PM મોદીનો જન્મદીવસ: RSSના સ્વયંસેવક, ભાજપના કાર્યકર-નેતાથી લઈને દેશના વડા પ્રધાન સુધી જાણો PM મોદીની સંપૂર્ણ સફર
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો.ગુજરાતમાંથી રાજકીય સફર શરૂ કરનારા નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. 26 મે 2014 ના રોજ તેઓએ પ્રથમ વખત અને બીજી વાર 30 […]
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. ગુજરાતના વડનગરમાં 17 સપ્ટેમ્બર 1950માં જન્મેલા નરેન્દ્ર મોદી દેશના પહેલા વડા પ્રધાન છે જેનો જન્મ આઝાદી પછી થયો હતો.ગુજરાતમાંથી રાજકીય સફર શરૂ કરનારા નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. 26 મે 2014 ના રોજ તેઓએ પ્રથમ વખત અને બીજી વાર 30 મે 2019ના રોજ વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 12 વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસના આધારે ભારતીય જનતા પાર્ટીએ વડા પ્રધાનના એકમાત્ર વિકલ્પ તરીકે નરેન્દ્ર મોદીની પસંદગી કરી.
પીએમ મોદીના મહત્વના નિર્ણયો
દેશના વડા પ્રધાન બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા જે ઘણા ચર્ચામાં રહ્યા. જીએસટી, નોટબંધી, સ્વચ્છ ભારત અભિયાન, ત્રિપલ તલાક નાબૂદ કરવા, કલમ 370 અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 35A દૂર કરવા, નવો નાગરિકતા સંશોધન કાયદો લાવ્યો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવી. આંતરરાષ્ટ્રીય સ્તરે, સંબંધોમાં સુધારણા જેવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોનો હંમેશા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દેશના ગરીબ વર્ગ માટે આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી જેનાથી મોદી સરકાર વધુ લોકપ્રિય બની.
રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લખવાનું પસંદ કરે છે. તેમણે ઘણી કવિતાઓ અને પુસ્તકો લખ્યા છે. વડા પ્રધાન દેશના વડા છે પરંતુ તેમને સામાન્ય માણસની જેમ ફિલ્મો અને ગીતો પણ પસંદ છે.
મનપસંદ ફિલ્મો અને ગીતો
પીએમ મોદીએ સેશેલ્સમાં ટુડે અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું કે, “સામાન્ય રીતે ફિલ્મો પ્રત્યે મારો કોઈ ઝુકાવ નથી. પરંતુ મારી યુવાની દરમિયાન હું ફક્ત યુવાનીમાં થતી ઉત્સુકતા માટે જ ફિલ્મો જોતો હતો. પરંતુ તે દિવસોમાં પણ મારે ક્યારેય મૂવી જોવાનો ઝુકાવ નહોતો. તેના બદલે હું ફિલ્મોમાં જીવન સાથે સંબંધિત પાઠ શોધી શકતો હતો. મને યાદ છે એકવાર હું મારા મિત્રો અને શિક્ષકો સાથે પ્રખ્યાત હિન્દી ફિલ્મ ગાઈડ જોવા ગયો હતો જે આર. કે. નારાયણની નવલકથા પર આધારિત હતી.અને ફિલ્મ પછી હું મિત્રો સાથે ચર્ચામાં ઉતરી ગયો હતો. મારો તર્ક એ હતો કે ફિલ્મની મૂળ થીમ એ હતી કે અંતે દરેકને તેમના અંતરઆત્માથી માર્ગદર્શન મળે છે. પરંતુ હું નાનો હતો તેથી મારા મિત્રોએ મને ગંભીરતાથી લીધો નહીં! “
ગાઈડ ફિલ્મે તેમના પર છાપ છોડી હતી. દુષ્કાળ અને પાણીના અભાવનું સત્ય ખેડૂતોને દૃશ્યમાન બનાવે છે. બાદમાં જ્યારે તેમને તક મળી ત્યારે તેમણે ગુજરાતમાં તેમના કાર્યકાળનો મોટો હિસ્સો જળ સંચય પદ્ધતિની સ્થાપનામાં ખર્ચ કર્યો. આ એક એવો પ્રોજેક્ટ છે જે તેમણે હવે વડા પ્રધાન તરીકે રાષ્ટ્રીય સ્તરે લાવ્યો છે.
અને શું PM મોદીનું કોઈ પ્રિય ગીત પણ છે?
આ સવાલનો જવાબ આપતા તેમણે 1961ની ફિલ્મ ‘જય ચિત્તોડ’માં લતા મંગેશકર દ્વારા ગાયેલા ગીત ‘હો પવન વેગ સે ઉડને વાલે ઘોડે..’ યાદ કર્યું. ભરત વ્યાસના શબ્દો અને એસ. એન. ત્રિપાઠીનું મધુર સંગીત મોદીનું લોકપ્રિય ગીત રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પીએમ મોદીને આ સન્માન અને એવોર્ડ મળ્યા છે
વડા પ્રધાનને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘કિંગ અબ્દુલઅઝિઝ સૈશ’થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદી રશિયાના ટોચના સન્માન ‘ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલે એવોર્ડ’, પેલેસ્ટાઇનના ‘ ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ ફિલિસ્તીન’ સન્માન, અફઘાનિસ્તાનનો ‘અમીર અમાનુલ્લાહ ખાન એવોર્ડ’, યુએઈના ‘ઝાયદ મેડલ’ અને માલદીવ્સના ‘નિશન ઇઝુદ્દીન’ સન્માન આપાયા છે. 2018માં વડા પ્રધાન મોદીને શાંતિ અને વિકાસમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
રાજકારણમાં આવતા પહેલા PM નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષો સુધી ભાજપના સંગઠનમાં કામ કર્યું. અહીં તે તેમના સંગઠન કૌશલ્ય અને જમીન સ્તરના કામ માટે જાણીતા હતા. આનાથી તે પાર્ટીના કાર્યકર્તાઓના પ્રિય બની ગયા હતા.
