ભારતીય મૂળના બેટ્સમેને ટીમ ઈન્ડિયા સામે ફટકારી સદી, વૈભવ સૂર્યવંશી રહ્યો ફ્લોપ
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ સામેની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના એક યુવા બેટ્સમેને શાનદાર ઈનિંગ રમી. ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત બાદ આ ખેલાડીએ સદી ફટકારી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી. પરંતુ વૈભવ સૂર્યવંશી આ મેચની પહેલી ઈનિંગમાં ફ્લોપ રહ્યો.

ભારત અને ઈંગ્લેન્ડની અંડર-19 ક્રિકેટ ટીમો હાલમાં બે મેચની યુથ ટેસ્ટ સિરીઝમાં એકબીજા સામે રમી રહી છે . શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ચેમ્સફોર્ડના કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન આયુષ મહાત્રેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડ અંડર-19 એ પોતાની પ્રથમ ઈનિંગમાં 309 રન બનાવ્યા હતા, જેમાં ભારતીય મૂળના બેટ્સમેનની શાનદાર સદીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય મૂળના બેટ્સમેને ફટકારી સદી
ઈંગ્લેન્ડ અંડર-19ની ઈનિંગ ખૂબ જ નિરાશાજનક રીતે શરૂ થઈ. તેમના બંને ઓપનર બીજે ડોકિન્સ અને એડમ થોમસ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. આ પછી રોકી ફ્લિન્ટોફ અને આર્યન સાવંત પણ વહેલા આઉટ થઈ ગયા, જેના કારણે ઈંગ્લેન્ડે માત્ર 46 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી. આ પછી, 19 વર્ષીય એકાંશ સિંહે શાનદાર ઈનિંગ રમી. ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળવામાં એકાંશ સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેણે 155 બોલમાં 117 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.
એકાંશ સિંહની ઓલરાઉન્ડર પ્રતિભા
એકાંશ સિંહ ભારતીય મૂળનો ક્રિકેટર છે. તેમનો જન્મ 16 જુલાઈ 2006ના રોજ લંડનના ઓર્ફિંગ્ટનમાં થયો હતો . તે કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમે છે. ખાસ વાત એ છે કે તે એક ઓલરાઉન્ડર છે. બેટ્સમેન હોવાની સાથે તે એક મધ્યમ ગતિનો બોલર પણ છે. એકાંશ સિંહે 2022માં કેન્ટની સેકન્ડ ઈલેવન માટે ડેબ્યૂ કર્યું હતું અને પછી જુલાઈ 2024માં તેણે પોતાનો પહેલો પ્રોફેશનલ કરાર કર્યો હતો.
વૈભવ સૂર્યવંશી 20 રન બનાવી આઉટ
એકાંશ સિંહ પોતાની ઈનિંગથી હેડલાઈન્સમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. પરંતુ 14 વર્ષીય ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ મેચની પહેલી ઈનિંગમાં નિષ્ફળ ગયો. તેણે 14 બોલમાં 20 રન બનાવ્યા, જેમાં એક ફોર અને બે શાનદાર સિક્સરનો સમાવેશ થાય છે. પરંતુ તેની આક્રમકતા તેના માટે મોંઘી સાબિત થઈ. મોટો શોટ રમતી વખતે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી.
આ પણ વાંચો: Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીને છગ્ગા મારવાની લત ભારે પડી, જલ્દી છોડવું પડ્યું મેદાન
