સાવરકર, સંસદ અને કોંગ્રેસ: અલગ ઘટના, અલગ સંકેત
બીજી વાત અધિક મહત્વની છે. સંસદ ગૃહનું ઉદ્દઘાટન થવાનું તે દિવસ 28 મે, 1883 વીર વિનાયકરાવ દામોદર સાવરકરનો જન્મદિવસનો છે. શુંઆ યોગાનુયોગ છે?
યોગાનુયોગ કહો કે ઈતિહાસની નવી પહેચાન, 28મી મે 2023 માત્ર દિલ્હી, સત્તા પક્ષ ભાજપ કે કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો સહિત દેશ અને દુનિયા માટે આ એક અનોખી ઘટના છે. વિદેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની-જાપાન એટલા માટે કે તેમાના કેટલાકે ભારતની આઝાદીના જંગને પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકો આપ્યો હતો અને ઈંગ્લેન્ડમાં તેને દબાવી દેવાની કોશિશ થઈ હતી તેની વચ્ચે ભારતે આઝાદી પ્રાપ્ત કરી, પહેલા જૂની સંસદ અને હવે નુતન સંસદમાં લોકતંત્ર અભિવ્યક્ત થઈ રહ્યું છે. ચર્ચિલને તો આવી કોઈ આશા નહોતી કે આઝાદ ભારતમાં શાસન સારી રીતે ચાલે!
મજાની મૂર્ખતા એ છે કે કોંગ્રેસે આ નવા ગૃહનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરે તેની વિરુદ્ધમાં બહિષ્કાર પોકાર્યો છે. તેની સાથે બીજા કેટલાક વિરોધી પક્ષો જોડાયા. જ્યારે સંસદના સત્રો ચાલશે ત્યારે પણ આ બહિષ્કાર રહેશે ખરો? અને 2024ની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી નહિ કરે? કર્ણ ચૂંટાશે તો યે આ નવા ગૃહમાં જ જવું પડે ને? મૂળ વાત અલગ છે. એક તો આ ગૃહનું ઉદ્ઘાટન રાષ્ટ્રપ્રમુખે કરવું જોઈએ, વડાપ્રધાને નહિ એવા “સંસદીય ઔચિત્ય”નો મુદ્દો ઉઠાવ્યો છે.
કરુણતા તો જુઓ કે 1927માં સંસદના પ્રથમ કાર્યક્રમમાં મોતીલાલ નેહરૂ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રપૌત્ર રાહુલ સ્વતંત્ર ભારતની નુતન સંસદની ઈમારતના ઉદ્દઘાટનમાં હાજર નહિ રહે! આજે જો ઈન્દિરાજી કે રાજીવ ગાંધી હોત તો તેમણે આવું બાલિશ પગલું લીધું હોત? જવાબ “ના” માં આપવાનું સૌને લાગશે. એકાદ કિસ્સો તો રાજ્યના વિધાનસભા ગૃહનું ઉદ્દઘાટન શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ-મુખ્યમંત્રી, રાષ્ટ્રપ્રમુખ કે વડાપ્રધાન ના હોવા છ્તાં કર્યું અને તેના મહિલા રાજ્યપાલને તો આમંત્રણ પણ ના અપાયું, એવો છે. જે સગવડતા પૂર્વક તે પક્ષ ભૂલી જાય છે.
બીજી વાત અધિક મહત્વની છે. સંસદ ગૃહનું ઉદ્દઘાટન થવાનું તે દિવસ 28 મે, 1883 વીર વિનાયકરાવ દામોદર સાવરકરનો જન્મદિવસનો છે. શુંઆ યોગાનુયોગ છે? ના. જો સરકારે આ દિવસ એટલા માટે નક્કી કર્યો હોય કે 1857થી 1947 સુધીમાં સ્વાતંત્ર્ય જંગમાં ફના થનારાઓની સ્મૃતિ અને અંજલિ પણ-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે-આપી શકાય. ઈતિહાસ જેટલો અસહકાર અને અહિંસક આંદોલનોનો છે એટલો જ સશસ્ત્ર આઝાદી જંગનો પણ છે અને તેના એક તેજસ્વી નક્ષત્ર જેવા વિનાયકરાવ સાવરકરનું પુણ્ય સ્મરણ થાય તેમાં ખોટું શું?
આ પણ વાંચો: ઘર્ષણથી “થાકેલા” મંત્રીને મોદીએ રાહત આપી અને બીજાને રાજસ્થાન-કેન્દ્રી બનાવ્યા!
