ફક્ત 7 બોલ… અને ઇતિહાસ બદલાઈ જાત! ‘વર્લ્ડ રેકોર્ડ’ તૂટતાં તૂટતાં બચી ગયો, અંગ્રેજ બેટ્સમેનને નસીબે દગો આપ્યો
ઈંગ્લેન્ડે એશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં શાનદાર વિજય મેળવ્યો, જેમાં બોલરો અને બેટ્સમેન બંનેએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ જીત સાથે જ ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાનો 'વ્હાઇટવોશ' થતાં અટકાવ્યો છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું અને વર્ષ 2011 પછી ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી ટેસ્ટ મેચ જીતી લીધી. જોશ ટંગ, હેરી બ્રુક, જેકબ બેથેલ અને બેન ડકેટે ઈંગ્લેન્ડ તરફથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
આ મેચમાં આખી ટીમે એક થઈને પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયન ટીમને કમબેક કરવાની કોઈ તક ના આપી. આ બધા વચ્ચે ઇંગ્લિશ ઓપનર બેન ડકેટે પણ આ મેચમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી.
કયો રેકોર્ડ બનાવ્યો?
સ્ટાર બેટ્સમેન બેન ડકેટે પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડ માટે સારું પ્રદર્શન કર્યું ન હતું, તેણે ફક્ત બે રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બીજી ઇનિંગમાં બેટિંગ તો સારી કરી પરંતુ તે શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં. તેણે 26 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં તેના 3000 રન પૂર્ણ કર્યા.
| બેટ્સમેન | બોલ |
| હેરી બ્રૂક | 3468 |
| બેન ડકેટ | 3474 |
| એડમ ગિલક્રિસ્ટ | 3610 |
| ડેવિડ વોર્નર | 4047 |
| ઋષભ પંત | 4095 |
કયો રેકોર્ડ તૂટતાં તૂટતાં બચી ગયો?
બેન ડકેટે 3,474 બોલમાં 3,000 ટેસ્ટ રન પૂરા કર્યા. તે 3,000 ટેસ્ટ રન પૂરા કરનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. સૌથી ઝડપી ટેસ્ટ રનનો વિશ્વ રેકોર્ડ ઇંગ્લેન્ડના હેરી બ્રુકના નામે છે, જેણે 3,468 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
એવામાં જો ડકેટે સાત બોલ પહેલા 3,000 ટેસ્ટ રન પૂરા કર્યા હોત, તો તે બ્રુકનો રેકોર્ડ સરળતાથી તોડી શક્યો હોત. જો કે, આવું બન્યું નહીં અને તે એક ખાસ રેકોર્ડ ચૂકી ગયો.
વર્ષ 2016 માં કર્યું ‘ડેબ્યૂ’
બેન ડકેટે વર્ષ 2016 માં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ટીમ માટે કુલ 42 મેચ રમી છે, જેમાં 3005 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 6 સદી અને 16 અડધી સદી ફટકારી છે. જણાવી દઈએ કે, બેન ડકેટના ODI ક્રિકેટમાં 1237 રન પણ છે.
