WTC Points Table : વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યા પછી પણ ભારતને કોઈ ફાયદો થયો નહીં, જાણો કારણ
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ એકતરફી રીતે જીતી લીધી હતી. આ જીત છતાં, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે. ટીમ ઈન્ડિયાને અમદાવાદમાં મોટી જીતનો પોઈન્ટ ટેબલમાં કોઈ ફાયદો થયો નથી.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું, જેના કારણે વેસ્ટ ઈન્ડીઝ ત્રણ દિવસ પણ મેદાન પર રમી શક્યું ન હતું. આ સાથે શુભમન ગિલે કેપ્ટન તરીકે ભારતમાં પ્રથમ ટેસ્ટ જીત નોંધાવી. જોકે, આ મોટી જીત છતાં રત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં કોઈ ફાયદો મેળવી શક્યું નહીં, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
WTC પોઈન્ટ ટેબલમાં કોઈ ફાયદો નહીં
આ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં છઠ્ઠી મેચ હતી. આ પહેલા ભારતે ઈંગ્લેન્ડમાં પાંચ મેચ રમી હતી, જેમાં બે જીતી હતી અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ ડ્રો રહી હતી. હવે, વેસ્ટ ઈન્ડીઝને હરાવીને ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27માં પોતાનો ત્રીજો વિજય મેળવ્યો છે. આ જીત સાથે, ભારતની જીતની ટકાવારી 46.67 થી વધીને 55.56 થઈ છે. જોકે, તેઓ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને જ રહ્યા છે.
જીતની ટકાવારીમાં ભારત પાછળ
હકીકતમાં, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ભારતથી ઉપર ટોચની બે ટીમો છે. બંને ટીમોની જીતની ટકાવારી ભારત કરતા સારી છે. વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા પછી પણ ટીમ ઈન્ડિયા જીતની ટકાવારીમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને પાછળ રાખી શકી નથી. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે, જેના પરિણામે જીતની ટકાવારી 100 . બીજી તરફ, શ્રીલંકા બે મેચમાં એક જીત અને એક ડ્રો સાથે બીજા સ્થાને છે, જેની જીતની ટકાવારી 66.67 છે.
વેસ્ટ ઈન્ડીઝ એક પણ મેચ જીત્યું નથી
વેસ્ટ ઈન્ડીઝનું 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. તેઓ હજુ સુધી એક પણ જીત મેળવી શક્યા નથી. તેમણે ચાર મેચ રમી છે અને બધી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, તેઓ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ઈંગ્લેન્ડ પાંચ મેચમાંથી બે જીત, બે હાર અને એક ડ્રો સાથે ચોથા સ્થાને છે . બાંગ્લાદેશે પણ બે મેચ રમી છે અને હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી, જોકે એક ડ્રોના કારણે તેઓ પાંચમા સ્થાને છે.
આ પણ વાંચો: ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનાર આ સ્ટાર ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યા
