BCCIનો યૂ ટર્ન, એશિયન ગેમ્સમાં ભાગ લેશે ટીમ ઇન્ડીયા, જાણો કયા ફોર્મેટમાં રમાશે મેચ
Indian Cricket Team Asian Games 2023: એશિયાઇ રમતોમાં આ વખતે ક્રિકેટની ઇવેન્ટ પણ સામેલ છે. જ્યારે એશિયાડનું આયોજન થશે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વનડે વિશ્વ કપમાં ભાગ લઇ રહી હશે. બીસીસીઆઇ આ મેગા ઇવેન્ટમાં પોતાની મજબૂત ટીમ નહીં મોકલે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પોતાની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ આગામી એશિયન ગેમ્સ 2023 માં ભાગ લેવા માટે મોકલશે. બીસીસીઆઇએ પહેલા પોતાની ટીમ એશિયાડ (Asiad 2023) માટે મોકલવાની મનાઇ કરી દીધી હતી. ચીનમાં આયોજિત થનાર એશિયન ગેમ્સ 2023 માં ક્રિકેટની રમત ટી20 ફોર્મેટમાં રમાશે.
ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ જ્યારે એશિયન ગેમ્સ ચાલી રહી હશે ત્યારે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ઘરઆંગણે વનડે વિશ્વ કપમાં રમી રહી હશે. એવામાં ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયન ગેમ્સ માટે પોતાની બી ટીમ મોકલશે. જ્યારે મહિલા ટીમની વાત કરીએ ભારતની ટોપ મહિલા ક્રિકેટ ટીમ આ ઇવેન્ટમાં ભાગ લેશે. એશિયન ગેમ્સનું આયોજન 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબરની વચ્ચે ચીનના હાંગજોઉમાં થવાનું છે. જ્યારે આઇસીસી વનડે વિશ્વ કપ 5 ઓક્ટોબર થી 23 નવેમ્બર વચ્ચે રમાશે. બીસીસીઆઇ 30 જૂન સુધી ખેલાડીઓની નામની લિસ્ટ ભારતીય ઓલમ્પિક સંઘને મોકલશે.
આ પણ વાંચો: Lionel Messi Happy Birthday: 36 વર્ષનો થયો મેસ્સી, જાણો મેસ્સીના મોટા ફૂટબોલ રેકોર્ડસ
બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટીમને મળ્યુ હતુ સિલ્વર
આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2010 અને વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં પોતાની ટીમને મોકલી ન હતી. ત્યારે એશિયાડમાં ક્રિકેટની ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ભારતની પુરૂષ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમે એશિયાડમાં ભાગ લીધો ન હતો. 2018 જકાર્તા એશિયન ગેમ્સમાં ક્રિકેટની ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની ટીમને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો હતો અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડયો હતો.
બીસીસીઆઇએ અગાઉ વ્યસ્ત કાર્યક્રમનો આપ્યો હતો હવાલો
ભારતીય ક્રિકેટ બોર્ડે અગાઉ કહ્યુ હતુ કે વ્યસ્ત કાર્યક્રમના કારણે પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમો એશિયન ગેમ્સમાં ભાગ લેશે નહીં. ત્યારે એશિયન ગેમ્સના શેફ ડી મિશન ભૂપેન્દ્ર બાજવાએ કહ્યુ હતુ કે ભારતના ખેલાડીઓ ક્રિકેટને છોડીને તમામ રમતોમાં ભાગ લેશે. ભારતીય ક્રિકેટ ફેન્સને આશા હશે કે ભારતીય ટીમ એશિયન ગેમ્સમાં જીત મેળવીને દેશને ગોલ્ડ મેડલ જીતાડવામાં મદદ કરશે. ભારતીય મહિલા અને પુરૂષ ટીમનું હાલનું પ્રદર્શન જોઇએ તો મેડલની આશા ટીમ પાસે રાખી શકાય છે.