Lasith Malinga: શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર લસિથ મલિંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી જાહેર કરી, વિશ્વકપ ટીમમાં નહોતો કરાયો સામેલ
આ બોલરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 546 વિકેટ લીધી હતી. આમાં પણ T20 ક્રિકેટમાં તેનો કોઈ મુકાબલો નહોતો. તેણે આ ફોર્મેટમાં ઘણી ધૂમ મચાવી હતી.
શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga)એ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તેણે તાત્કાલિક અસરથી તમામ પ્રકારના ક્રિકેટ છોડવાનો નિર્ણય કર્યો છે. લસિથ મલિંગા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માં રમવા માંગતો હતો. પરંતુ જ્યારે તેને શ્રીલંકાની ટીમ (Sri Lanka Cricket Team)માં સ્થાન ન મળ્યું તો તેણે નિવૃત્તીની જાહેરાત કરી. પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં મલિંગાએ 340 મેચ રમી હતી, જેમાં 30 ટેસ્ટ, 226 વનડે અને 84 ટી 20 મેચનો સમાવેશ થાય છે.
આ દરમ્યાન તેણે કુલ 546 વિકેટ લીધી હતી. જો વિકેટને વિવિધ ફોર્મેટ પ્રમાણે જોવામાં આવે તો ટેસ્ટમાં 101 વિકેટ, વનડેમાં 338 અને T20માં 107 વિકેટ સામેલ છે. લસિથ મલિંગા 38 વર્ષનો થઈ ચુક્યો છે અને છેલ્લે માર્ચ 2020માં ક્રિકેટ મેદાન પર ઉતર્યો હતો.
લસિથ મલિંગાએ સૌપ્રથમ પોતાની અનોખી બોલિંગ એક્શનને કારણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સ્લિંગ એક્શનને કારણે તેણે ક્રિકેટના મેદાન પર ઘણા આશ્ચર્યજનક રેકોર્ડ બનાવ્યા. જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 વખત સતત 4 બોલમાં 4 વિકેટ લેવાનો, વન ડે ઈન્ટરનેશનલમાં 3 હેટ્રિક લેવાનો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 5 હેટ્રિક બનાવવાનો સમાવેશ થાય છે.
મલિંગાને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ કહેવાતો. તેણે શ્રીલંકાને તેની કેપ્ટનશિપમાં T20 વર્લ્ડ કપ જીતા઼ડી વિશ્વ વિજેતા પણ બનાવ્યુ હતુ. તેણે 2014ના T20 વર્લ્ડ કપને શ્રીલંકા માટે જીતાડ્યો હતો. શ્રીલંકાએ મલિંગાના નેતૃત્વમાં ભારતને હરાવીને પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
Hanging up my #T20 shoes and #retiring from all forms of cricket! Thankful to all those who supported me in my journey, and looking forward to sharing my experience with young cricketers in the years to come.https://t.co/JgGWhETRwm #LasithMalinga #Ninety9
— Lasith Malinga (@ninety9sl) September 14, 2021
JUST IN: Lasith Malinga has announced retirement from all forms of cricket. pic.twitter.com/NYrfgpQPqR
— ICC (@ICC) September 14, 2021
મલિંગાનું આંતરરાષ્ટ્રીય કરીયર
લસિથ મલિંગાએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટથી શરૂઆત કરી હતી. તેણે જુલાઈ 2004માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યું હતું. જો કે આ ફોર્મેટમાં તે લાંબા સમય સુધી ચાલ્યો નહીં. તેની ટેસ્ટ કારકિર્દી 30 ટેસ્ટ બાદ અટકી ગઈ હતી. 2010માં તે છેલ્લે શ્રીલંકા માટે વ્હાઈટ જર્સીમાં રમ્યો હતો.
જોકે તેને વનડે અને T20માં ઘણી સફળતા મળી. જુલાઈ 2004માં UAE સામે ડેબ્યૂ કર્યા બાદ તેણે 226 વનડે રમી અને 338 વિકેટ લીધી. જુલાઈ 2019માં બાંગ્લાદેશ સામે તેની છેલ્લી વનડે જોવા મળી હતી. એ જ રીતે, જૂન 2006માં મલિંગાએ ઈંગ્લેન્ડ સામે T20 ડેબ્યૂ કર્યું હતું. પછી 84 મેચ રમી અને 107 વિકેટ લીધી. આ ફોર્મેટમાં તેની છેલ્લી મેચ માર્ચ 2020માં વેસ્ટ ઈન્ડીઝ સામે હતી.