અરુણ લાલ-બુલબુલ સાહાના લગ્ન થયા, લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ
Arun Lal-Bulbul Saha Marriage: ભારતના પૂર્વ ઓપનર અરુણ લાલે 66 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કર્યા છે. અરુણ લાલ (Arun Lal) અને બુલબુલ સાહા (Bulbul Saha) લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

ભારતના પૂર્વ ક્રિકેટર અરુણ લાલ (Arun Lal) ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે તેના કરતા 28 વર્ષ નાના બુલબુલ સાહા (Bulbul Saha) સાથે લગ્ન કર્યા છે. આ તેના બીજા લગ્ન છે. તેમના લગ્નના તમામ કાર્યક્રમો કોલકાતામાં થયા હતા. આ દરમિયાન તેના ઘણા જૂના મિત્રોમાં પુર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમ પણ પહોંચ્યા હતા. તેના લગ્ન બાદ હવે લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યા છે. ચાહકો તેને તેના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.
કોલકાતામાં થયા લગ્ન
પૂર્વ ક્રિકેટર અરુણ લાલ અને બુલબુલ સાહાના લગ્ન કોલકાતામાં થયા. આ દરમિયાન તેનો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના કપડામાં જોવા મળેલ અરુણ લાલ અને બુલબુલ સાહાનો આ ફોટો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ લગ્નમાં પૂર્વ ખેલાડીઓની સાથે સબા કરીમ પણ પહોંચ્યો હતો. લગ્નની વિધિ પૂરી થયા બાદ અરુણ લાલ અને બુલબુલે કેક પણ કાપી હતી.
જાણો કોણ છે બુલબુલ સાહા
જણાવી દઈએ કે પુર્વ ક્રિકેટર અરુણ લાલની બીજી પત્ની બુલબુલ સાહા એક શિક્ષક છે અને સ્કૂલમાં ભણાવે છે. તેને રસોઈનો પણ શોખ છે. તેણે 2019માં એક રસોઈ શોમાં ભાગ લીધો હતો.
અરૂણ લાલે પહેલી પત્ની સાથે છુટાછેડા લીધા બાદ કર્યા બીજા લગ્ન
ટીમ ઇન્ડિયા માટે ઓપનર તરીકે રમતા 66 વર્ષના પુર્વ ક્રિકેટર અરુણ લાલે બીજા લગ્ન કર્યા છે. અગાઉ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. તેમની તબિયત પણ ઘણી ખરાબ થઇ હતી. આવી સ્થિતિમાં તેણે રીનાની મરજી બાદ જ બીજા લગ્ન કર્યા છે. બીજી પત્ની બુલબુલ સાહાની ઉંમર 38 વર્ષ છે. એટલે કે તે અરુણ લાલ કરતા 28 વર્ષ નાની છે. અરુણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંને ઘણા જૂના મિત્રો છે.
કેન્સરને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું
અરુણ લાલનો જન્મ 1 ઓગસ્ટ, 1955 ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ તેમના લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે. અરુણને 2016 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. જેના કારણે તેણે કોમેન્ટ્રી છોડી દીધી હતી. ત્યારબાદ તેણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું હતું.
અરૂણ લાલે કારકિર્દીમાં 16 ટેસ્ટ અને 13 વન-ડે રમી છે
ભારતના પુર્વ ક્રિકેટર અરુણ લાલે તેની ક્રિકેટ કારકિર્દીમાં 16 ટેસ્ટ અને 13 વનડે રમી છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 729 અને વનડેમાં 122 રન બનાવ્યા હતા. અરુણ તેની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યા ન હતા. તેણે ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમી હતી. જેમાં તેણે 30 સદી ફટકારીને કુલ 10421 રન બનાવ્યા હતા. અરુણ લાલે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 27 જાન્યુઆરી 1982 ના રોજ ઈંગ્લેન્ડ સામે કટક વન-ડે ક્રિકેટ મેચ રમી હતી. જ્યારે છેલ્લી મેચ એપ્રિલ 1989 માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગસ્ટન ટેસ્ટમાં રમાઈ હતી.