ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો
ઈંગ્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચમાં પણ વરસાદનું વિઘ્ન સર્જાયું હતુ. વરસાદને કારણે ત્રણ કલાક મોડી શરુ થયેલી મેચ 10-10 ઓવરની રમાઈ હતી અને પરીણામ DLS મુજબ સામે આવ્યું હતું. જોકે આ મેચમાં વરસાદ કરતા વધારે એક બાબત ચર્ચામાં રહી છે. મેચમાં ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરી રહેલા બેટરે રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો.
અમેરિકામાં રમાઈ રહેલ ટી20 વિશ્વકપની ગૃપ તબક્કાની મેચો દરમિયાન વરસાદ સતત વિલન બની રહ્યો છે. અનેક ટીમોના કિસ્મત આડે વરસાદ રહ્યો, તો કેટલીક ટીમના કિસ્મત બદલાઈ ગયા. ઈંગ્લેન્ડ અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચમાં પણ વરસાદનું વિઘ્ન સર્જાયું હતુ. વરસાદને કારણે ત્રણ કલાક મોડી શરુ થયેલી મેચ 10-10 ઓવરની રમાઈ હતી અને પરીણામ DLS મુજબ સામે આવ્યું હતુ.
જોકે આ મેચમાં વરસાદ કરતા વધારે એક બાબત ચર્ચામાં રહી છે. મેચમાં ઈંગ્લેન્ડ સામે બેટિંગ કરી રહેલા નામીબિયા ક્રિકેટ ટીમના કેપ્ટને રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો. આમ કરનારો તે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમ બેટર નોંધાયો છે. તો આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં તે છઠ્ઠો બેટર નોંધાયો છે.
આમ કરનારો પ્રથમ બેટર
નામીબિયાની ક્રિકેટ ટીમનો કેપ્ટન નિકોલસ ડેવિન પીચ પર બેટિંગ કરી રહ્યો હતો અને તેણે એકાએક નિર્ણય જાહેર કર્યો અને તે રિટાયર્ડ આઉટ થઈને મેદાનથી બહાર થયો હતો. તેણે નિર્ણય લીધો ત્યારે તે 16 બોલનો સામનો કરીને 18 રન નોંધાવી ચૂક્યો હતો. પરંતુ માનવામાં આવી રહ્યું છે, કે જે ગતિએ રન કરવા જરુરી હતા એ રીતે રન નિકાળવામાં સંતુષ્ટ નહોતો. આથી તેણે આ નિર્ણય કરીને મેદાનની બહાર થઈને ડેવિડ વિઝાને મોકો આપ્યો હતો.
નિકોલસ ડેવિન આમ કરનારાઓ ICC ટૂર્નામેન્ટમાં પ્રથમ બેટર નોંધાયો છે. આ રીતે અત્યાર સુધીમાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં અગાઉ પાંચ વાર થઈ ચૂક્યું છે. પરંતુ ટી20 કે વનડે વિશ્વકપ જ નહીં પરંતું ICC ની પુરુષ કે મહિલા એમ કોઈ પણ ટૂર્નામેન્ટમાં કોઈ બેટરે આ નિયમનો ઉપયોગ કરી આઉટ થયો નથી.
શુ હોય છે રિટાયર્ડ આઉટ?
એ પણ જાણી લો કે, રિટાયર્ડ આઉટ શું હોય છે. ક્રિકેટમાં આ પ્રકારનું ચલણ પણ હવે વઘવા લાગ્યું છે અને નામીબિયાના કેપ્ટને આ નિયમ હેઠળ પોતાને આઉટ જાહેર કર્યો છે. આ નિયમ બેટિંગ કરી રહેલ બેટર એટલે કે ક્રિઝ પર રહેલા બેટરને એમ લાગે છે કે, ટીમની જરુરિયાત કે, ઝડપથી રન જરુર મુજબ નથી કરી રહ્યો ત્યારે તે રિટાયર્ડ આઉટ થઈને બીજા ખેલાડીને મોકો આપે છે.
એટલે કે જીત મેળવવા માટે કે ટીમની લક્ષ્ય સુધી પહોંચવા માટેની રણનીતિ હેઠળ તે બેટર પોતાને આઉટ ઘોષિત કરી દે છે. રિટાયર્ડ આઉટ થઈને મેદાન બહાર જનાર ખેલાડી ફરીથી બેટિંગ કરવા માટે પરત આવી શકતો નથી. જેમ રિટાયર્ડ હર્ટમાં થતું હોય છે.
રિટાયર્ડ આઉટ થનારા બેટર
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સૌ પ્રથમ વાર શ્રીલંકાનો માર્વન અટ્ટાપટ્ટૂ રિટાયર્ડ આઉટ થયો હતો. તેણે વર્ષ 2001ના સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ 2001 માં જ શ્રીલંકાનો માહેલા જયવર્ધનેએ પણ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં અટ્ટાપટ્ટૂની જેમ રિટાયર્ડ આઉટ થવાનું પસંદ કર્યું હતુ.
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રિટાયર્ડ આઉટ થનારો પ્રથમ અને એકંદરે ત્રીજો બેટર ભૂતાન ક્રિકેટ ટીમનો ખેલાડી સોમન તોબગે છે. સોમન તોબગેએ વર્ષ 2019માં માલદીવ સામે રિટાયર્ડ આઉટ થવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ ચોથા ક્રમે ફ્રાન્સનો બેટર હેવિટ જેક્સન રિટાયર્ડ આઉટ નોંધાયો હતો. 2022માં ચેક રિપબ્લિક સામે રમાયેલી T20 મેચમાં તેણે આ નિર્ણય કર્યો હતો. આ વર્ષે ફરી એકવાર ફ્રાન્સનો ખેલાડી હેવિટ જેક્સન રિટાયર્ડ આઉટ થયો હતો.
વર્ષ 2022માં જ મુસ્તફા 5મો બેટર રિટાયર્ડ આઉટ થનારો નોંધાયો હતો. તેણે ઘાના સામેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ નિર્ણય કર્યો હતો અને હવે આ યાદીમાં છઠ્ઠું નામ નામીબિયાના કેપ્ટન નિકોલસ ડેવિનનું નોંધાયું છે.
આ પણ વાંચો: પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