GT vs RR Playing XI IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સ પહેલા બોલીંગ કરશે, રાજસ્થાને ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, આ ખેલાડીઓ પર ચેમ્પિયન બનાવવાની જવાબદારી
IPL 2022 Final Gujarat Titans vs Rajasthan Royals Toss: ગુજરાત અને રાજસ્થાને પણ આ સિઝનમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ અને દ્રીતીય સ્થાન મેળવ્યું છે.

26 માર્ચથી શરૂ થયેલો T20 ક્રિકેટનો સૌથી મોટો મેળો હવે સમાપ્ત થવાના આરે છે. 10 ટીમો વચ્ચે 73 મેચોની જોરદાર સ્પર્ધા બાદ આખરે એ દિવસ આવી ગયો છે જ્યારે છેલ્લી બે ટીમો ચેમ્પિયન બનવા માટે સ્પર્ધા કરશે. IPL 2022 ના ટાઇટલ માટે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (Gujarat Titans vs Rajasthan Royals) વચ્ચે જંગ શરૂ થવા જઇ રહ્યો છે. સૌથી મોટી લીગની સૌથી મોટી મેચ માટે સૌથી મોટું મેદાન પણ તૈયાર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં કોઈ જ પરીવર્તન કર્યુ નથી. જ્યારે ગુજરાત ટાઈન્ટન્સની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.
આ સિઝનમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને પ્રથમ 15 મેચમાં માત્ર બે વખત જ ટોસ જીત્યો હતો, પરંતુ સતત બે સૌથી મોટી મેચમાં ટોસ તેના પક્ષમાં ગયો છે. બીજા ક્વોલિફાયરમાં ટોસ જીત્યા બાદ તેણે તે જ મેદાન પર બોલિંગ કરવાનું પસંદ કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. આ વખતે તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સેમસને કહ્યું કે પિચ ખૂબ જ શુષ્ક દેખાતી હતી, જેના કારણે તેણે બીજી ઇનિંગમાં તેના સ્પિનરોને મદદ કરવાની આશામાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે તે પહેલા બોલિંગ કરવા માંગતો હતો.
જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો રાજસ્થાને આ મેચ માટે પોતાના 11 ખેલાડીઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાજસ્થાને છેલ્લી મેચમાં બેંગ્લોરને હરાવ્યું હતું અને તે જ ખેલાડીઓ પર ભરોસો કર્યો હતો. બીજી તરફ ગુજરાતે ક્વોલિફાયર 1માં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. તે મેચની પ્લેઈંગ ઈલેવનમાં, ટીમે એક ફેરફાર કરીને ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને પાછો બોલાવ્યો છે. અલઝારી જોસેફે તેના માટે જગ્યા બનાવી છે.
GT vs RR: ફાઇનલ પ્લેઇંગ ઈલેવન
ગુજરાત ટાઇટન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ, મેથ્યુ વેડ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ અને મોહમ્મદ શમી
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કેપ્ટન-વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ઓબેદ મેકકોય