IND vs AUS : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 બદલાશે, રાહુલ સહિત 3 ખેલાડી બહાર થશે !
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે શ્રેણીની શરૂઆત પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ આ ત્રણ મેચોમાં ઝડપી બોલરોને રોટેટ કરશે, પરંતુ આ રોટેશન અન્ય ખેલાડીઓ પર પણ લાગુ થઈ શકે છે. આવી સ્થિતિમાં, પ્રથમ મેચ જીતવા છતાં ટીમ ઇન્ડિયા કેટલાક ફેરફારો કરી શકે છે. જો કેએલ રાહુલને આરામ મળે તો ઈશાન કિશન વિકેટકીપિંગ કરશે અને જાડેજા કપ્તાની કરશે.
મોહાલીમાં આસાન જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે ટક્કર માટે તૈયાર છે. આ વખતે મેચ ઈન્દોરના મેદાન પર રમાશે, જ્યાં આજ સુધી કોઈ ટીમ ટીમ ઈન્ડિયા સામે ટકી શકી નથી, ઓસ્ટ્રેલિયા પણ નહીં. જો મોહાલીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (Australia) સામે જીત નોંધાવવા માટે લાંબી રાહ જોવી પડી હતી તો ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાએ એકમાત્ર મેચમાં જીત નોંધાવી હતી. હવે 6 વર્ષ બાદ બંને ટીમો આ મેદાન પર ટકરાઈ રહી છે અને આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ પર કબજો કરવાનો મોકો છે. એક જ પ્રશ્ન છે – પ્લેઈંગ ઈલેવનમાં શું ફેરફાર થશે? જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી (Mohammad Shami) માંથી કોને તક આપવામાં આવશે?
ઈન્દોર ODIમાં સારી તક
ODI વર્લ્ડ કપ 2023 પહેલા થઈ રહેલી આ સીરિઝને વોર્મ અપ તરીકે જોવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા ઘણી હદ સુધી લયમાં દેખાઈ રહી છે અને તેથી જ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને આ શ્રેણીની પ્રથમ અને બીજી વનડે માટે આરામ આપવામાં આવ્યો હતો. આ તમામ છેલ્લી વનડેમાં પરત ફરશે. આવી સ્થિતિમાં ઈન્દોર ODI એ ખેલાડીઓ માટે છેલ્લી તક છે જેઓ ટીમનો ભાગ હશે પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં નક્કી નહીં હોય.
રાહુલને આરામ મળશે તો કમાન કોણ સંભાળશે?
પ્લેઈંગ ઇલેવનમાં બેટિંગ લાઈન અપની વાત કરીએ તો તેમાં વધુ ફેરફારની અપેક્ષા નથી. જો ટીમ ઈન્ડિયા હજુ પણ રોટેશનની નીતિ અપનાવવા માંગે છે, તો તે કેપ્ટન કેએલ રાહુલ અથવા ઈશાન કિશનમાંથી કોઈ એકને આરામ આપીને તિલક વર્માને મેદાનમાં ઉતારી શકે છે, જેથી યુવા બેટ્સમેનને એશિયન ગેમ્સ પહેલા તૈયારી કરવાની તક મળી શકે. જો રાહુલને આરામ આપવામાં આવશે તો રવિન્દ્ર જાડેજા ટીમની કમાન સંભાળશે.
પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી શકે છે
સૌથી મોટો પ્રશ્ન ફાસ્ટ બોલરોનો છે. કારણ કે સીરિઝની શરૂઆત પહેલા જ કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કરી દીધું હતું કે ટીમના ફાસ્ટ બોલરો સીરિઝની તમામ મેચો નહીં રમે. પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહ સાથે મોહમ્મદ શમીને તક આપવામાં આવી હતી અને શમીએ 5 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં, તેને રમાડી બુમરાહને આરામ આપી શકાય છે અને સિરાજ અથવા પ્રસિદ્ધ કૃષ્ણાને મેદાનમાં ઉતારી શકાય છે. સિરાજની છેલ્લી મેચમાં રમવાની શક્યતા વધુ છે, તેથી પ્રસિદ્ધને અહીં તક મળી શકે છે.
આ પણ વાંચો : એશિયન ગેમ્સ ઓપનિંગ સેરેમની : ચીનમાં ભારતીય ખેલાડીઓનો મજબૂત અંદાજ
અક્ષર પટેલનો વિકલ્પ કોણ?
ટીમ ઈન્ડિયાને એશિયા કપની ટાઈટલ જીત દરમિયાન તેના પ્લેઈંગ કોમ્બિનેશનને લઈને લગભગ તમામ જવાબો મળી ગયા હતા. આ શ્રેણીમાં બાકીના પ્રશ્નોના જવાબો માંગવામાં આવી રહ્યા છે, જેમાં સૂર્યકુમાર યાદવે છેલ્લે રન બનાવ્યાના કારણે થોડી રાહત થઈ છે. ટીમ ઈન્ડિયા પાસે હવે માત્ર એક જ મહત્વનો નિર્ણય છે – અક્ષર પટેલ ફિટ ન હોય તો કોને સ્થાન મળશે? આ માટે વોશિંગ્ટન સુંદર અને રવિચંદ્રન અશ્વિન દાવેદાર છે. અશ્વિનને પ્રથમ મેચમાં તક મળી અને તે મજબૂત દેખાઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં, ટીમ આ મેચમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ અશ્વિનની સાથે સુંદરને મેદાનમાં ઉતારી શકે છે કારણ કે આ પીચ પર સ્પિનરોને પણ મદદ મળે છે. આનાથી અશ્વિન અને સુંદર વચ્ચે પસંદગી કરવામાં મદદ મળી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન :
રવિન્દ્ર જાડેજા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા.