નોંધાવ્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