ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં બીજી વનડે મેચ રમાઈ છે. આ મેચમાં ભારતીય ટીમ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ ચૂકી છે. માત્ર 117 રનનો સ્કોર નોંધાવીને ટીમ ઈન્ડિયા સમેટાઈ ગઈ હતી. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ફરી એકવાર વનડે સિરીઝમાં ફ્લોપ રહ્યા છે. તો વળી સૂર્યકુમાર યાદવના બેટથી નિકળતી આગ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં બંને વનડે મેચમાં સાવ ઓલવાઈ ગઈ છે. મુંબઈ બાદ વિશાખાપટ્ટનમમાં પણ શૂન્ય રને વિકેટ ગુમાવીને તે પરત ફર્યો હતો.
મુંબઈમાં ભારતીય ટીમની શરુઆત લક્ષ્યનો પિછો કરતા ખરાબ રહી હતી. 39 રનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી જ રીતે વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમ 117 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલ ટાર્ગેટ વિના વિકેટે પાર કરી લીધુ હતુ.
2021 ના વર્ષ દરમિયાન સૂર્યકુમાર યાદવે વનડે કેપ મેળવી હતી. તેણે અત્યાર સુધીમાં 21 મેચો રમી છે, જેમાં તેણે 433 રન નોંધાવ્યા છે. અંતિમ પાંચ ઈનીંગ સૂર્યાની ખાસ રહી નથી. સૂર્યા તેની તોફાની રમત માટે જાણિતો છે અને તે વનડે ક્રિકેટમાં હજુ પોતાના અસલી રંગને દર્શાવી શક્યો નથી. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે પણ અગાઉ પ્રભાવિત કરી શક્યો નહોતો અને હવે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં બેટર તરીકે સ્થાન મેળવીને એક પણ રનનુ યોગદાન આપી શક્યો નથી.
સતત બે વાર સૂર્યકુમાર યાદવ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી ચૂક્યો છે. સૂર્યા મેદાનમાં બેટ લઈને ઉતરતા જ બોલને બેટનો સંગમ કર્યા વિના જ મુંબઈ અને વિશાખાપટ્ટનમની મેચમાં પરત ફર્યો હતો. પ્રથમ અને બીજી બંને વનડે મેચમાં સૂર્યા શૂન્ય રને લેગબિફોર આઉટ થઈ પરત ફર્યો હતો.બંને મેચમાં તે બંને વાર પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી પરત ફર્યો હતો. જ્યારે બંને વાર તેને મિશેલ સ્ટાર્કે જ પોતાનો શિકાર બનાવ્યો હતો.
વનડે ફોર્મેટમાં છેલ્લી 6 મેચમાં પાંચ ઈનીંગ રમ્યો છે. સૂર્યાનો પાછળની પાંચ ઈનીંગનો સ્કોર જોવામાં આવે તો 4, 31,14,0,0 રહ્યો છે. આમ પાંચ ઈનીંગમાં મળીને તે પૂરા પચાસ રન પણ નોંધાવી શક્યો નથી. આ પહેલાની તે 12 ઈનીંગમાં 260 રન નોંધાવી ચૂક્યો છે. વનડે ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ સતત ફ્લોપ જઈ રહ્યો છે. જેને લઈ હવે સૂર્યા સવાલોમાં ઘેરાવા લાગ્યો છે. તેના વિકલ્પ અંગે પણ સવાલો ઉઠવા લાગ્યા છે. રજત પાટીદાર પણ તોફાની બેટર છે અને તે પણ બહાર બેઠો છે.
અય્યર ઈજાને લઈ હાલમાં ઉપલબ્ધ નથી, આવામાં સૂર્યાને મોકા પર મોકો મળી રહ્યો છે. જોકે મિડલ ઓર્ડરમાં સૂર્યાના સ્થાને હવે રજત પાટીદારને અજમાવવાનો સૂર પેદા થયો છે. હવે ચેન્નાઈમાં રમાનારી અંતિમ વનડે મેચમાં સૂર્યાને જ તક અપાય છે કે, રજતને એ જોવુ રહ્યુ.