ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે કારમી હાર સહન કરવી પડી હતી. ભારતીય બેટરો ફરી એકવાર ફ્લોપ રહ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ વર્તમાન વનડે સિરીઝમાં હજુ સુધી પોતાનુ ખાતુ ખોલી શક્યો નથી. સૂર્યકુમાર યાદવ વિસ્ફોટક બેટર માનવામાં આવે છે. તે ટી20 ફોર્મેટમાં પોતાનો દમ દેખાડી ચુક્યો છે. જેમાં તેણે નંબર વનનુ સ્થાન મેળવ્યુ છે. વ્હાઈટ બોલ ફોર્મેટ માટે ખતરનાક માનવામાં આવતો સૂર્યકુમાર યાદવ વનડે ક્રિકેટમાં દમ દેખાડી રહ્યો નથી. આ દરમિયાન હવે તેના પર સવાલો થવા લાગ્યા છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેનુ સમર્થન કર્યુ છે અને હજુ પણ તક આપવાની તૈયારી બતાવી છે.
સૂર્યકુમાર અંતિમ પાંચ વનડે ઈનીંગમાં માંડ પચાર રન પણ નિકાળી શક્યો નથી. આવામાં અંતિમ બંને વનડે મેચમાં તે શૂન્ય રને વિકેટ ગુમાવતા જ સૌના નિશાને ચઢ્યો છે. મિશેલ સ્ટાર્કે તેને સિરીઝની રમાયેલી બંને વનડે મેચમાં પ્રથમ બોલે જ શિકાર કરીને પરત મોકલ્યો છે. નવાઈની વાત એ છે કે, બંને મેચમાં તેનુ બેટ એક પણ વાર બોલને ટચ સુદ્ધા કરી શક્યુ નથી. તે લેગબિફોર વિકેટ ગુમાવીને પરત ફર્યો છે.
હાલમાં ટીમ ઈન્ડિયાનો મિડર ઓર્ડર ખેલાડી શ્રેયસ અય્યર ઈજાને લઈ બહાર છે. હાલમાં તે આરામ પર હોવાને લઈ વનડે સિરીઝથી દૂર છે. તેના સ્વસ્થ થઈને ક્રિકેટના મેદાનમાં પરત ફરવાને લઈ કોઈજ સ્પષ્ટતા નથી. આવામાં સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં મોકો મળી રહ્યો છે. મેચ બાદ રોહિતે કહ્યું કે “તેને અય્યરની વાપસી વિશે ખબર નથી. તેણે કહ્યું કે આ સમયે ટીમમાં જગ્યા છે, તેથી સૂર્યકુમાર સાથે રમવું પડશે. સૂર્યકુમારે ટી-20માં સારું પ્રદર્શન કર્યું છે અને પોતાની પ્રતિભા બતાવી છે અને તેને જોતા ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમારને સતત તક આપવા માંગે છે.”
રોહિતે એ વાત પણ સ્વીકારી કે, “સૂર્યકુમાર યાદવના મનમાં પણ આ વાત ચાલી રહી છે કે તેણે રન બનાવવાના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે ખેલાડીઓમાં પ્રતિભા છે તેમને સતત તક આપવામાં આવશે.”
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બતાવ્યુ કે, સૂર્યકુમારને સતત મોકો મળશે, કારણ કે તે આ ફોર્મેટને લઈ સહજતા અનુભવે. સૂર્યકુમાર યાદવ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝમાં હજુ સુધી ફ્લોપ રહ્યો છે. એક તો તે હજુ સુધી સિરીઝમાં એક પણ રન નોંધાવી શક્યો નથી. સાથે જ તેણે ફિલ્ડીંગમાં પણ તે ચર્ચામાં રહી શકે એવુ કંઈ જોવા મળ્યુ નથી. જોકે આમ છતાં હવે કેપ્ટન કહે છે કે, સૂર્યકુમાર યાદવને મોકા મળતા રહેવા જરુરી છે.