28 મિનિટમાં જ પડી ભાંગી ટીમ ઈન્ડિયા, 18 બોલમાં ઓલઆઉટ, બીજા દિવસે સ્થિતિ વધુ ખરાબ થઈ
ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની પાંચમી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં ફક્ત 224 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. કરુણ નાયરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ગુસ એટકિન્સને પાંચ વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ફક્ત 224 રન બનાવ્યા હતા. બીજા દિવસે માત્ર 18 બોલ અને 28 મિનિટમાં ટીમ ઈન્ડિયાનું પતન થયું હતું. પહેલા દિવસે 204 રનમાં 6 વિકેટ ગુમાવી દેનારી ટીમ ઈન્ડિયા પાસે બીજા દિવસે 300 રન સુધી પહોંચવાનો પડકાર હતો પરંતુ તે શક્ય બન્યું નહીં.
કરુણ નાયર 57 રન બનાવી આઉટ
પ્રથમ દિવસે અડધી સદી ફટકારનાર કરુણ નાયર પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી, પરંતુ તે પોતાના સ્કોરમાં ફક્ત પાંચ રન જ ઉમેરી શક્યો. કરુણ નાયર બીજા દિવસે આઉટ થનારો પહેલો બેટ્સમેન હતો અને તેણે 57 રન બનાવ્યા હતા.
ટીમ અડધો કલાક પણ રમી શકી નહીં
ભારતીય ટીમ બીજા દિવસે અડધો કલાક પણ ક્રીઝ પર ટકી શકી નહીં. રમત શરૂ થયાના 28 મિનિટની અંદર, તેમણે બાકીની ચારેય વિકેટ ગુમાવી દીધી. બીજા દિવસે, ટીમ ઈન્ડિયાને પહેલો ફટકો જોશ ટોંગે આપ્યો, જેણે 57ના સ્કોર પર કરુણ નાયરને LBW આઉટ કર્યો. આ પછી, ગુસ એટકિન્સને બાકીની ત્રણ વિકેટ લીધી. તેણે શોર્ટ બોલ પર વોશિંગ્ટન સુંદરને ફસાવી દીધો, ત્યારબાદ તેણે સિરાજ અને કૃષ્ણાની વિકેટ પણ લીધી.
સેટ થયા બાદ વિકેટ ફેંકી દીધી
ઓવલ ટેસ્ટમાં ફક્ત 224 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ પિચ પર ઓછામાં ઓછા 300 રન બનવા જોઈતા હતા પરંતુ વિકેટ પર સેટ થયા બાદ ભારતીય બેટ્સમેનોએ પોતાની વિકેટ ફેંકી દીધી. કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં 40 બોલ રમ્યો અને 14 રન બનાવીને આઉટ થયો.
ત્રણ બેટ્સમેન 0 પર આઉટ
કેપ્ટન ગિલે 34 બોલમાં 21 રન બનાવ્યા હતા પરંતુ તે 35મા બોલ પર રન આઉટ થયો. સાઈ સુદર્શને 108 બોલ રમ્યા અને 38ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો. જુરેલ અને સુંદર પણ સેટ થયા બાદ આઉટ થયા. ટીમ ઈન્ડિયાના છેલ્લા ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા નહીં.
આ પણ વાંચો: IND vs ENG : ઓવલ ટેસ્ટની વચ્ચે જ સ્ટાર ખેલાડી ટીમ ઈન્ડિયા છોડી ગયો, BCCIએ કરી મોટી જાહેરાત
