IND vs ENG : 4 બોલમાં 2 બેટ્સમેનોને આઉટ કરી નીતિશ કુમાર રેડ્ડીએ લોર્ડ્સ ટેસ્ટમાં કર્યો કમાલ
નીતિશ રેડ્ડીએ એજબેસ્ટન ટેસ્ટમાં કંઈ ખાસ કર્યું ન હતું, પરંતુ લોર્ડ્સ ટેસ્ટમાં તેણે પોતાની પહેલી જ ઓવરમાં બે વિકેટ લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નીતિશ રેડ્ડીએ ઈંગ્લેન્ડના બંને ઓપનરોને આઉટ કરી ભારતને લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે મોટી સફળતા અપાવી હતી.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે કંઈક એવું અદ્ભુત કામ કર્યું જેની કદાચ કોઈએ અપેક્ષા રાખી ન હોય. લોર્ડ્સની પિચ પર જ્યાં બુમરાહ, સિરાજ અને આકાશ દીપ જેવા બોલરોને સફળતા મળી ન હતી, ત્યાં નીતિશ કુમાર રેડ્ડીએ તબાહી મચાવી અને ઈંગ્લેન્ડના બંને ઓપનરોને પેવેલિયન પાછા મોકલી દીધા.
સેટ ઓપનરોને કર્યા આઉટ
નીતિશ રેડ્ડીને 14મી ઓવરમાં બોલ આપવામાં આવ્યો, શુભમન ગિલની આ રણનીતિ જોઈને ફેન્સ મૂંઝવણમાં મુકાયા હતા, પરંતુ જ્યારે નીતિશ રેડ્ડીએ પોતાનો જાદુ બતાવ્યો ત્યારે બધા ચોંકી ગયા. આ ખેલાડીએ પહેલા બેન ડકેટ અને પછી જેક ક્રાઉલીની વિકેટ લીધી.
નીતિશ કુમાર રેડ્ડીનો મેજિકલ સ્પેલ
નીતિશ કુમાર રેડ્ડીની શરૂઆત ખરાબ રહી. બેન ડકેટે તેના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો પરંતુ આ પછી નીતિશ રેડ્ડીએ શાનદાર વળતો હુમલો કર્યો અને વિકેટ લીધી. નીતિશ રેડ્ડીના શોર્ટ બોલને રમવાનો પ્રયાસ કરતા ડકેટ પંતના હાઠ કેચ આઉટ થયો.
Nitish Kumar Reddy – 2 Wickets in 3rd Test Match. Duckett Crawley pic.twitter.com/dasvifnNtt
— Ayan (@ayan3955) July 10, 2025
4 બોલમાં 2 બેટ્સમેન આઉટ
નીતિશ રેડ્ડીએ બીજા જ બોલે બીજી વિકેટ લીધી હોત, પરંતુ શુભમન ગિલે ગલીમાં ઓલી પોપનો કેચ છોડી દીધો. જો ગિલે કેચ પકડ્યો હોત, તો પોપ પહેલા બોલ પર આઉટ થઈ ગયો હોત. જોકે, રેડ્ડી નિરાશ ન થયો અને છેલ્લા બોલ પર જેક ક્રાઉલીને આઉટ કર્યો. નીતિશ રેડ્ડીના બાઉન્સ બોલનો ક્રાઉલી પાસે કોઈ જવાબ નહોતો અને તેને 18 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફરવું પડ્યું.
છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો
એજબેસ્ટન ટેસ્ટ નીતિશ રેડ્ડી માટે ખૂબ જ ખરાબ રહી. તે બેટથી ફક્ત 2 રન જ બનાવી શક્યો હતો. તેણે પહેલી ઈનિંગમાં એક અને બીજી ઈનિંગમાં પણ માત્ર એક રન જ બનાવ્યો હતો. બોલિંગની વાત કરીએ તો, એજબેસ્ટનમાં તેને ફક્ત 6 ઓવર ફેંકી હતી, જ્યારે બીજી ઈનિંગમાં તેને બોલિંગ મળી જ નહીં. પરંતુ ટીમ ઈન્ડિયાએ લોર્ડ્સમાં રણનીતિ બદલી અને નીતિશ રેડ્ડીને ફક્ત 13 ઓવર જૂનો બોલ આપ્યો અને તેણે પોતાના સ્વિંગથી ઈંગ્લેન્ડને બે મોટા ઝટકા આપ્યા.
આ પણ વાંચો: IND vs ENG : ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અચાનક ઈંગ્લેન્ડ પહોંચ્યો, લોર્ડ્સ ટેસ્ટ પહેલાનો ફોટો થયો વાયરલ
