T20 World Cup FAQ: કેટલી ટીમો લઇ રહી છે ભાગ, કેટલી રમાશે મેચ, T20 ચેમ્પિયનને કેટલા રુપિયા મળશે ઇનામ, અહીં જાણો દરેક સવાલ નો જવાબ
2016 પછી, T20 વર્લ્ડ કપ (T20 World Cup)ફરી એક વખત પરત ફરી રહ્યો છે. અંતિમ T20 વિશ્વ કપ ભારતમાં જ યોજાયો હતો અને આ વખતે પણ આ ઇવેન્ટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ કોરોના અવરોધ બની ગયો.
આઈસીસી T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) આજથી એટલે કે રવિવારે, 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી, રમતના ટૂંકા ફોર્મેટના વિશ્વ ચેમ્પિયનને નક્કી કરવાનો સમય ફરીથી આવ્યો છે. સાતમો T20 વર્લ્ડ કપ રવિવારથી ઓમાન અને યુએઈમાં શરૂ થઈ રહ્યો છે. પ્રથમ વખત આ ટુર્નામેન્ટ ઓમાન અને યુએઈ (Oman and UAE) માં રમાઈ રહી છે. જોકે આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસ ચેપની સ્થિતિને કારણે તેને ઓમાન અને યુએઈમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે, આમ છતાં, ટુર્નામેન્ટનું આયોજન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે છે. 2016 માં યોજાયેલ છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાયો હતો. 2020 માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપ કોરોનાને કારણે બે વર્ષ માટે મુલતવી રાખવો પડ્યો હતો અને હવે તે 2022 માં થશે.
હવે વાત કરીએ ટુર્નામેન્ટની. T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર તબક્કાથી શરૂ થઈ રહ્યો છે. જ્યાંથી ટીમો સુપર-12 તબક્કામાં જશે. સુપર-12 માં પહેલેથી જ 8 ટીમો છે, જે રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ હતી. આ વખતે ક્વોલિફાયરમાં ઓમાન અને પાપુઆ ન્યુ ગિની જેવી નવી ટીમો છે. જ્યારે 2014 ની ચેમ્પિયન શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમો પણ ક્વોલિફાયર રમવા ફસાઇ છે.
ટુર્નામેન્ટની પ્રથમ મેચ રવિવારે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની (Oman vs PNG) વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ સાંજે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ (Bangladesh vs Scotland) વચ્ચે રમાશે. આ મેચો 22 ઓક્ટોબર સુધી ચાલશે, ત્યારબાદ સુપર-12 રાઉન્ડ 23 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઇનલ 14 નવેમ્બરે રમાશે.
T20 વર્લ્ડ કપ સંબંધિત દરેક મહત્વના સવાલનો જવાબ
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તમારા મનમાં ઘણા પ્રશ્નો હશે. તમને આવા કેટલાક પ્રશ્નોના જવાબ અહીં મળશે-
ટુર્નામેન્ટમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે?
આ વખતે ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં, 8 ટીમોને ક્વોલિફાયર તબક્કાના બે જૂથોમાં વહેંચવામાં આવી છે. જ્યારે 8 ટીમોને સુપર-12 ના 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. ક્વોલિફાયર તબક્કાની 8 ટીમોમાંથી 4 ટીમો સુપર-12 માં સ્થાન બનાવશે.
ક્વોલિફાયર અને સુપર-12 ના જૂથમાં કઈ ટીમો છે?
ક્વોલિફાયર ગ્રુપ A: શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને નામિબિયા ક્વોલિફાયર ગ્રુપ બી: બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, પાપુઆ ન્યૂ ગિની અને ઓમાન
દરેક ટીમ પોતપોતાના ગ્રુપમાં બાકીની ટીમો સામે એક મેચ રમશે. આ રીતે બંને ગ્રુપમાં કુલ 12 મેચ રમાશે. આ પછી, બંને જૂથોમાં ટોચની 2 ટીમો સુપર-12 માં જશે.
સુપર-12 ગ્રુપ 1: ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, A1 અને B2 સુપર-12 ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1 અને A2
કયા ફોર્મેટમાં મેચ રમાશે?
સુપર-12 માં મેચો પણ રાઉન્ડ રોબિનના ધોરણે રમાશે. એટલે કે ગ્રુપની દરેક ટીમે બાકીની ટીમો સામે એક મેચ રમવાની રહેશે. આ રીતે બંને ગ્રુપમાં કુલ 30 મેચ રમાશે. આ મેચો પછી, બંને ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
સુપર-12, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ અબુ ધાબી, શારજાહ અને દુબઇમાં રમાશે.
