ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. રવિવારે 19 માર્ચે સિરીઝની બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાનારી છે. આ મેચ સાથે સિરીઝમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા પરત ફરી રહ્યો છે. રોહિત શર્માના પરત આવવા સાથે મુંબઈમાં રમાયેલી વનડેની વિજયી પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર નિશ્ચિત છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, જીતની બાજી ખેલી બતાવનારા ખેલાડીઓમાંથી કોણે રોહિત શર્મા માટે સ્થાન ખાલી કરવાનુ રહેશે. સ્થાન ટોપ ઓર્ડરમાં જ બદલાશે એ પણ નિશ્ચિત છે.
ટીમ ઈન્ડિયા વિશાખાપટ્ટનમમાં વિજયી ધ્વજ લહેરાવવા ઈચ્છશે. જેથી અંતિમ વનડેને નિર્ણાયક રીતે રમવાની સ્થિતી ના રહે. ભારત વિશાખાપટ્ટનમમાં જીત મેળવવા સાથે જ સિરીઝ પર કબ્જો કરી લેશે. અગાઉ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે વ્હાઈટ બોલ સિરીઝમાં પણ હાર આપવાનો ઈરાદો ભારતીય ટીમ રાખી રહ્યુ છે. આમ ટીમ ઈન્ડિયા બીજી વનડેમાં પૂરા દમ સાથે મેદાને ઉતરવા માટે પ્રયાસ કરશે.
નિયમીત કેપ્ટન પરત ફરતા જ હવે ટીમમાં ફેરફાર જોવા મળશે. પહેલા તો રોહિત શર્માના ખુદના માટેની જગ્યા થશે. રોહિત શર્મા ઓપનર તરીકે મેદાને ઉતરશે અને તેની સાથે શુભમન ગિલ જોડાશે. અગાઉ મુંબઈની મેચમાં શુભમન ગિલની સાથે ઈશાન કિશનને ઓપનર તરીકે મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઈશાન કિશન ઝડપથી પરત ફર્યો હતો. જોકે હવે ઈશાન કિશને જ બહાર થવુ પડશે એવી સંભાવના વધારે છે. કેએલ રાહુલ મુંબઈ મેચમાં હિરો રહ્યો હતો અને તેણે મુશ્કેલ સમય વચ્ચે શાનદાર રમત બતાવીને જીત અપાવી હતી. આવામાં ઈશન કિશનના બહાર થવાની સંભાવના વધારે છે.
ટોપ ઓર્ડર સિવાય ઓલરાઉન્ડર તરીકે પણ એક ફેરફાર બીજો થઈ શકે છે. વોશિંગ્ટન સુંદરને વિશાખાપટ્ટનમમાં રમવાનો મોકો મળી શકે છે. શાર્દૂલ ઠાકુરને બહાર બેસાડવામાં આવી શકે છે અને તેના સ્થાને સુંદરને ટીમમાં મોકો મળી શકે છે. આ ફેરફાર વિશાખાપટ્ટનમની પિચને જોઈને કરવામાં આવી શકે છે.
ઈજા અને બિમારીને લઈ મુંબઈ વનડેમાં ડેવિડ વોર્નર અને એલેક્સ કેરી બહાર રહ્યા હતા. બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એવી સંભાવના છે કે, બંને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચમાં પરત ફરી શકે છે. આમ જોશ ઈંગ્લીશ રવિવાર બહાર થઈ શકે છે અને તે કેરી માટે જગ્યા કરશે. જ્યારે વોર્નરના સ્થાન માટે ટીમમાંથી કોને બહાર રાખવો એ સૌથી મોટો સવાલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સામે છે.
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ/યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયા: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર/ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, શોન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.