IND vs WI: વિરાટ કોહલીની થઇ શકે છે નિરાશા દુર, રન બનાવવાના મામલામાં ફરી નંબર 1 બની શકે છે, રોહિત શર્મા પણ બાજી મારવા તૈયાર
વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી, પરંતુ તેનું બેટ ટૂંકા ફોર્મેટમાં સતત રન કરી રહ્યું છે અને હવે ફરી એકવાર તે પોતાનું ગુમાવેલું સ્થાન પાછું મેળવી શકશે.
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની આ દિવસોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. થોડા સમય પહેલા સુધી તેની કેપ્ટનશિપની ચર્ચા હતી. તેણે રાજીનામું આપ્યું, પછી તેને દૂર કરવામાં આવ્યો. તે અંગે પણ વિવાદ થયો હતો. હવે એ સમય વીતી ગયો છે અને અત્યારે તો વાત તેની બેટિંગની છે. વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની ODI શ્રેણીમાં તે બિલકુલ સ્કોર કરી શક્યો ન હતો અને પછી તેના ખરાબ ફોર્મ વિશે વાતો થવા લાગી. આ બધી ચર્ચાઓ વચ્ચે કોહલી હવે વિન્ડીઝની ટીમ સામેની ટી-20 સીરીઝ દ્વારા પોતાનું બેટ દેખાડવા માટે બેતાબ રહેશે. આ સાથે તેની પાસે આ સિરીઝ દ્વારા ફરીથી નંબર વન બનવાની તક છે.
કોહલી ભલે છેલ્લા બે વર્ષથી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હોય, પરંતુ તેમ છતાં તેનો રેકોર્ડ શાનદાર છે. ખાસ કરીને ટૂંકા ફોર્મેટમાં તેના બેટથી સતત રન થયા છે. આ જ કારણ છે કે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હજુ પણ ટોચના બેટ્સમેનોમાં સામેલ છે. ટી-20 વર્લ્ડ કપમાં છેલ્લી વખત આ ફોર્મેટ રમનાર કોહલી તે સમય સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, પરંતુ અત્યારે તે પાછળ રહી ગયો છે અને હવે તેની પાસે ફરી પ્રથમ સ્થાન હાંસલ કરવાની તક છે.
શું કોહલી ફરી નંબર 1 બનશે?
ટી20 વર્લ્ડ કપ બાદ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટી20 સીરિઝમાંથી આરામ લીધો હતો. તેના કારણે તે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓપનર માર્ટિન ગુપ્ટિલે તેની પાસેથી નંબર વનનો તાઝ છીનવી લીધો હતો, પરંતુ કોહલી તેનો આ તાઝ પરત મેળવી શકે છે. જો કોહલી પ્રથમ મેચમાં અથવા તો સમગ્ર શ્રેણીમાં 73 રન બનાવી લે છે, તો તે ગુપ્ટિલને પાછળ છોડીને ફરીથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. ગુપ્ટિલના હાલમાં 108 ઇનિંગ્સમાં 3299 રન છે, જ્યારે કોહલીના નામે 87 ઇનિંગ્સમાં 3227 રન છે.
રોહિત શર્મા પણ પાછળ નથી
આ મામલે માત્ર કોહલી જ નહીં પરંતુ કેપ્ટન રોહિત શર્મા પણ બાજી મારી શકે છે. રોહિત શર્મા પાસે કોહલી અને ગુપ્ટિલને પાછળ છોડવાની તક છે. રોહિતે હાલમાં 111 ઇનિંગ્સમાં 3197 રન બનાવ્યા છે અને તેને ગુપ્ટિલને પાછળ છોડવા માટે માત્ર 103 રનની જરૂર છે. T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર રોહિત માત્ર એક ઇનિંગમાં આ આંકડો પાર કરી શકવા સક્ષમ છે અને નંબરનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.