IND vs ENG: આ રીતે મોહમ્મદ સિરાજ ખૂંખાર બોલર બન્યો, વિરાટ કોહલીએ હેડિંગ્લે ટેસ્ટ પહેલા ખોલ્યુ રાઝ, જાણો
27 વર્ષના મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટમાં 11 વિકેટ લીધી છે. સિરાજની લાઈન અને લેન્થ ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે સમસ્યા બની ગઈ છે. તેણે લોર્ડ્સમાં બીજી ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ભારતીય ક્રિકેટ (Indian Cricket) માં ધૂમકેતુની જેમ ઉભરી આવ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે તેની આ ચમકને લઇને સહેજે આશ્ચર્ય નથી. તે કહે છે કે સિરાજ હવે આત્મવિશ્વાસથી ભરેલો છે, જ્યાં તે માને છે કે તે કોઈને પણ આઉટ કરી શકે છે. 27 વર્ષના મોહમ્મદ સિરાજે ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) પર પ્રથમ બે ટેસ્ટમાં 11 વિકેટ લીધી છે.
આ પ્રદર્શન પછી, તે મોહમ્મદ શામી, જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા સાથે ભારતીય ક્રિકેટ ટીમની ઝડપી બોલિંગ ચોકડીનો હિસ્સો બની ગયો છે. સિરાજની લાઈન અને લેન્થ ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે સમસ્યા બની ગઈ છે. તેણે લોર્ડ્સ ખાતેની બીજી ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને ભારતને 151 રનથી જીતાડવામાં મદદ કરી હતી. આ પ્રવાસ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાની રમત વડે કમાલ કર્યો હતો.
વિરાટ કોહલીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સાથે સિરાજનો આત્મવિશ્વાસ એક અલગ સ્તર પર પહોંચ્યો. ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટને કહ્યું, તેને આગળ વધતા જોઈને મને જરા પણ નવાઈ નહોતી, કારણ કે મેં તેને નજીકથી જોયો છે. તે એક પ્રકારનો વ્યક્તિ છે જેની પાસે હંમેશા ક્ષમતા હતી. પછી ક્ષમતાને આગળ લઈ જવા માટે, વિશ્વાસ જરૂરી છે જે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસથી મળ્યો.
કહ્યુ, તે હજી પણ એવી રીતે ફરતો રહે છે કે, કોઈ ને પણ કોઈપણ તબક્કે આઉટ શકે છે. રમતમાં તેનો આ આત્મવિશ્વાસ એક અલગ સ્તરે પહોંચી ગયો છે. તેથી તમે લોકો તે શું કરી રહ્યો છે તેના પરિણામો જોઈ રહ્યા છે.
કોન્ફિડેન્સથી ભરપુર છે સિરાજ
કોહલીએ એમ પણ કહ્યું કે સિરાજનો આત્મવિશ્વાસ તેને સંતોષ આપે છે. તેણે કહ્યું, હું તેને આ રીતે જોઈને ખૂબ ખુશ છું. તે એક પ્રકારનો બોલર બનશે જે તમારી આંખોમાં ઘૂરશે અને ડરશે નહીં. જે એક ડગલું પણ પાછું નહી લે. પ્રથમ બે ટેસ્ટ મેચ દરમિયાન સિરાજના આક્રમક વલણ વિશે પણ ઘણી ચર્ચા થઈ છે. તેણે ઈંગ્લેન્ડના ખેલાડીઓની આક્રમકતાનો સંપૂર્ણ જવાબ આપ્યો છે.
ત્રીજી ટેસ્ટ મેચ પહેલા વિરાટ કોહલીએ ટીમ ઇન્ડીયાની ઓપનીંગ જોડીને પણ સરાહના કરી હતી. તેણે કેએલ રાહુલ અને રોહિત શર્માના ખૂબ વખાણ કર્યા હતા. ભારતીય ઓપનર જોડીએ પ્રથમ બંને ટેસ્ટ મેચમાં શાનદાર કામ કર્યુ હતુ અને ટીમને સારી શરુઆત અપાવી હતી.