Asia Cup 2022 નુ શ્રીલંકામાં ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં કરાશે આયોજન, T20 વિશ્વકપ પહેલા ટકરાશે ભારત-પાકિસ્તાન
છેલ્લા 3-4 વર્ષથી એશિયા કપ (Asia Cup 2022) વિવિધ કારણોસર સ્થગિત કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હવે તેની તારીખો પર મહોર લગાવવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) ની પુરૂષ ક્રિકેટ ટીમો આ વર્ષે એક કરતા વધુ વખત એકબીજા સામે મેદાનમાં ઉતરશે. બંને દેશો આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ (ICC મેન્સ T20 World Cup 2022) માં ભાગ લેશે. હવે આ પહેલા બંને ટીમો વચ્ચે મેચ રમાશે. આ મેચ શ્રીલંકામાં રમાશે, જ્યાં આ વર્ષે એશિયા કપ 2022 (Asia Cup 2022) ની ઘોષિત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે શનિવારે 19 માર્ચે આ વર્ષના એશિયા કપના આયોજનને મંજૂરી આપી હતી. આ ટુર્નામેન્ટ ઓગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆતમાં આયોજિત કરવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી એશિયા કપને લઈને ચાલી રહેલી મૂંઝવણ આખરે શનિવારે સમાપ્ત થઈ ગઈ. જો કે ટૂર્નામેન્ટ 2020 માં શ્રીલંકામાં યોજાવાની હતી, પરંતુ તે પછી તેને કોરોનાના કારણે એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. તે પછી 2021માં પણ તેનું આયોજન થઈ શક્યું નથી. ત્યારબાદ 2022માં એશિયા કપનું અસલી આયોજક પાકિસ્તાન હતું, જે હવે 2023માં તેની યજમાની કરશે. આ વખતે ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં આયોજિત કરવા પર સહમતિ સધાઈ હતી. શનિવારે 19 માર્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભામાં આ અંગે ઔપચારિક રીતે સંમતિ આપવામાં આવી હતી અને ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થશે.
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી આયોજન
એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટ્વીટ દ્વારા ટૂર્નામેન્ટની તારીખોની જાણકારી આપવામાં આવી હતી. આ મુજબ, ટૂર્નામેન્ટ આ વર્ષે 27 ઓગસ્ટથી શ્રીલંકામાં શરૂ થશે, જે 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. જો કે એશિયા કપનું ફોર્મેટ વન ડે નુ રહ્યું છે, પરંતુ આ વખતે તે ટી20 ફોર્મેટમાં રમાશે. આ સિવાય 20 ઓગસ્ટથી ક્વોલિફાયર મેચો યોજાશે.
The Asia Cup 2022 (T20 Format) will be held in Sri Lanka from 27 August – 11 September later this year. The Qualifiers for the same will be played 20 August 2022 onwards.
— AsianCricketCouncil (@ACCMedia1) March 19, 2022
છ ટીમોની આ ટુર્નામેન્ટમાં એશિયાની પાંચ ટેસ્ટ-રેટેડ ટીમો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને સીધી એન્ટ્રી મળી છે, જ્યારે છઠ્ઠી ટીમ ક્વોલિફાયર મેચોના આધારે નક્કી કરવામાં આવશે.
ભારત પાસે સૌથી વધુ ટાઇટલ
એશિયા કપનું સૌપ્રથમ આયોજન 1984માં UAEમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ ટુર્નામેન્ટ એશિયન ટીમો વચ્ચે 15 વખત રમાઈ છે. જેમાં ભારતે સૌથી વધુ વખત આ ખિતાબ જીત્યો છે. ભારત ટૂર્નામેન્ટનું વર્તમાન ચેમ્પિયન છે. ટીમ ઈન્ડિયાએ 2018માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં પોતાનો ખિતાબ જીત્યો હતો.