IND vs ENG: 75 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો આ બેટ્સમેને, 1,717 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ચાન્સ મળ્યો અને ગોલ્ડન ડક મળ્યુ
India vs England: 1946 બાદ 2021માં આ પ્રકારે આઉટ થવાનો રેકોર્ડ તૂટ્યો છે. જે બેટ્સમેન માટે અણગમતો રેકોર્ડ લોર્ડઝના મેદાન પર નોંધાઈ ચુક્યો છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે હાલમાં લોર્ડઝમાં સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમ્યાન 1,717 દિવસ બાદ એક બેટ્સમેન હસીબ હમીદ (Haseeb Hameed) ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. તેણે પાંચ વર્ષ પહેલા ભારત સામે જ ડેબ્યૂ કર્યુ હતુ. જોકે તેના લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરવા બાદ પ્રથમ બોલ પર જ તે ક્લીન બોલ્ડ થયો હતો. પાંચ પહેલા તેણે તેની અંતિમ ટેસ્ટ મેચમાં અર્ધશતક લગાવ્યુ હતુ. જોકે આ વખતે તેનું નામ એક અણગમતા રેકોર્ડ તરીકે નોંધાઈ ચુક્યુ છે.
ઈંગ્લેન્ડના બેટ્સમેન હસીબ પ્રથમ બોલે જ ખાતુ ખોલ્યા વિના જ આઉટ થયો હતો, તેને મહંમદ સિરાજે (Mohammad Siraj) ક્લીન બોલ્ડ કર્યો હતો. હસીબ ત્રીજા નંબરે બેટીંગમાં આવ્યો હતો. તે ડોમ સીબલીના આઉટ થવા બાદ ક્રિઝ પર આવ્યો હતો. જ્યાં તેને સિરાજે પોતાનો શિકાર બનાવ્યો હતો. આમ તેનું ટીમમાં પરત ફરવુ નિરાશાજનક રહ્યું હતુ.
તે છેલ્લા 75 વર્ષમાં ભારત સામે ગોલ્ડન ડક આઉટ થનાર ઈંગ્લેન્ડનો પ્રથમ નંબર ત્રણનો બેટ્સમેન છે. તેની પહેલા છેલ્લી વખત 1946માં જ્યારે ડેનિસ ક્રોમ્પ્ટન ત્રીજા નંબર પર બેટિંગ કરતી વખતે ગોલ્ડન ડક થયો હતો. તેને લાલા અમરનાથે આઉટ કર્યો હતો. તેના પછી હસીબ હમીદ હવે ત્રીજા નંબર પર રમતી વખતે ભારત સામેના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. રસપ્રદ વાત એ છે કે ક્રોમ્પ્ટન અને હમીદ બંને લોર્ડ્સ ટેસ્ટની મેચની બીજી ઈનિંગમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યા હતા.
હમીદે 2016માં ભારત પ્રવાસ દરમ્યાન ડેબ્યૂ કર્યુ હતુ
હસીબ હમીદને પાંચ વર્ષ બાદ ફરી ઈંગ્લેન્ડ ટેસ્ટમાં સ્થાન મળ્યું છે. તેણે 2016માં ભારતના પ્રવાસથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેણે પ્રથમ મેચમાં જ એક અર્ધશતક ફટકાર્યુ હતુ. ત્યારબાદ તે પ્રવાસની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ અંતે તે બેટિંગ કરવા માટે આવ્યો હતો. ઘાયલ થયા બાદ પણ તેણે બેટિંગ કરી હતી અને ફીફટી ફટકારી હતી. આ રમત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેને મળ્યો હતો અને તેના વખાણ કર્યા હતા.
પરંતુ ભારત પ્રવાસ પછી હસીબ હમીદની કારકિર્દી ઉતાર ચઢાવમાં આવી ગઈ હતી. તેણે પોતાનું ફોર્મ ગુમાવતા કાઉન્ટી ક્રિકેટમાં પણ પોતાનું સ્થાન ગુમાવ્યું હતુ. લગભગ ચાર વર્ષ સુધી સંઘર્ષ કર્યા બાદ વર્ષ 2021માં તે ફરી પાછો આવ્યો. આ વર્ષે તેણે કાઉન્ટી ક્રિકેટમાં સારા રન બનાવ્યા અને ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. ભારત સામે નોટિંઘમ ટેસ્ટમાં જેક ક્રોલી અને ડેન લોરેન્સના ખરાબ પ્રદર્શન બાદ હસીબ હમીદને ટીમમાં બોલાવવામાં આવ્યો હતો.