સંગઠનમાં આવી રહીં સફર
નરેન્દ્ર મોદી 1987માં ભાજપમાં જોડાયા હતા અને તેમને આપવામાં આવેલી પ્રથમ જવાબદારીઓમાં 1987ની અમદાવાદ સ્થાનિક ચૂંટણીના પ્રચારનો સમાવેશ હતો. ઉત્સાહપૂર્ણ પ્રચાર અભિયાને આ ચૂંટણીમાં ભાજપની જીત કરાવી હતી.
1990માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવનારી મુખ્ય ટીમનો તેઓ ભાગ રહ્યા હત. આ ચૂંટણીના પરિણામે કોંગ્રેસના એક દાયકાના શાસનનો અંત લાવી દીધો હતો. કોંગ્રેસે 1980 અને 1985માં રાજ્યમાં અનુક્રમે 141 અને 149 બેઠકો જીતી હતી પરંતુ આ વખતે કોંગ્રેસની સંખ્યા ઘટીને 33 બેઠકો પર આવી ગઈ હતી. ભાજપે 67 બેઠકો જીતી હતી અને પક્ષ ચીમનભાઇ પટેલ સાથે ગઠબંધન સરકારમાં જોડાયો હતો. આ જોડાણ થોડો સમય ચાલ્યું હોવા છતાં ભાજપ પક્ષ ગુજરાતમાં એક અવિરત શક્તિ તરીકે ઉભરી આવ્યો.
1995ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદી સક્રિય રીતે જોડાયા થયા હતા. આ વખતે ભાજપે પ્રથમ વખત તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરિણામો ઐતિહાસિક હતા પાર્ટીએ 121 બેઠકો જીતી અને ભાજપે સરકાર બનાવી.
વર્ષ 1996માં મોદીએ ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે દિલ્હી આવ્યા અને તેમને ઉત્તર ભારતીય રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરનો હવાલો સોંપાયો. 1998માં ભાજપે હિમાચલમાં પોતાની તાકાતે સરકારની રચના કરી અને હરિયાણા (1996), પંજાબ (1997) અને જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન સરકારો બનાવી. દિલ્હીમાં આપવામાં આવેલી જવાબદારીથી મોદીને સરદાર પ્રકાશસિંહ બાદલ, બંસીલાલ અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ સાથે કામ કરવાની તક મળી.
મોદીને સંગઠનના મહાસચિવની ભૂમિકા સોંપવામાં આવી હતી. તેમણે 1998 અને 1999ની લોકસભાની ચૂંટણીમાં મહાસચિવ તરીકેની ભૂમિકા નિભાવી હતી. બંને ચૂંટણીમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ બન્યો અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સરકાર બનાવી. સંગઠનમાં હતા ત્યારે મોદીએ નવું નેતૃત્વ બનાવ્યું હતું. યુવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને ચૂંટણી પ્રચાર માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. આ તમામ પગલાં દ્વારા તેમણે પાર્ટીની યાત્રામાં ફાળો આપ્યો જે સફર 2 સાંસદોથી વધીને 1998 અને 2004ની વચ્ચે કેન્દ્રમાં સરકાર બનાવીને દેશની સેવા કરવા સુધી પહોચ્યા.
તેમની સંગઠનાત્મક કુશળતાના જોરે તેમણે 1987માં રાજ્યમાં ‘ન્યાય યાત્રા’ અને 1989માં ‘લોકશક્તિ યાત્રા’ યોજી હતી. આ પ્રયત્નોને લીધે 1990માં પ્રથમ વખત ટૂંકા ગાળા માટે ગુજરાતમાં ભાજપ સરકારની રચના થઈ અને પછી તે 1995થી આજ સુધી ભાજપ શાસનમાં છે. વર્ષ 1995માં નરેન્દ્ર મોદીને ભાજપના રાષ્ટ્રીય સચિવના પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1998માં સંગઠનના સૌથી મહત્વપૂર્ણ પદ રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્રણ વર્ષ બાદ 2001માં પાર્ટીએ તેમને ગુજરાતના મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી હતી. તેઓ 2002, 2007 અને 2012માં ફરીથી મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા.
2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ દાયકામાં પહેલો પક્ષ બન્યો જેણે પોતાના દમ પર બહુમતી મેળવી. આ પહેલીવાર હતું જ્યારે કોઈ બિન-કોંગ્રેસ પક્ષે આ સિદ્ધિ હાંસલ કરી હતી. નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત અને બીજી વાર 30 મે 2019ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા.