GUJARAT : કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ત્યારે આ બે બેઠકોની ચૂંટણી 1લી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રખાઇ છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકોનું મતદાન અલગ-અલગ યોજવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રખાઇ છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીની મતગણતરી 1લી માર્ચે સાંજે 5 વાગે થશે.
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે. આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભાજપના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે. અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું નિધન થયું છે. જેથી હાલ આ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદ પટેલ જીત્યા હતા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાનથી કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટી ખોટ પડી છે. અહેમદ પટેલ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ હતા. 2017માં તેઓ જ્યારે આ પદ માટેની ચૂંટણી જીત્યા ત્યારે ભાજપે ભારે ધમપછાડા કર્યા હતા. ખુદ અમિત શાહે અહેમદભાઈને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના એક બાદ એક ધારાસભ્યે રાજીનામાં આપી દીધા હતા. જોકે અમિત શાહની રણનીતિને નિષ્ફળ બનાવી અહેમદભાઈ વિજયી થયા હતા. ગુજરાતમાં ગત બે ટર્મથી લોકસભામાં કોંગ્રેસને એક પણ સીટ મળી નથી. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું અવસાન 25 નવેમ્બરે થયું હતું. તેમની ટર્મ 18 ઓગસ્ટ 2023માં પુરી થતી હતી. જ્યારે ભાજપના સાંસદ અભય ભારદ્વાજનું અવસાન પહેલી ડિસેમ્બરે થયું હતું. તેમની ટર્મ 21 જૂન 2026ના રોજ પુરી થવાની હતી.