Breaking News : શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં ફટકારી સદી , ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર આ અદ્ભુત સિદ્ધિ મેળવી
આ ટેસ્ટ મેચ પહેલા, શુભમન ગિલે છેલ્લા સાડા ચાર વર્ષમાં એશિયાની બહાર ટેસ્ટ ક્રિકેટમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી. પરંતુ તેણે માત્ર આ દુકાળનો અંત જ નહીં, પણ તેણે શાનદાર સદીથી પોતાની કેપ્ટનશીપની શરૂઆત પણ કરી.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલીવાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન, શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં, નવા ભારતીય કેપ્ટન ગિલે પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગમાં પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. આ સાથે, ગિલનું નામ એવા થોડા ખેલાડીઓની યાદીમાં નોંધાયું છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી છે.
કેપ્ટનશીપ ડેબ્યૂમાં ગિલે સદી ફટકારી
હેડિંગ્લી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની આ પહેલી મેચમાં બધાની નજર ગિલ પર હતી. ટેસ્ટ કેપ્ટન તરીકેની તેમની સફર આ ટેસ્ટ શ્રેણીથી શરૂ થઈ હતી. પરંતુ આ પહેલા, ઈંગ્લેન્ડ સહિત એશિયાની બહારના દેશોમાં તેનો ટેસ્ટ રેકોર્ડ ખૂબ જ ખરાબ હતો. આ કારણે, બધા જોવા માંગતા હતા કે ગિલ કેપ્ટનશીપના દબાણમાં પોતાનો રેકોર્ડ સુધારી શકે છે કે નહીં. પરંતુ માત્ર 25 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર ગિલે પહેલા જ દિવસે આનો યોગ્ય જવાબ આપ્યો હતો.
HUNDRED from the Skipper!
First match as Test Captain and Shubman Gill has scored a sublime century!
His 6th Ton in Test cricket
Updates ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND | @ShubmanGill pic.twitter.com/CVTE7wK2g0
— BCCI (@BCCI) June 20, 2025
કારકિર્દીની છઠ્ઠી સદી પૂર્ણ કરી
ગિલ પ્રથમ દિવસના બીજા સત્રની શરૂઆતમાં બેટિંગ કરવા માટે ઉતર્યો. કેપ્ટન તરીકે આ તેની પહેલી ઈનિંગ હતી. તે પહેલીવાર ચોથા નંબર પર બેટિંગ પણ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, ગિલ માટે આ એક મોટી ચેલેન્જ હતી અને તેણે તેને શાનદાર રીતે પાસ કરી. ગિલે 75મી ઓવરમાં જોશ ટંગના બોલ પર જોરદાર ફોર ફટકારીને પોતાની કારકિર્દીની છઠ્ઠી સદી પૂર્ણ કરી હતી. તેની સદી ફક્ત 140 બોલમાં આવી, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
First Test century as India for Shubman Gill #ENGvIND : https://t.co/FXxW1HkGLm pic.twitter.com/dkaDdWvsmH
— ICC (@ICC) June 20, 2025
એશિયાની બહાર પહેલી ટેસ્ટ સદી
ગિલની આ સદી ઘણી રીતે ખાસ છે. આ ઈનિંગ પહેલા, ગિલે છેલ્લા સાડા ચાર વર્ષમાં એશિયાની બહાર કોઈપણ ટેસ્ટ મેચમાં અડધી સદી પણ ફટકારી ન હતી. તે છેલ્લી 18 ઈનિંગમાં નિષ્ફળ ગયો હતો. પરંતુ આ વખતે તેણે ન માત્ર 50નો આંકડો પાર કર્યો, પરંતુ એશિયાની બહાર તેની પહેલી ટેસ્ટ સદી પણ ફટકારી. આ વિદેશી ધરતી પર તેની બીજી સદી છે. આ પહેલા, તેણે ડિસેમ્બર 2022માં ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.
આ પણ વાંચો: Yashasvi Jaiswal: સદી ફટકારતા પહેલા યશસ્વી જયસ્વાલને ચાલુ મેચમાં મસાજ કરાવવો પડ્યો, આ છે કારણ