Assam Election 2021 : અસમ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મેનિફેસ્ટો જાહેર કર્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં એનઆરસીમાં સુધારો કરવા ઉપરાંત ભારતીયોના હક્કોના રક્ષણ માટે 10 મોટા વાયદા આપવામાં આવ્યા છે. મેનિફેસ્ટો દરમ્યાન અસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને મંત્રી હેમંત બિસ્વા સરમા હાજર હતા. જેપી નડ્ડાએ મેનિફેસ્ટો બહાર પાડતાં કહ્યું કે અમે રાજ્યમાં કનેક્ટિવિટી, માળખાગત સુવિધા, આરોગ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણની કાળજી લીધી છે.
સીએએનો મેનિફેસ્ટોમાં ઉલ્લેખ નથી કર્યો. જે.પી.નડ્ડાએ આ દરમિયાન કહ્યું હતું કે અમે અસલ ભારતીય નાગરિકોના હકોનું રક્ષણ કરીશું અને ઘુસણખોરોને શોધી કાઢીશું જેથી અહોમ સંસ્કૃતિનું રક્ષણ થઈ શકે. જોકે પાર્ટીએ સીએએનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ભાજપના વડા જેપી નડ્ડાને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે એક વૈચારિક મુદ્દો છે અને તેનો અમલ કરવામાં આવશે. ચાલો જાણીએ, ભાજપના કયા 10 મોટા વચનો આપ્યા છે …
મિશન બ્રહ્મપુત્રા: ભાજપે બ્રહ્મપુત્રા નદીમાં પૂરથી લોકોને બચાવવા જળાશયો બનાવવાનું કહ્યું છે. આ નદીના કાંઠે બનાવવામાં આવશે જેથી વધારાના પાણીનો ઉપયોગ થઈ શકે અને લોકો પૂરથી બચી શકે.
અરુણોદય યોજના: ગરીબ પરિવારોને મહિને 3,000 રૂપિયાની સહાય મળશે. અત્યાર સુધીમાં આ રકમ માત્ર 830 રૂપિયા માસિક હતી.
દેવસ્થાનોના અતિક્રમણ પર પ્રતિબંધ મૂકવાનું વચન. યોગ્ય બાંધકામ માટે સરકાર 2.5 લાખ રૂપિયાની મદદ પણ કરશે.
મિશન શિશુ ઉન્મય : બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું વચન. 8મું ધોર પાસ થનારી છોકરીઓને સાયકલ આપવામાં આવશે.
એનઆરસીમાં સુધારો: ભાજપે તેના મેનિફેસ્ટોમાં એનઆરસીમાં સુધારો કરવાની વાત કરી છે જેથી અસલી ભારતીય નાગરિકોના હકોનું રક્ષણ થાય અને ઘુસણખોરોને શોધી શકાય.
ડિલિમીટેશન કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે.
અસમ આહાર આત્મનિર્ભરતા અભિયાન શરૂ કરવામાં આવશે.
બે લાખ સરકારી નોકરીઓનું વચન: Assam માં પાર્ટીએ મેનિફેસ્ટોમાં યુવાનોને 2 લાખ સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં, આવતા વર્ષ 31 માર્ચ 2022 સુધીમાં 1 લાખ રોજગારની તકો ઉભી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં 8 લાખ નોકરીની જાહેરાત કરવામાં આવી છે.
ઉદ્યોગ સાહસિક શાળાઓનો વિકાસ થશે. તેમને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે.
આસામના નાગરિકોની જમીન પરના હકની ખાતરી આપવામાં આવશે.