Breaking News: ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, 5 નહીં ફક્ત 2 મેચ રમશે ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. જ્યાં બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવા માટે આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. જોકે આ બંને દેશના ક્રિકેટ બોર્ડે ત્રણ મેચની T20I શ્રેણી રદ કરી છે.

ભારતની ઈંગ્લેન્ડ સામેની T20I શ્રેણી શરૂ થઈ ગઈ છે. આ શ્રેણી પછી બંને ટીમો ODI શ્રેણી રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે, પરંતુ ટીમ ઈન્ડિયા ત્યાં પણ T20I શ્રેણી જ રમશે. જોકે હવે ટેસ્ટ ક્રિકેટના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે કારણ કે ભારતીય ટીમની આગામી શ્રેણીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા આવતા મહિને શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં 15 ઓગસ્ટથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થશે. જોકે, ત્રણ મેચની T20I શ્રેણી રદ કરવામાં આવી છે.
શ્રીલંકા ક્રિકેટે શ્રેણીની તારીખ કરી જાહેર
શ્રીલંકા ક્રિકેટે ગુરુવાર, 2 જુલાઈના રોજ આ ટેસ્ટ શ્રેણીની તારીખોની જાહેરાત કરી, જેમાં બે ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે, જ્યાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ હાલમાં નબળી છે. તેથી, ફાઈનલમાં પહોંચવાની તકો જાળવી રાખવા માટે આ શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Mark your calendars ️
Presenting #TeamIndia‘s schedule for the two-match Test series against Sri Lanka, starting August 15 #SLvIND pic.twitter.com/FoUEaUb3Qe
— BCCI (@BCCI) July 2, 2026
ફક્ત 13 દિવસમાં બે ટેસ્ટ મેચ
શેડ્યૂલની વાત કરીએ તો, આ શ્રેણીમાં ભારત અને શ્રીલંકા ફક્ત 13 દિવસમાં બે ટેસ્ટ મેચ રમશે. આ શ્રેણી 15 ઓગસ્ટ, ભારતીય સ્વતંત્રતા દિવસથી શરૂ થશે. શ્રેણીની પહેલી મેચ 15 થી 19 ઓગસ્ટ દરમિયાન ગાલેના ઐતિહાસિક સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી મેચ 23 થી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. છેલ્લા શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ આ બંને મેદાન પર મોટી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ ગાલેમાં રમાયેલી ટેસ્ટ મેચ 304 રનથી જીતી હતી. જ્યારે સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં શ્રીલંકાને એક ઈનિંગ અને 53 રનથી હરાવ્યું હતું.
એકપણ T20 મેચ નહીં રમાય
જોકે, અનેક અટકળો અને દાવાઓ છતાં, ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણી થવાની શક્યતા ઓછી છે. થોડા મહિના પહેલા, સમાચાર આવ્યા હતા કે ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ત્રણ T20 મેચ રમશે, જેમાં બંને દેશોના ક્રિકેટ બોર્ડ એક શેડ્યૂલ પર કામ કરી રહ્યા છે. આ શ્રેણી ફ્યુચર ટૂર પ્રોગ્રામનો ભાગ નહોતી, પરંતુ ભારતીય બોર્ડ શ્રીલંકામાં કુદરતી આફતોના પીડિતોને મદદ કરવા માટે ત્રણ મેચની T20 શ્રેણી રમવા માટે તૈયાર હતું. જોકે, હાલમાં આ શ્રેણી પર કોઈ કરાર થયો હોય તેવું લાગતું નથી.
