R Ashwin: રવિ શાસ્ત્રીનુ ચોંકાવનારુ નિવેદન, કહ્યુ રવિચંદ્રન અશ્વિનને મારા કારણે દુઃખ પહોંચ્યુ હોય તો હું ખૂશ છું!
આર અશ્વિને (R Ashwin) થોડા દિવસો પહેલા વર્ષ 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને મોટો ખુલાસો કર્યો હતો, જેના પર હવે રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ નિવેદન આપ્યું છે.
થોડા દિવસો પહેલા, ભારતના સ્પિનર આર અશ્વિને (R Ashwin) તેના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો, કે જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ 2018-19ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કુલદીપ યાદવ (Kuldeep Yadav) ને વિદેશમાં નંબર વન સ્પિનર કહ્યો ત્યારે તે ખૂબ જ દુખી થયો હતો. અશ્વિનના આ નિવેદન બાદ ટીમ ઈન્ડિયા (Team India) ના પૂર્વ કોચ અને અનુભવી બેટ્સમેન રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ ગુરુવારે અશ્વિનને લઈને વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે જો તેના નિર્ણયોથી અશ્વિનને નુકસાન થાય છે તો તે ખૂબ જ ખુશ છે.
ભારતે વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. સીરિઝની નિર્ણાયક મેચ સિડનીમાં રમાઈ હતી જેમાં રવિ શાસ્ત્રીએ આર અશ્વિનની જગ્યાએ કુલદીપ યાદવને સામેલ કર્યો હતો.
આ સીરિઝ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું, ‘મને રવિભાઈ માટે ઘણું સન્માન છે. આપણે બધા કરીએ છીએ. તે સમયે હું ખૂબ જ હતાશ અનુભવતો હતો. અંદરથી સાવ તૂટી ગયો હતો. આપણે બધા આપણા સાથીઓની સફળતાનો આનંદ માણવાના મહત્વ વિશે વાત કરીએ છીએ. હું કુલદીપ માટે ખુશ હતો. હું ઓસ્ટ્રેલિયામાં પાંચ વિકેટ મેળવી શક્યો ન હતો પરંતુ તેણે તે કર્યું. હું જાણું છું કે તે કેટલી મોટી સિદ્ધિ છે.
શાસ્ત્રીએ અશ્વિનના નિવેદન પર પ્રહાર કર્યા હતા
અશ્વિનના આ નિવેદન પર હવે રવિ શાસ્ત્રીએ પોતાનો પક્ષ રાખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શાસ્ત્રીએ ગુરુવારે કહ્યું કે, ‘અશ્વિન સિડની ટેસ્ટ રમી શક્યો નહોતો અને પછી કુલદીપે સારી બોલિંગ કરી હતી. તેથી કુલદીપને તક આપવી તે યોગ્ય નિર્ણય હતો. જો તેનાથી અશ્વિનને દુઃખ થયું હોય તો હું ખૂબ જ ખુશ છું. મારા નિર્ણયને કારણે તેને કંઈક અલગ કરવાની પ્રેરણા આપી. હું દરેકને ખુશ કરવા માટે કામ કરતો નથી. મારું કામ એજન્ડા વિનાની હકીકતો જણાવવાનું છે.
શાસ્ત્રીએ કહ્યું, ‘જો તમારો કોચ તમને પડકાર આપે તો તમે શું કરશો? રડતા રડતા ઘરે જશે અને કહેશે કે હું પાછો નહિ આવું. હું એક ખેલાડી તરીકે કોચને ખોટો સાબિત કરવા પડકાર તરીકે લઈશ. જો કુલદીપ પરના મારા નિવેદનથી અશ્વિનને દુઃખ થયું છે તો મને ખુશી છે કે મેં આ નિવેદન આપ્યું છે. તે તેમને કંઈક અલગ કરવા માટે પ્રેરિત કરે છે.