હા, સાવરકર ક્યારેય સંસદ સભ્ય નહોતા, તેમની વિદાયના દિવસે એટલા માટે જ પ્રસ્તાવ અસ્વીકૃત થયો હતો કે તેઓ સાંસદ નહોતા! આ બહાનાનું પ્રાયશ્ચિત 37 વર્ષ પછી થયું 26 જાન્યુઆરી 2003ના દિવસે રાષ્ટ્રપ્રમુખ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વરદ હસ્તે થયું અને તે એન.ડી.એની સરકાર હતી. જોકે શ્રીમતી ઈન્દિરા ગાંધી સહિત રાજગોપાલચારી, ડો. રાધાકૃષ્ન, રામ મનોહર લોહીયા, એમ.સી.ચાગલાએ ભાવઅંજલિ આપી હતી. શ્રીમતી ઈન્દિરાજીએ શું કહ્યું હતું એ નોંધવા જેવુ છે. તેમણે કહ્યું કે “સાવરકર સમકાલીન ભારતના એક મહાન વિભૂતિ હતા, તેમનું નામ સાહસ અને દેશભક્તિનો પર્યાય છે. તેઓ એક આદર્શ ક્રાંતિકારી હતા અને અસંખ્ય લોકોએ તેમની પ્રેરણા મેળવી હતી.”
આટલું સમજ્યા પછી એ વાત પર આવવું જોઈએ કે નવા સંસદ ગૃહના ઉદ્દઘાટનનો વિરોધ કરવા પાછળ રાહુલ ગાંધીના બે કારણો છે, બંને વ્યક્તિલક્ષી છે, વિચાર-ફીચાર કશો નથી. આ વ્યક્તિઓ છે સાવરકર અને નરેન્દ્ર મોદી! મોદીનો વિરોધ રાજકીય છે અને તે સ્વાભાવિક છે. મોદીએ અને તેના પક્ષે એવી ગતિથી સરકારમાં બહુમતી પ્રાપ્ત કરી, અનેક રાજ્યોમાં સરકારો રચી, કોરોના જેવી મહામારી અને પાકિસ્તાની આક્રમણોણો જવાબ આપ્યો, દુનિયાના દેશોમાં પ્રતિષ્ઠા મેળવી એટ્લે કોંગ્રેસને માટે સત્તા સુધી પહોંચવાની ખાસ કોઈ શક્યતા દૂર દૂર દેખાતી નથી, કર્ણાટકમાં મેળવેલી જીત પછીના આંતરિક ખેલનું શું ભવિષ્ય હશે, રાજસ્થાનનું કોકડું વધુ ગૂંચવાતું જાય છે અને વેરવિખેર, દિશા વિનાની નેતાગીરી દરેક રાજ્યોમાં છે આ બધા કારણોને લીધે રાહુલનું ઝનૂન વધતું જાય છે.
કોઈ સારા સલાહકારે કહ્યું એટ્લે ભારત જોડો યાત્રા કરી અને કર્ણાટકમાં સ્થાનિક નેતાઓની મહેનતથી સત્તા મળી પણ તેની વ્યાપક અસર પક્ષની નેતાગીરી પર દેખાતી નથી. એક રાજકીય વિવેચકે સાચું કહ્યું છે કે દેશને મજબૂત વિરોધ પક્ષની જરૂર છે પણ એટલું યે કરવાનું સામર્થ્ય કોંગ્રેસમાં રહ્યું નથી એટ્લે ભારતીય લોકશાહીમાં કોંગ્રેસ બેવડી ગુનેગાર સાબિત થઈ, ના તે સત્તા પક્ષ બની શકી, ના સબળ વિરોધ પક્ષ બની.
એટ્લે સંસદ ભવનના ઉદ્દઘાટન જેવી બાબતમાં બહિષ્કારનું હથિયાર ઉઠાવ્યું તે એક દિવસ પછી તો બુઠ્ઠું થઈ જશે. લાંબા સમય સુધી તેની અસર નહીં થાય અને પ્રમોદ કૃષ્ણન જેવા નેતાઓ નારાજ રહેશે.
