IND vs AUS: નાગપુર ટેસ્ટમાં સ્ટેડિયમમાંથી ક્રાઈમ બ્રાંચે 4 સટ્ટોડીયા ઝડપ્યા, સેકન્ડ્સની ‘કિંમત’ નો ઉઠાવતા હતા ફાયદો!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી નાગપુર ટેસ્ટ પર સ્ટેડિયમમાંથી ચાર શખ્શોને ઝડપી લીધા છે, ક્રિકેટના સટ્ટાનુ નેટવર્ક ચલાવતા હતા. નાગપુર પોલીસે સટ્ટા નેટવર્કને લઈ તપાસ હાથ ધરી છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થઈ ચુકી છે. 4 ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. સિરીઝની શરુઆત સાથે સટ્ટોડીયા પણ એક્ટીવ થઈ જતા હોય છે. આવી જ રીતે નાગપુર ટેસ્ટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડવાના નેટવર્ક સાથે જોડાયેલા 4 શખ્શોની નાગપુર પોલીસે ધરપકડ કરી છે. સટ્ટા નેટવર્કમાં સેકન્ડોની કિંમત હોય છે. આ માટે લાઈવ પ્રસારણ અને વાસ્તવિકતા વચ્ચેના સમયના તફાવતનો ફાયદો ઉઠાવી સટ્ટોડીયાઓ લાભ મેળવતા હોય છે. આવુ કૃત્ય કરી રહેલા શખ્શોને સ્ટેડિયમમાં બેસેલા ઝડપી લેવામાં આવ્યા છે.
રમતને બદનામ કરનારા સટ્ટોડીયાઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ માટેની વધુ માહિતી મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ નાગપુર ટેસ્ટ પર સટ્ટો રમાડવાના પ્રયાસ કરતા આ ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના નાગપુર ટેસ્ટના બીજા દિવસની છે.
ક્રાઈમ બ્રાંચે સ્ટેડિયમમાંથી ઝડપ્યા
બીજા દિવસની રમતની દરમિયાન નાગપુર ક્રાઈમ બ્રાંચે આ કાર્યવાહી કરતા નાગપુરના વીસીએ સ્ટેડિયમમાંથી ટીમ દ્વારા ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે, “આરોપીઓ મેદાન પર રમાઈ રહેલી મેચ અને ટીવી-મોબાઈલ પર લાઈવ ટેલિકાસ્ટ વચ્ચે થોડી સેકન્ડના તફાવતનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ માટે સ્ટેડિયમમાંથી મેચની માહિતી અન્ય લોકોને મોકલવામાં આવી રહી હતી. બહાર બુકીઓ રોકાયા હતા તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓ મુંબઈ, ભંડારા અને નાગપુરના રહેવાસી છે”. પોલીસ અધિકારીએ કહ્યું કે “આરોપી વિરુદ્ધ હિંગણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી રહી છે”.
માહિતી મેળનારાઓની દિશામાં તપાસ
નાગપુર ક્રાઈમ બ્રાંચ દ્વારા એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કે, જેઓ આ ચારેય શખ્શો પાસેથી વિગતો મેળવી રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચ દ્વારા સટોડીયાઓના તાર ક્યાં સંકળાયેલા હતા અને તેઓ જેમને વિગતો પુરી પાડી રહ્યા હતા તેમની વિગતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન મેળવાઈ રહી છે. આરોપીઓ પાસેથી વિગતો ખૂલ્યા બાદ એ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ફરીયાદની પ્રક્રિયા બાદ આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમના રિમાન્ડ મેળવવામાં આવશે. ઓરોપીઓનો ઉપયોગ કેવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, એ આખીય મોડસ ઓપરેન્ડીને જાણવા માટે પણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પૂછપરછ શરુ કરી છે.