શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં સિરીઝની પ્રથમ T20 મેચ રમાઈ હતી. સિરીઝમાં ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના પસંદ કરી હતી. પરંતુ આ દાવ સફળ નિવડ્યો નહોતો. ભારતીય ટીમનો 21 રનથી પરાજય થયો હતો. ભારત સામે સિરીઝમાં ન્યુઝીલેન્ડે હવે 1-0 થી લીડ મેળવી લીધી છે. 3 મેચોની સિરીઝમાં હવે ન્યુઝીલેન્ડ અજેય રહેવા બીજી મેચમાં જીત માટે દમ લગાવી દેશે. આવી સ્થિતીમાં ભારત માટે હવે કરો યા મરોની સ્થિતીનો સામનો કરવાની સ્થિતી છે.
બીજી મેચ રવિવારે 29 ફેબ્રુઆરીએ લખનૌમાં રમાનારી છે. આ મેચમાં હાર સાથે જ ટીમ ઈન્ડિયાના હાથમાંથી શ્રેણી સરકી જશે, જ્યારે જીત બરાબરી પર લાવી દેશે. ભારત લખનૌમાં રમાનારી બીજી T20 મેચ રવિવારે જીતી લેવામાં સફળ રહેશે તો, બુધવારે અમદાવાદમાં રમાનારી સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક બની રહેશે.
રાંચીમાં કેટલાક ખેલાડીઓએ પ્રદર્શનથી નિરાશ કર્યા હતા. ખાસ કરીને ઓપનીંગની સમસ્યા સતત પરેશાન કરી રહી છે. ઈશાન કિશન અને શુભમન ગિલે રાંચીમાં ઓપનીંગ કર્યુ હતુ. ઓપનીંગ જોડી માત્ર 10 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. 15 રનના સ્કોર પર ઈશાન કિશન, શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીની વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલીવાર નથી કે ઓપનીંગ જોડી નિષ્ફળ રહી છે. આ પહેલા શરુઆતને લઈ ટીમ ઈન્ડિયાને સમસ્યા કરવી પડી છે. આવી સ્થિતીમાં હવે પૃથ્વી શો સ્ક્વોડમાં સામેલ હોઈ તેને તક મળે એવી સંભાવના વધી છે.
પૃથ્વી શો ભારતીય ક્રિકેટના સારા ઓપનરો પૈકીનો એક છે. ટીમ મેનેજમેન્ટ હવે તેના પર નજર રાખીને મોકો આપી શકે છે. પૃથ્વી શો પણ પોતાના મોકાની શોધમાં છે. લખનૌમાં તક મળશે તો, તેને ઝડપી લેવા તત્પર છે અને જેનો ફાયદો અંતે ટીમ ઈન્ડિયાને મળનારો છે. પૃથ્વીના આવવાથી ઈશાને બહાર થવુ પડી શકે છે. ઈશાને અંતિમ 12 ટી20 ઈનીંગમાં એક પણ વાર અડધી સદી નોંધાવી નથી. તે સતત નિષ્ફળ નિવડી રહ્યો છે.
અંતિમ ઓવરમાં નો બોલ નાંખીને રાંચીની મેચમાં ફરી એકવાર રોષનો ભોગ અર્શદીપ બન્યો છે. આ નો બોલ તેને લખનૌમાં બહાર બેસાડવા માટે પૂરતો બની શકે છે. કારણ કે આ બોલ પર પહેલા જ છગ્ગો ગુમાવ્યો અને ફ્રિ હિટ પર ફરથી છગ્ગો ગુમાવ્યો હતો. આવી સ્થિતીમાં તેણે ભારત માટે મુશ્કેલીઓ નોંતરવામાં મોટી ભૂમિકા જાણે અજાણ્યે ભજવી દીધી હતી. ભારત માટે અંતિમ ઓવરે ટાર્ગેટ 20 રન વધારી દીધુ અને ભારતે 21 રનથી હાર સહન કરી હતી. નો બોલ ના હોત તો રનચેઝ વધુ રોમાંચક બની શક્યુ હોત.
ટીમ ઈન્ડિયા પાસે મુકેશ કુમાર છે અને આ ખેલાડી હજુ આંતરરાષ્ટ્રીય ટી20 માં ડેબ્યૂ કરવાની રાહ જોઈ રહ્યો છે. આવી સ્થિતીમાં તેનુ આ સપનુ સાકાર થઈ શકે છે. આમ ઈશાન અને અર્શદીપનો ફેરફાર ટીમમાં જોવા મળી શકે છે. આ સિવાય ઉમરાન મલિક પણ મોંઘો બોલ રહ્યો હતો અને તેને માત્ર એક જ ઓવર નાંખવાની તક અપાઈ હતી.
વિનીંગ કોમ્બિનેશનમાં સ્વાભાવિક જ કોઈ ફેરફાર થતો હોતો નથી. સિવાય કે ઈજા કે આરામની સ્થિતી હોય. આમ ન્યુઝીલેન્ડની ટીમ અજેય લીડના પ્રયાસમાં રાંચીની ટીમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા લાગી રહી નથી.
ભારતઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન/પૃથ્વી શો, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, દીપક હુડા, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ/મુકેશ કુમાર, ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડઃ મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, મિશેલ બ્રેસવેલ, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.