IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરુ થશે ODI શ્રેણી, જાણો બંને ટીમો અને શેડ્યૂલ વિશેની સંપૂર્ણ વિગત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની રેડ બોલ સિરીઝ ખતમ થઈ ચુકી છે. ભારતીય ટીમે 2-1 થી ટેસ્ટ શ્રેણી જીતીને લઈ ફરી એકવાર બોર્ડર ગાવાસ્કર ટ્રોફી પોતાને નામ કરી લીધી છે. હવે વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા દમ દેખાડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની સિરીઝ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી સમાપ્ત થઈ ચુકી છે. અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ હતી અને જે ડ્રો રહી હતી. ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ચુકી છે. હવે ભારત વનડે સિરીઝ પર પોતાનુ ધ્યાન લગાવી રહ્યુ છે. ટીમ ઈન્ડિયા આગામી વિશ્વકપને ધ્યાને રાખીને વનડે માટે ક્ષતિઓ દૂર કરવાનો પ્રયાસ કરી તૈયારીઓ કરી રહ્યુ છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખી ઉપયોગી છે. આગામી શુક્રવારે પ્રથમ વનડે મેચ સાથે સિરીઝની શરુઆત થશે.
સિરીઝની શરુઆતની મેચ મુંબઈમાં રમાનારી અને અંતિમ મેચ ચેન્નાઈમાં રમાનારી છે. રેડ બોલ બાદ હવે વ્હાઈટ બોલ ક્રિકેટની ધમાલ જોવા મળશે. ટીમ ઈન્ડિયા ઘર આંગણે પ્રવાસી ટીમ સામે મજબૂત દેખાવ કરશે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ ભારતમાં આઈપીએલની શરુઆત થશે. આગામી બે મહિના સુધી ક્રિકેટના ઝડપી ફોર્મેટની વિશ્વની સૌથી પ્રસિદ્ધ લીગની ધમાલ જામશે.
જાણો શેડ્યૂલ
વનડે સિરીઝની શરુઆત આગામી શુક્રવાર એટલે કે 17 ફ્રેબ્રુઆરીથી થનારી છે. સિરીઝની પ્રથમ વનડે મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી છે. જ્યારે રવિવારે બીજી મેચ વિશાખાપટ્ટનમ અને અંતિમ મેચ ચેન્નાઈમાં રમાનારી છે. વિશાખાપટ્ટનમ અને ચેન્નાઈમાં રમાનારી વનડે મેચમાં રોહિત શર્મા ટીમની આગેવાની સંભાળશે. અંતિમ મેચમાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની સ્ટેડિયમમાં ઉપસ્થિત જોવા મળશે. ધોની હાલમાં આઈપીએલની તૈયારીઓને લઈ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેમ્પને લઈ ચેન્નાઈમાં હાજર છે.
| ભારત Vs ઓસ્ટ્રેલિયા ODI શેડ્યૂલ | |||
| મેચ | તારીખ | સ્થળ | સમય |
| પ્રથમ વનડે | 17, માર્ચ 2023 | વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ | બપોરે 2.00 કલાકે |
| બીજી વનડે | 19, માર્ચ 2023 | ડો. વાયએસ રેડ્ડી સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ | બપોરે 2.00 કલાકે |
| ત્રીજી વનડે | 22, માર્ચ 2023 | એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ | બપોરે 2.00 કલાકે |
ભારત અને ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ.
ટીમ ઈન્ડિયાનુ સુકાન મુંબઈની વનડે મેચમાં હાર્દિક પંડ્યા સંભાળતો જોવા મળી શકે છે. રોહિત શર્મા પ્રથમ વનડે મેચ માટે ઉપલબ્ધ નહીં હોય અને જેના બદલે હાર્દિક ટીમની આગેવાની સંભાળશે.
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, કુલદીપ યાદવ, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક અને જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયાઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક, સીન એબોટ, એશ્ટન અગર અને એડમ ઝમ્પા.