IND vs AUS: મોહાલીમાં અમ્પાયરના નિર્ણય પર વિવાદ, રવીન્દ્ર જાડેજા થયો ગુસ્સે
મોહાલીમાં રમાયેલ પ્રથમ વનડે મેચમાં રવીન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે જોરદાર બોલિંગ કરી હતી પરંતુ આ દરમિયાન તે અમ્પાયરના નિર્ણયથી નારાજ થયો હતો. અમ્પાયરે રવીન્દ્ર જાડેજાને નિયમો પણ સમજાવ્યા અને નિર્ણયનું કારણ પણ જણાવ્યું, પરંતુ તેમ છતાં ભારતીય સ્પિનર આ નિર્ણયથી ખુશ નહોતો.
વર્લ્ડ કપ (World Cup 2023) પહેલા તૈયારી કરવાની છેલ્લી તક તરીકે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે. મોહાલીમાં રમાયેલી સિરીઝની પહેલી જ મેચમાં એક નાનકડો વિવાદ થયો હતો, જેણે ટીમ ઈન્ડિયાના અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને નારાજ કરી દીધો હતો. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરી અને આ દરમિયાન અમ્પાયરે રવીન્દ્ર જાડેજાના એક બોલને નો-બોલ આપ્યો, જેના પર ભારતીય બોલરે નારાજગી વ્યક્ત કરી હતી. સવાલ એ છે કે શું ખરેખર અમ્પાયર (Umpire) નો નિર્ણય ખોટો હતો?
જાડેજાની ઓવરમાં થયો વિવાદ
PCA સ્ટેડિયમમાં શુક્રવારે 22 સપ્ટેમ્બરે રમાયેલી ODI સીરિઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહમ્મદ શમીએ સારી શરૂઆત અપાવી, ત્યારબાદ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી. રવિન્દ્ર જાડેજાએ ડેવિડ વોર્નરને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. ત્યારપછી તે તક 23મી ઓવરમાં આવી, જેના પર થોડો સમય હોબાળો થયો.
નો બોલ અપાતા જાડેજા થયો નારાજ
23મી ઓવરમાં કેએલ રાહુલે જાડેજાના પહેલા જ બોલ પર આસાન રન આઉટ કર્યો હતો. ત્યારપછી ઓવરનો ચોથો બોલ સારો હતો જેના પર માત્ર એક રન થયો હતો પરંતુ પછી મેદાનમાં નો બોલ સાયરન વાગ્યું અને આનાથી જાડેજા આશ્ચર્યચકિત થઈ ગયો. રિપ્લેમાં જણાયું હતું કે જાડેજાનો પગ હવામાં હતો. જાડેજા અને કેપ્ટન કેએલ રાહુલે અમ્પાયર સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું કે જ્યારે તેના પગનો પાછળનો ભાગ ક્રિઝની બહાર ન હતો અને હવામાં હતો ત્યારે કેવી રીતે નો બોલ આપવામાં આવ્યો. અમ્પાયરે તેને સમજાવ્યો, ત્યારબાદ જાડેજાએ અનિચ્છાએ નિર્ણય સ્વીકારવો પડ્યો.
આ પણ વાંચો : Viral : કેએલ રાહુલ રાતોરાત વિકેટકીપિંગ ભૂલ્યો ! ઓસ્ટ્રેલિયા સામે કરી મોટી ભૂલો, જુઓ Video
ક્રિકેટનો નિયમ શું કહે છે?
હવે સવાલ એ છે કે નિયમો શું કહે છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબની વેબસાઈટના ‘લોઝ ઓફ ક્રિકેટ’ માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના Rule 21.5.2 મુજબ, બોલરના આગળના પગનો અમુક ભાગ પોપિંગ ક્રિઝની પાછળ હોવો જોઈએ, પછી ભલે તે જમીન પર હોય કે હવામાં. જો આમ ન થાય તો અમ્પાયર તેને નો બોલ આપી શકે છે. દેખીતી રીતે જ જાડેજાના કિસ્સામાં પણ એવું જ બન્યું, કારણ કે તેનો પગ ચોક્કસપણે હવામાં હતો પરંતુ તે પોપિંગ ક્રિઝની પાછળ નહોતો અને આવી સ્થિતિમાં તેને નો બોલ આપવામાં આવ્યો હતો.