બીજું નિશાન સાવરકર છે. માનસશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે વ્યક્તિની અંદર સબ-કોન્શિયસમાં પડેલું ક્યારેક જોરશોરથી બહાર આવે છે. કેટલાક સમયથી રાહુલ ગાંધી જાહેરમાં સાવરકર વિશે શું કહે છે તે એક વાક્ય પૂરતું છે,”હું રાહુલ સાવરકર નથી, હું રાહુલ ગાંધી છું!, હું માફી નહિ માંગુ!” એકવાર જો તેઓ ભારતીય ઈતિહાસને પીળી નજરે ના જુએ અને તેમનામાં જવાહરલાલ કે ઈન્દિરાજી જેટલી પણ ઈતિહાસની સમજ હોય અને જ્ઞાન મેળવે તો એહસાસ થશે કે અરે, આ ક્રાંતિકારો પોતાના જીવનની આહુતિ આપવામાં કેવા સમર્પણનો અધ્યાય રચ્યો હતો.
સાવરકર વાંગમયના 10 ગ્રંથોમથી થોડુક પણ વાંચ્યું હોત તો પણ તેને સમજાત કે ગાંધીની જેમ સાવરકર થવું પણ કેટલું અઘરું હતું, અશક્ય હતું. લંડનમાં બ્રિટિશ હકૂમતની છાતી પર બેસીને, ઈન્ડિયા હાઉસ (જેની સ્થાપના આપણા ગુજરાતી કચ્છી ભાનુશાલી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી અને 22 વીઆરએસએચ ઈન્ડિયન સોશ્યોલોજિસ્ટ અખબાર ચલાવીને દુનિયાભરના ક્રાંતિકારો એકઠા કર્યા હતા) ને અગ્નિ ગૃહ બનાવ્યું, ફાંસીએ ચડેલા મદનલાલ ધિંગર, લાલા હરદયાલ, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય , સરદાર સિંહ રાણા જેવા સાથીઓની મંડળી બનાવી, 1857 પર અધ્યયન કરીને સાચો ઇતિહાસ લખ્યો, તેનો અર્ધ શતાબ્દીનો ઉત્સવ ઉજવ્યો, પકડાયા તો માર્સેલ્સ બંદરગહેથી યાદગાર સમુદ્ર ભૂસકો માર્યો (સ્વર્ગસ્થ સંત મોટાએ ચોરવાડ તરણસ્પર્ધાને એટ્લે સાવરકર તરણ સ્પર્ધા નામ આપ્યું હતું) અને ભારતમાં તેમને બે આજીવન કેદ ફરમાવવામાં આવી ત્યારે ચશ્મામાંથી ધારદાર નજરે બ્રિટિશ ન્યાયમૂર્તિને પુછ્યું હતું, “એટલા વર્ષ સુધી શું તમે ભારત પર રાજ્ય કરવાના હશો ખરા?
રાહુલ અને જેમને સાવરકર તેમજ હિન્દુ-ફોબિયા છે તેઓ સાવરકરે સજા મુક્તિ માટે માગેલી કહેવાતી “માફી” નો સમજ્યા વિનાનો પ્રલાપ ચાલુ રાખ્યો છે. એ સમયે આંદામાનમાં જુલમ સહન કરી રહેલા સેંકડો ક્રાંતિકારી બંદીઓને મુક્તિ મળે તો દેશવ્યાપી રાષ્ટ્ર ભાવનામાં ઉમેરો થાય અને અકારણ આ યુવકોની જિંદગી જેલોમાં વેડફાઈ ના જાય અથવા જેલોમાં જ છેલ્લા શ્વાસ લેવા ના પડે એટ્લે સામૂહિક હડતાળ સહિતના ઉપાયો સાવરકરના નેતૃત્વમાં આંદામાનમાં કર્યા હતા.
સાવરકરનો આદર્શ છ્ત્રપતિ શિવાજી હતા જેણે ઔરંગઝેબની કેદમાંથી મુક્તિ મેળવવા યુક્તિ રચી તેવું જ આ માફી પત્રનું હતું. તેનો વિપરીત અર્થ લઈને સાવરકરને લાંછન લગાડીને સમગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિની ઉપેક્ષા અને અપમાન કરવાનો આ માત્ર પ્રયાસ છે. રાહુલ બીજી રીતે તો યાદ રહે તેવી અત્યારે પરિસ્થિતી નથી પણ સાવરકર મુદ્દે ગલત અને અપમાનજનક વિધાનો માટે યાદ રહેશે. સંસદ ગૃહનું ઉદ્દઘાટન પણ સાવરકર જયંતિના દિવસે થાય તેની અંદરથી દાઝ કોઈને ય દેખાય તો નવાઈ નહિ.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)