FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો
અમરિકાની સુરક્ષા એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBI દુનિયાભરમાં જાણીતી છે. તેની કાર્યપદ્ધતી અને સંગીન ગુનાઓને શોધવામાં માહેર ગણાતી એજન્સીને એક ગુજરાતી યુવાન નવ વર્ષથી હાથતાળી આપી રહ્યો છે. FBIની ટીમ તેની દુનિયાભરમાં શોધ ચલાવી રહી છે, પરંતુ તે હાથ લાગી રહ્યો નથી. જેની પર હવે લાખો નહીં કરોડોનું ઈનામ જાહેર થઈ ચૂક્યું છે.
FBI ને એક ગુજરાતી યુવક હાથ તાળી આપી રહ્યો છે. સંગીન ગુનાઓને શોધવા માટે FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન વિશ્વભરમાં નામના ધરાવે છે. ગુનેગારને પાતાળમાંથી શોધી નિકાળવાની શક્તિ આ અમેરિકન એજન્સી ધરાવતી હોવાનું કહેવામાં આવે છે. પરંતુ એક ગુજરાતી યુવાનને શોધવા માટે 9 વર્ષથી FBI મથી રહી છે. પાંચ વર્ષ અગાઉ લાખોનું ઈનામ જાહેર કર્યું હતુ અને છતાંય હાથ નહીં લાગતા તેના પરની ઈનામી રકમ હવે અઢી ગણી વધારવામાં આવી છે.
તમને એમ હશે કે, આ ગુજરાતી યુવાનને શા માટે FBI હાથ ધોઈને શોધવા માટે પાછળ પડી છે. FBI આ યુવાનને એટલે શોધી રહી છે કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. તેણે ક્રૂરતા પૂર્વક પત્ની પલકની હત્યા કરી હતી. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. અંતિમ વાર નેવાર્કમાં જોવા મળેલો FBIની યાદીના દુનિયાનો મોસ્ટ વોન્ટેડ પૈકીના એક ભદ્રેશ પટેલને શોધવાની કોઈ જ કડી હાથ લાગી રહી નથી.
પત્નીની કરી હતી હત્યા
ભદ્રેશ પટેલે અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટના હેનોવરમાં તેની પત્નીની હત્યા કરી હતી. તેણે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પત્ની પલક પટેલને મોતને ઘાટ ઉતારી હતી. પલક અને ભદ્રેશ બંને હેનોવરમાં આવેલા ડોનટ સ્ટોરમાં સાથે જોબ કરતા હતા. બંનેની નાઈટ શીફ્ટ હતી. આ દરમિયાન વર્ષ 2015માં એપ્રિલ માસની 12 તારીખે રાત્રે તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો.
બંને સ્ટોરમાં સાથે જ ફરજ પર હતા અને એ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભદ્રેશે આ દરમિયાન અડધી રાત્રે પત્ની પલકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યારા ભદ્રેશે પત્ની પર બેરહેમી પૂર્વક જ તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યો હોય એમ ઘટનાને લઈ જણાઈ રહ્યું હતું. ઉપરાછાપરીં ઘા ઝીંકીને પલકની કરાઈ હતી હત્યાં. પલક પટેલને ભારત પરત ફરવું હતું અને આ અંગેની જાણકારી તપાસ દરમિયાન સામે આવી હોવાનું એફબીઆઈના મીડિયા રિપોર્ટસમાં બતાવવામાં આવ્યું છે. આમ પલકના ભારત પરત ફરવા મુદ્દે બંને વચ્ચે ઘર્ષણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
The #FBI offers a reward of up to $250,000 for info leading to the arrest of Ten Most Wanted Fugitive Bhadreshkumar Chetanbhai Patel, wanted for allegedly killing his wife while they were working at a donut shop in Hanover, Maryland, on April 12, 2015: https://t.co/tCZ0Fde7WQ pic.twitter.com/GGLK4dBLhA
— FBI Most Wanted (@FBIMostWanted) April 12, 2024
CCTV ફૂટેજમાં દેખાયો ભદ્રેશ
હત્યાની ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરની સ્થિતિ અને પ્રાથમિક વિગતો તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરતા આખરે ભદ્રેશ જ હત્યારો હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈ પોલીસે હત્યારા ભદ્રેશ પટેલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ભદ્રેશ પત્ની પલક પટેલની હત્યા બાદ પોતાના એપાર્ટમેન્ટ પર પહોંચ્યો હતો અને ત્યાર બાદ તે ગાયબ થઈ ગયો હતો.
