Ind Vs Eng Test: 80 ચોગ્ગા અને છગ્ગા… ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જ ‘બેઝબોલ’નો સ્વાદ ચખાડ્યો, ફક્ત આટલી ઓવરમાં જડી દીધા 540 રન
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઇંગ્લેન્ડ સામે તોફાની બેટિંગ કરીને 540 રન ફટકારી નાખ્યા. 80 ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને ઇંગ્લિશ ટીમને તેમના જ 'બેઝબોલ' સ્ટાઈલમાં જવાબ આપી દીધો છે.
ભારત અંડર-19 અને ઇંગ્લેન્ડ અંડર-19 ટીમ વચ્ચે બે મેચની યુથ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ બેકનહામના કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચની પહેલી ઇનિંગ્સમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરી હતી અને 540 રન બનાવવામાં સફળ રહી હતી. ભારતીય યુવા ખેલાડીઓએ બેઝબોલની શૈલીમાં બેટિંગ કરીને ઇંગ્લેન્ડને ધ્વસ્ત કરી નાખી હતી. જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડની સિનિયર ટીમ બેઝબોલ શૈલી માટે જાણીતી છે.
ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડના બોલર્સ ધરાશાયી
ટોસ જીતીને પહેલા બેટિંગ કર્યા પછી ભારતીય ટીમે પહેલા દિવસથી જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ઓપનર આયુષ મ્હાત્રેએ કેપ્ટન તરીકે ખાસ ઇનિંગ્સ રમી અને 102 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ પણ રન બનાવવામાં કોઈ કસર છોડી નહીં. ભારતીય બેટ્સમેનોએ ઝડપથી રન બનાવ્યા અને ઇંગ્લેન્ડના બોલરોને પરેશાન કર્યા.
72 ચોગ્ગા અને 8 છગ્ગા !
રમતના પહેલા દિવસે ભારતે 450 રન બનાવીને ઇંગ્લેન્ડને દબાણમાં મૂકી દીધું હતું. બીજા દિવસે પણ ભારતીય બેટ્સમેનોએ પોતાનું ફોર્મ ચાલુ રાખ્યું અને સ્કોર 540 રન સુધી પહોંચાડ્યો. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ 72 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.
કેપ્ટન આયુષ મ્હાત્રે ઉપરાંત વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ, રાહુલ કુમાર અને આરએસ અંબરીશે અડધી સદી ફટકારી હતી. અભિજ્ઞાન કુંડુએ 90 રન, રાહુલ કુમારે 85 રન, આરએસ અંબરીશે 70 રન અને વિહાન મલ્હોત્રાએ 67 રનનું યોગદાન આપ્યું હતું. જો કે, વૈભવ સૂર્યવંશી આ ઇનિંગ્સમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને 14 રન બનાવ્યા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી.
આ ઇનિંગ્સ દરમિયાન ખાસ વાત એ હતી કે, ભારતીય ટીમે માત્ર 100 ઓવરમાં 500 રનનો આંકડો પાર કરી લીધો હતો. 540 રન બનાવવા માટે ભારતને 112.5 ઓવરનો સમય લાગ્યો હતો.
