IND vs SA: દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર મળી નિષ્ફળતા, ભારતે કેપટાઉન ટેસ્ટ સાથે સિરીઝ ગુમાવી

ભારતે સેન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટ જીતીને શ્રેણીની શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગ અને કેપટાઉનમાં સતત બે મેચ જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો હતો.

IND vs SA: દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર મળી નિષ્ફળતા, ભારતે કેપટાઉન ટેસ્ટ સાથે સિરીઝ ગુમાવી
Keegan Petersen: તેની 82 રનની ઇનીંગે દક્ષિણ આફ્રિકાની જીત આસાન કરી

સાઉથ આફ્રિકા (South Africa) ને તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં હરાવવાનું ભારતીય ટીમનું સપનું ફરી એકવાર પૂરું થઈ શક્યું નથી. 2018ની જેમ ફરી એકવાર ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ની નબળી બેટિંગે ઈતિહાસ રચવાની તક છીનવી લીધી. કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) માં રમાયેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટે હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. મેચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાને જીતવા માટે 111 રનની જરૂર હતી, જ્યારે ભારતને 8 વિકેટ મળવાની હતી, પરંતુ કીગન પીટરસન અને રાસી વાન ડેર ડ્યુસેનની ઇનિંગ્સના આધારે સાઉથ આફ્રિકાએ આ ટાર્ગેટ બહુ મુશ્કેલી વિના હાંસલ કરી લીધો હતો.

વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ 2018 પછી બીજી વખત દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી અને આ વખતે ટીમને ઐતિહાસિક શ્રેણી જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી. એબી ડી વિલિયર્સ, ફાફ ડુ પ્લેસીસ અને હાશિમ અમલા જેવા અનુભવી બેટ્સમેનોની નિવૃત્તિને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ વધુ મજબૂત દેખાતી નહોતી રહી. જ્યારે મહાન વિકેટ-કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે પણ પ્રથમ ટેસ્ટ પછી નિવૃત્તિ લઈને આશ્ચર્ય સર્જ્યુ હતું.

દરમિયાન તોફાની ઝડપી બોલર એનરિક નોરખિયા ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમની જીત આસાન માનવામાં આવી રહી હતી, પરંતુ ત્રણ અઠવાડિયામાં જ તમામ અટકળો અને દાવાઓ ધ્વસ્ત થઈ ગયા હતા.

ટીમ ઈન્ડિયાને 8 વિકેટની જરૂર હતી

મેચના ત્રીજા દિવસે ભારતની બેટિંગ ફરી નબળી રહી હતી અને માત્ર ઋષભ પંતની જબરદસ્ત સદીના આધારે ટીમ ઈન્ડિયા માત્ર 198 રન બનાવી શકી હતી અને દક્ષિણ આફ્રિકા સામે 212 રનનો સાધારણ લક્ષ્યાંક રાખ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ ત્રીજા દિવસે 2 વિકેટના નુકસાન પર 101 રન બનાવીને જીતનો પાયો નાખ્યો હતો. આવી સ્થિતિમાં ચોથા દિવસે ભારતને બોલ સાથે કરિશ્માની જરૂર હતી, પરંતુ તેમ થયું નહીં.

પીટરસન ફરી દક્ષિણ આફ્રિકાનો સ્ટાર

મેચના પ્રથમ દાવની જેમ ફરી એકવાર દક્ષિણ આફ્રિકા માટે નવા બેટ્સમેન તરીકે ઉભરેલા કીગન પીટરસને શાનદાર ઇનિંગ રમી હતી. પીટરસને ત્રીજા દિવસે જ 48 રન બનાવ્યા હતા અને ચોથા દિવસના પ્રથમ સત્રમાં ઝડપી બેટિંગ કરી હતી, તેણે મેચમાં તેની બીજી અને શ્રેણીમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી. પીટરસને રાસી વાન ડેર ડુસેન સાથે 54 રનની ભાગીદારી પણ કરી હતી.

જોકે, પ્રથમ સત્રની શરૂઆતમાં ભારત પાસે સારી તક હતી, પરંતુ ચેતેશ્વર પૂજારાએ જસપ્રિત બુમરાહની બોલ પર સ્લિપમાં કીગન પીટરસનના હાથે સરળ કેચ છોડ્યો હતો.

શાર્દુલ ઠાકુરે પીટરસનની વિકેટ લીધી અને તેને યાદગાર સદી કરતા અટકાવ્યો. પ્રથમ દાવમાં 72 રન બનાવનાર પીટરસને પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો, તેણે 113 બોલમાં 82 રન બનાવ્યા.

બાવુમા-વાન ડેર ડુસેનનો અંતિમ હુમલો

પીટરસનની વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમને આશાનું કિરણ જોવા મળ્યું હતું, પરંતુ રાસી વાન ડેર ડુસેન અને ટેમ્બા બાવુમાએ લંચ પછી સારી ભાગીદારી કરીને તે પણ ઓલવી નાખ્યું હતું. બંનેએ ચોથી વિકેટ માટે 57 રનની શાનદાર અણનમ ભાગીદારી કરી હતી. બાવુમાએ અશ્વિનના બોલ પર સ્લોગ સ્વીપ રમ્યો હતો અને ફોર ફટકારીને ટીમને 7 વિકેટે યાદગાર જીત અપાવી હતી. બાવુમા 32 અને વાન ડેર ડુસેન 41 રને અણનમ પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ Badminton: મહેસાણાના પોલીસ કર્મીની પુત્રીએ U19 બેડમિન્ટનમાં કર્યો કમાલ, પિતાએ શિખવી રમત અને પુત્રીએ નેહવાલ-સિંધૂને પાછળ છોડી દીધા

આ પણ વાંચોઃ Sport: નાઓમી ઓસાકા વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી મહિલા એથ્લેટ બની, ફોર્બ્સે જારી કરી નવી યાદી

  • Follow us on Facebook

Published On - 5:35 pm, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Gujarati