ભાજપને મળ્યું 750 કરોડનું ડોનેશન, કોંગ્રેસને માત્ર 139 કરોડનું દાન મળ્યું

ચૂંટણી પંચ (ઇસી) ને સોંપવામાં આવેલા પોતાના અહેવાલમાં ભાજપે કહ્યું છે કે વર્ષ 2019-20માં પાર્ટીને કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી આશરે 750 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.

ભાજપને મળ્યું 750 કરોડનું ડોનેશન, કોંગ્રેસને માત્ર 139 કરોડનું દાન મળ્યું
ભાજપને મળ્યું 750 કરોડનું ડોનેશન,

ભારતીય જનતા પાર્ટી (BJP) 2014 થી કેન્દ્રમાં સત્તામાં છે. આ સમય દરમ્યાન કોર્પોરેટ અને વ્યક્તિગત ડોનેશન(Donation)  મેળવવાની બાબતમાં પક્ષ ટોચ પર રહ્યો છે. ચૂંટણી પંચ (ઇસી) ને સોંપવામાં આવેલા પોતાના અહેવાલમાં ભાજપે કહ્યું છે કે વર્ષ 2019-20માં પાર્ટીને કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી આશરે 750 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.

કોંગ્રેસ પાર્ટીને મળેલા ડોનેશન કરતા પાંચ ગણું વધારે

ભારતીય જનતા પાર્ટી (BJP) ને મળેલું ડોનેશન કોંગ્રેસ પાર્ટીને મળેલા ડોનેશન(Donation) કરતા પાંચ ગણું વધારે છે. જેમાં કોંગ્રેસને 139 કરોડનું ડોનેશન મળ્યું હતું. જ્યારે એક વર્ષ દરમ્યાન એનસીપીને 59 કરોડ, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ અને સીપીઆઇને 1.9 કરોડ ડોનેશન પેટે મળ્યા હતા.

એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ભાજપને ડોનેશન(Donation) આપનારામાં સાંસદ રાજીવ ચંદ્રશેખરની જયુપીટર કેપિટલ, આઇટીસી ગ્રુપ, રિયલ એસ્ટેટ કંપની મેક્રોટેક ડેવલપર્સ (અગાઉ લોઢા ડેવલપર્સ તરીકે ઓળખાતી હતી ) અને બી.જી.શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને જન કલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ મુખ્ય છે.

ભાજપને પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 217.75 કરોડ રૂપિયા ડોનેશનમાં આપ્યા

ભાજપને પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 217.75 કરોડ રૂપિયા ડોનેશનમાં આપ્યા. આ ઉપરાંત જન કલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 45.95 કરોડ, જયુપીટર કેપિટલે 15 કરોડ, આઇટીસીએ 76 કરોડ, લોઢા ડેવલોપરે 21 કરોડ, ગુલમર્ગ ડેવલોપરે 20 કરોડ ડોનેશન મળ્યું છે.

ઇલેક્ટોરલ ટ્રસ્ટ  કોર્પોરેટ ગૃહો પાસેથી સ્વૈચ્છિક ડોનેશન મેળવે છે

ઇલેક્ટોરલ ટ્રસ્ટ એ કંપની એક્ટની કલમ 25 હેઠળ મુખ્યત્વે કોર્પોરેટ ગૃહો પાસેથી સ્વૈચ્છિક ડોનેશન મેળવે છે અને રાજકીય પક્ષોમાં વહેંચે છે. રાજકીય યોગદાન આપતી વખતે તે દાતાઓના નામ ગુપ્ત રાખે છે. પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટના મોટા દાતાઓ ભારતી એન્ટરપ્રાઇઝ, જીએમઆર એરપોર્ટ ડેવલપર્સ અને ડીએલએફ લિમિટેડ છે. જનકલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટને જેએસડબ્લ્યુ ગ્રુપની કંપનીઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત થાય છે.

ગુલમર્ગ રિયલ્ટર્સ પાસેથી 20 કરોડ રૂપિયાનું મોટું દાન

ભાજપને ઓક્ટોબર 2019 માં બિલ્ડર સુધાકર શેટ્ટી સાથે જોડાયેલી રીઅલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ પાસેથી 20 કરોડ રૂપિયાનું મોટું દાન પણ મળ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જાન્યુઆરી 2020 માં શેટ્ટીના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

ભાજપને ડોનેશન આપનારમાં ઓછામાં ઓછી   14 શૈક્ષણિક સંસ્થાઓ શામેલ છે. જેમાં મેવાડ યુનિવર્સિટી, દિલ્હી (રૂ. 2 કરોડ), કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનિયરિંગ (રૂ. 10 લાખ), જી.ડી. ગોયન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત (રૂ. 2.5 લાખ), પઠણીયા પબ્લિક સ્કૂલ, રોહતક (2.5 લાખ), લિટલ હાર્ટ્સ કોન્વેન્ટ સ્કૂલ, ભિવાની. (21,000 રૂપિયા), અને એલન કેરિયર, કોટા (25 લાખ રૂપિયા).

મનોહર લાલ ખટ્ટરે 5 લાખ ડોનેશન આપ્યું 

આ પક્ષને ડોનેશન આપનારામાં ભાજપના ઘણા સભ્યો, સાંસદો અને ધારાસભ્યો પણ છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે 5 લાખ, રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખરને 2 કરોડ, અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રૂ. 1.1 કરોડ, કિરણ  ખેરે  6.8 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. મણિપાલ ગ્લોબલ એજ્યુકેશનના પ્રમુખ ટીવી મોહનદાસ પાઠીએ ભાજપને 15 લાખ રૂપિયા ડોનેશન આપ્યું છે.