Rajkot: કર્ણાટકના રાજ્યપાલ (Karnatak Governor) તરીકે વજુભાઇ વાળા (Vajubhai Vada)નો કાર્યકાળ પુરો થયો છે.હવે તેઓ ટૂંક સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને રાજકોટ પરત ફરશે. વજુભાઇએ રાજકોટ ખાતેના એક નજીકના મિત્રને હળવી શૈલીમાં કહ્યું કે રાજકોટમાં હવે ડાયરાઓ કરીશું અને નાટકો જોશું. પરંતુ ગુજરાતના રાજકારણમાં સૌથી પીઢ ગણાતા સિનીયર આગેવાન વજુભાઇ વાળાની ગુજરાતમાં એન્ટ્રી કઇ ભુમિકામાં થાય છે તેના પર સૌની નજર રહેલી છે.
શું વજુભાઇ ગુજરાતના સક્રિય રાજકારણ(Politics)માં ફરી જોવા મળશે કે કેમ તે એક સવાલ છે. ગુજરાતના સૌથી સિનીયર નેતા વજુભાઇ વાળા છે અને સરકાર અને સરકારી વહીવટનો સારો અનુભવ ધરાવે છે ત્યારે ભાજપ સરકાર (BJP Government)તેમની ભુમિકા શું નક્કી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
વજુભાઇ વાળાનું દિશાસૂચન મળતું રહ્યું છે
વર્ષ 2014થી વજુભાઇ વાળા બંધારણીય હોદ્દા પર છે અને હવે તેનો કાર્યકાળ પૂરો થતા તેઓ ગુજરાતમાં પરત આવી રહ્યા છે. જો કે આટલા વર્ષોથી વજુભાઇ વાળાનું માર્ગદર્શન ગુજરાતના રાજકારણમાં મહત્વનું સાબિત થયું છે. ચૂંટણી સમયે સૌરાષ્ટ્રની બેઠકોમાં વજુભાઇ વાળાનો દિશાનિર્દેશ, સબંધો અને રાજકીય કુટનીતિ ભાજપને ફાયદો પહોંચાડતું આવ્યું છે. હવે જ્યારે વજુભાઇ બંધારણીય હોદ્દા પરથી પરત આવી રહ્યા છે ત્યારે તેઓની ભુમિકા ગુજરાતના રાજકારણમાં મહત્વની સાબિત થશે તેમાં કોઇ શંકા નથી.
1985થી શરૂ કરીને 8 વખત ચૂંટણી જીત્યા,18 વખત બજેટ રજૂ કરવાનો છે રેકોર્ડ
વજુભાઇ વાળા ગુજરાત વિધાનસભામાં 1985માં પહોંચ્યા હતા. વજુભાઇ રાજકોટના મેયર રહી ચૂક્યા છે અને ત્યારબાદ રાજકોટ પશ્વિમ બેઠક પર વિજેતા બનીને તેઓ ધારાસભ્ય બન્યા હતા. જે બાદ તેઓની વિજયયાત્રા ચાલુ જ રહી અને 8 વખત તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
1995 થી 2012 સુધી ભાજપ સરકારમાં તેઓ નાણામંત્રી રહ્યા અને 18 વખત તેઓએ ગુજરાતનું બજેટ રજૂ કરીને વિક્રમ સર્જ્યો છે. ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ પણ રહી ચૂક્યા છે. વજુભાઇ વાળા પીઢ રાજકીય નેતાની સાથે કુશળ વહીવટકર્તા પણ છે. જેથી તેઓ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના અતિવિશ્વાસુ માનવામાં આવે છે..
2001માં મોદી માટે બેઠક ખાલી કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ગ મોદી ગુજરાતના રાજકારણમાં જ્યારે પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે વજુભાઇ વાળાએ તેની બેઠક ખાલી કરી દીધી હતી. રાજકોટ પશ્વિમ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. જ્યાંથી હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. આ બેઠકને મજબૂત કરવામાં વજુભાઇ વાળાનો મુખ્ય રોલ છે. ત્યારે સત્તાધીશ ભાજપા સરકાર અને તેમની શિર્ષ નેતાગીરી વજુભાઈ વાળાનો કઈ રીતે ઉપયોગ કરે છે તેના પર સૌ કોઈ નજર ટકી છે.