ટીમોને કયા આધારે પોઈન્ટ મળશે? ટાઇની સ્થિતિમાં નિર્ણય કેવી રીતે લેવામાં આવશે?
દરેક મેચ 2 પોઈન્ટની છે. વિજેતા ટીમને પૂર્ણ 2 પોઇન્ટ મળશે, જ્યારે ટાઇ, ડ્રો અથવા રદ કરવાના કિસ્સામાં બંને ટીમોને 1 પોઇન્ટ મળશે. બીજી બાજુ, જો ટીમો ગ્રુપ સ્ટેજમાં સમાન પોઈન્ટ પર હોય, તો તેમની વચ્ચેનો નિર્ણય નીચેના આધાર પર હશે-
- સૌથી વધુ મેચ જીતનાર ટીમ
- નેટ રનરેટ
- બંને ટીમો સામેની મેચનું પરિણામ
- પ્રથમ રાઉન્ડ (ક્વોલિફાયર)/સુપર-12 રાઉન્ડ પસંદગી
જો મેચ ટાઈ હોય તો વિજેતા કેવી રીતે નક્કી થશે?
T20 માં ટાઇ મેચ હંમેશા સુપર ઓવર દ્વારા નક્કી થાય છે. અહીં પણ એવું જ થશે. પરંતુ જો સુપર ઓવર પણ ટાઈ હોય તો તે પછી પણ નિર્ણય ન આવે ત્યાં સુધી સુપર ઓવર રમાશે. યાદ રાખો, એક સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરતા ખેલાડીઓ આગામી સુપર ઓવરમાં જઈ શકતા નથી.
જો કોઈ પણ સંજોગોમાં સુપર ઓવર શક્ય ન હોય તો બંને ટીમોને 1 પોઈન્ટ આપવામાં આવશે. બીજી બાજુ, જો સેમી ફાઇનલ મેચમાં સુપર ઓવરનો નિર્ણય શક્ય ન હોય તો સુપર-12 સ્ટેજમાં ટોપ કરનાર ટીમ વિજેતા તરીકે ગણવામાં આવશે અને ફાઇનલમાં સ્થાન મેળવશે. ફાઇનલ મેચમાં કોઇ પરિણામ નહીં આવે તો સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
શું ટુર્નામેન્ટમાં રિઝર્વ દિવસની જોગવાઈ છે?
ખરાબ હવામાનના કિસ્સામાં ટુર્નામેન્ટમાં રિઝર્વ દિવસની જોગવાઈ છે, પરંતુ તે ગ્રુપ મેચો માટે નથી. પરંતુ માત્ર સેમિફાઇનલ અને ફાઇનલ માટે છે. જો મેચ નિર્ધારિત દિવસે પૂર્ણ ન થાય તો, તે રિઝર્વ દિવસે ચાલુ રાખવામાં આવશે.
જો કે, ગ્રુપ મેચો દરમિયાન હવામાન અથવા અન્ય પરિસ્થિતિઓના કારણે ખલેલ પહોંચે તેવા સંજોગોમાં. જો મેચનું પરિણામ હાંસલ કરવાના પ્રયત્નો કરવામાં આવે, તો તે ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચ હોવી જોઈએ. આ દરમિયાન, સેમિફાઇનલ અને ફાઇનલમાં ઓછામાં ઓછી 10-10 ઓવર સ્પર્ધા કરવી જરૂરી છે.
શું ટુર્નામેન્ટમાં DRS છે?
ચોક્કસ પણે. T20 વર્લ્ડકપમાં ટીમોને DRS ની સુવિધા મળશે તે પ્રથમ વખત છે. દરેક ટીમને દરેક ઇનિંગ્સમાં 2-2 રીવ્યૂની તક મળશે.
વિજેતાને ઇનામમાં કેટલા પૈસા મળશે?
આઈસીસી દ્વારા T20 વર્લ્ડ કપ વિજેતા માટે 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બીજી બાજુ, રનર અપને 8 લાખ ડોલર એટલે કે લગભગ 6 કરોડ રૂપિયા મળશે. તો વળી સેમિફાઇનલમાં હારનાર ટીમોને 4-4 લાખ ડોલર એટલે કે લગભગ 3-3 કરોડ રૂપિયા મળશે. આ સિવાય, ગ્રુપ સ્ટેજમાં મેચ જીતનાર ટીમો માટે ઈનામની વ્યવસ્થા પણ છે.