ઓસ્ટ્રેલિયા ભારત અને પાકિસ્તાન સાથે ત્રિકોણીય શ્રેણી રમવા માંગે છે, બોર્ડ ચીફે કહ્યું ‘આવી શ્રેણી હોસ્ટ કરવાનું ગમશે’
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ નિક હોકલીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની સાથે ત્રિકોણીય જંગની યજમાની કરવા માટે ઓસ્ટ્રેલિયા તૈયાર છે.
ભારત (Team India) અને પાકિસ્તાનના (Pakistan Cricket) ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કદાચ ટૂંક સમયમાં ક્રિકેટ ચાહકો ભારત અને પાકિસ્તાનને ત્રિકોણીય શ્રેણીમાં રમતા જોઈ શકશે. વાત એવી છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ નિક હોકલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા (Cricket Australia) ભારત અને પાકિસ્તાન સાથે ત્રિકોણીય શ્રેણીની યજમાની કરવા માટે તૈયાર છે. હોકલીએ એમ પણ કહ્યું હતું કે તેને આવી શ્રેણી હોસ્ટ કરવાનું ગમશે.
મહત્વનું છે કે વર્ષ 2012માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી રમાઈ હતી. આ શ્રેણી ભારતમાં આયોજિત કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષથી ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ ટકરાતા હતા. એશિયા કપ, T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપમાં આ બંને ટીમોની મેચ જોવા માટે ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોતા રહેતા હોય છે.
ભારત અને પાકિસ્તાનની આ મેચો માટે ક્રિકેટ ચાહકોનો ક્રેઝ જોઈને નિક હોકલીએ કહ્યું “વ્યક્તિગત રીતે કહીએ તો મને ટ્રાઈ સિરીઝનો કોન્સેપ્ટ ખૂબ જ ગમે છે. અમે જોયું છે કે તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. જો ભારત અને પાકિસ્તાન જેવી ટીમો ત્રિકોણીય શ્રેણીમાં હોય તો અમને આવી શ્રેણીની યજમાની કરવી ગમશે. ભારત અને પાકિસ્તાનના લોકો મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ એક એવી મેચ છે જે દરેક લોકો અને ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓ જોવા માંગે છે અને જો અમે આવી તકો પ્રદાન કરવામાં મદદ કરી શકીએ તો અમે ચોક્કસપણે આમ કરવાથી વધુ ખુશ થઈશું.”
તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીમાં PCB અધ્યક્ષ રમીઝ રાજાએ પણ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વાર્ષિક શ્રેણી યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે હજુ સુધી આ અંગે કંઈ જ આગળ વધ્યું નથી.
આ પણ વાંચો : આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ અશ્વિન અને હરભજનમાંથી મુશ્કેલ બોલરનું નામ જણાવ્યું
આ પણ વાંચો : CWG 2022માં હોકીનો કાર્યક્રમ જાહેર, ભારતીય મહિલા અને પુરૂષ ટીમો ઘાના સામે પ્રથમ મેચ રમશે