Cricket: આ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્માને ટીમ ઈન્ડીયાની કમાન સોંપવા કરી રહ્યા છે સમર્થન, કહે છે વિરાટ કોહલીને મળશે રાહત
વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપ હેઠળ ભારતે ત્રણેય ફોર્મેટમાં ઘણી સફળતા મેળવી છે. પરંતુ તેના પર દબાણ ઘટાડવા માટે ઘણી વખત વિભાજીત કેપ્ટનશીપનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી ત્રણેય ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. એવા સમાચાર હતા કે T20 વર્લ્ડ કપ બાદ ભારતની મર્યાદિત ઓવરોની ટીમની કેપ્ટનશીપમાં મોટો ફેરફાર થઈ શકે છે અને કોહલી ટૂંક સમયમાં મોટો નિર્ણય લેશે.
જો કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો તો રોહિત શર્મા (Rohit Sharma) વનડે અને T20 ટીમના કેપ્ટન બની શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોહલી પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લેવાનું વિચારી રહ્યો છે.
જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ખજાનચી અરુણ ધૂમલે સોમવારે આ અહેવાલોને ફગાવી દીધા છે. જોકે, દિગ્ગજ ખેલાડી મદનલાલનું કહેવું છે કે રોહિતને કેપ્ટનશીપ આપવી જોઈએ કારણ કે તે તેના લાયક છે. આ દરમ્યાન તેણે વિભાજિત કેપ્ટનશીપને ટેકો આપ્યો. તેને લાગે છે કે તેનાથી વિરાટ કોહલીનું દબાણ ઓછું થશે.
મદનલાલે વિભાજિત કેપ્ટનશીપને ટેકો આપ્યો હતો
મદન લાલે કહ્યું ‘મને લાગે છે કે તે સારો વિકલ્પ હશે. અમે અત્યારે સારી સ્થિતિમાં છીએ. અમે નસીબદાર છીએ કે અમારી પાસે રોહિત શર્મા છે અને જ્યારે પણ વિરાટ કોહલીને લાગે કે તે એક કે બે ફોર્મેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, ત્યારે રોહિત આવી શકે છે અને તેની પાસે ઘણો અનુભવ છે.
વિરાટ કોહલીને વિભાજિત કેપ્ટનશીપનો ફાયદો થશે
તેમણે કહ્યું મને લાગે છે કે ભારતને આનો ફાયદો થશે. મેં વાંચ્યું છે કે કોહલી કદાચ વન ડે અને T20ની કપ્તાની છોડી દેશે કારણ કે તે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જે એક સારી યોજના છે. મને ખબર નથી કે તે માત્ર એક અફવા છે કે શું પરંતુ વિભાજીત કેપ્ટનશીપ યોજનાથી ભારતને ફાયદો થશે. કોહલી અત્યારે શું વિચારે છે તેના પર નિર્ભર છે.
ભારત એક ટીમ તરીકે સારું પ્રદર્શન કરી રહ્યું છે અને અમે તેને તાજેતરમાં ઈંગ્લેન્ડમાં જોયું છે. શું થશે તે જોવું પડશે. આ અંગે માત્ર મીડિયામાં વાતચીત ચાલી રહી છે. BCCIએ કોઈ બેઠક કરી નથી અને વિભાજીત કેપ્ટનશીપ પર કોઈ ચર્ચા થઈ નથી. કોહલી તમામ ફોર્મેટમાં કેપ્ટન રહેશે.