Breaking News: ન્યુઝીલેન્ડ સિરીઝ માટે ઐયરની વાપસી પણ સૌથી વધુ વિકેટ લેનાર બોલરનું પત્તું કપાયું, આખરે કોને તક મળી અને કોણ થયું બહાર?
11 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ ઐયર ટીમમાં પાછો ફર્યો છે પરંતુ 2023 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને ટીમમાં સ્થાન મળ્યું નથી.

11 જાન્યુઆરીથી શરૂ થનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર ટીમમાં પાછો ફર્યો છે પરંતુ મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ ટીમ સિલેકશન કેમ ખાસ છે?
જણાવી દઈએ કે, ઐયર ઈજા પછી એક પણ મેચ રમ્યો નથી. બીજીબાજુ શમી ઘરેલું મેચોમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. સારું પ્રદર્શન હોવા છતાં શમી ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી.
આ પરથી કહી શકાય કે, શમી હવે 2027 ના વન-ડે વર્લ્ડ કપમાં ભાગ્યે જ રમતો જોવા મળશે. બધાની નજર ન્યુઝીલેન્ડ ODI શ્રેણીની ભારતીય ટીમ પર હતી, કારણ કે આ ટીમ 2027 વર્લ્ડ કપની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.
માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી પછી શમી ભારત માટે એક પણ મેચ રમ્યો નથી. આની પાછળનું મુખ્ય કારણ તેની ફિટનેસ છે, તેવું કહેવાઈ રહ્યું છે. ODI ક્રિકેટમાં શમી મોટી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો સૌથી ખાસ બોલર રહ્યો છે.
શમી ‘ટોપ વિકેટ ટેકર’
2023 વર્લ્ડ કપ પછી શમીએ 14 મેચમાં 35 વિકેટ લીધી. આમાંથી 24 વિકેટ માત્ર સાત વર્લ્ડ કપ મેચમાં આવી, જ્યાં તેણે અલગ-અલગ પરિસ્થિતિઓ અને મેદાનો પર મેચ જીતાડવાનો પ્રયાસ કર્યો અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો ખિતાબ મેળવ્યો.
આશ્ચર્યની વાત એ છે કે, શમી વર્લ્ડ કપ બાદ માત્ર એક જ વન-ડે રમ્યો છે, ત્યારબાદ તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે, 2023 વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન એન્કલ ઇન્જરી હતી, જેના કારણે તેને સર્જરી અને લાંબા રીહેબથી પસાર થવું પડ્યું. આ બાબતને ધ્યાનમાં રાખીને શમી લગભગ એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો.
કેમ શમી સ્કવોડમાં નથી?
પસંદગીકારોએ વારંવાર શમીની ગેરહાજરીનું કારણ ફિટનેસ સમસ્યાઓ ગણાવી છે. જો કે, 2025-26 રણજી ટ્રોફીમાં શમીએ 4 મેચમાં 20 વિકેટ લીધી, જેમાં 5 વિકેટનો પણ સમાવેશ થાય છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે 4 મેચમાં 8 વિકેટ લીધી. વધુમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શમીએ 7 મેચમાં 16 વિકેટ લીધી, જેમાં 2 વાર ચાર વિકેટ લઈ ચૂક્યો છે.
ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટેની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે એલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણ, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડનો કાર્યક્રમ
- 11 જાન્યુઆરી – પહેલી વન-ડે, વડોદરા
- 14 જાન્યુઆરી – બીજી વન-ડે, રાજકોટ
- 18 જાન્યુઆરી – ત્રીજી વન-ડે, ઇન્દોર
- 21 જાન્યુઆરી – પહેલી T-20, નાગપુર
- 23 જાન્યુઆરી – બીજી T-20, રાયપુર
- 25 જાન્યુઆરી – ત્રીજી T-20, ગુવાહાટી
- 28 જાન્યુઆરી – ચોથી T-20, વિશાખાપટ્ટનમ
- 31 જાન્યુઆરી – પાંચમી T-20, તિરુવનંતપુરમ