પોલીસ દ્વારા ભદ્રેશને શોધવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ તે હાથ લાગ્યો હતો. ભદ્રેશ પત્નીની ક્રૂર હત્યા કરીને પોતાના એપાર્ટમેન્ટ પર પહોંચ્યા બાદ તે ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ વિસ્તારની એક હોટલ પર પહોંચ્યાની જાણકારી મળી હતી. જે બાદ તેની કોઈ જ ભાળ આજસુધી પોલીસ કે FBI ને મળી નથી.
આ ગુના હેઠળ તપાસ
હત્યારા ભદ્રેશ ચેતનભાઈ પટેલ સામે મેરિલેન્ડ સ્ટેટની ડિસ્ટ્રિક્ટ કોર્ટે એરેસ્ટ વોરંટ ઈસ્યૂ કર્યું હતુ. આ એરેસ્ટ વોરંટ ભદ્રેશ સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડર, સેકન્ડ ડિગ્રી મર્ડર, ફર્સ્ટ ડિગ્રી એસોલ્ટ, સેકન્ડ ડિગ્રી એસોલ્ટ તેમજ બીજાને ઈજા પહોંચાડવાના ઈરાદે ઘાતકી હથિયાર રાખવા સહિતના ગુના નોંધાયાના આધારે જારી કરવામાં આવ્યું હતું. જે બાદ તેની કોઈ જ ભાળ નહીં મળવાને લઈ આખરે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
અમદાવાદના કાત્રોડીનો વતન
જેની FBI શોધ ખોળ કરી રહી છે એ ભદ્રેશ ચેતનભાઈ પટેલ મૂળ ગુજરાતી છે. તે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કાત્રોડી ગામનો વતની છે. ભદ્રેશ પટેલ તેનો કાત્રોડી ગામે વર્ષ 1990 માં 15, મેના રોજ જન્મ થયો હતો. ભદ્રેશ પટેલ તેની પત્ની પલક પટેલ સાથે અમેરિકામાં રહેતો હતો. જ્યાં તેની પત્ની અને પોતે સ્ટોરમાં સાથે જ નોકરી હતા.
કરોડો રુપિયાનું ઈનામ જાહેર
ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા ભદ્રેશ ચેતનભાઈ પટેલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પરંતુ હત્યા બાદ ગાયબ થઈ ચૂકેલો ભદ્રેશ આજ સુધી હાથ લાગ્યો નથી. FBIએ તેને શોધવા માટે અમેરિકા જ નહીં પરંતુ અનેક દેશોમાં પણ શોધ કરી છે, પરંતુ ભદ્રેશની કોઈ જ કડી હાથ લાગતી નથી. પહેલા એક લાખ ડોલરનું ઈનામ ભદ્રેશ પટેલ પર જાહેર કરવામાં આવ્યું હતુ. એટલે કે જે કોઈ તેના વિશેની માહિતી આપે એને FBI એ એક લાખ ડોલર રકમ આપવાનું ઈનામ જાહેર કર્યું હતુ.
ત્યાર બાદ 9 વર્ષ થવા લાગવા છતાં હત્યારો ભદ્રેશ FBIના રડારમાં ક્યાંય જ નહીં ઝડપાતા હવે ઈનામની રકમ વધારીને અઢી લાખ ડોલર કરવામાં આવી છે. એટલે કે આજે આ રકમ ભારતીય ચલણ મુજબ બે કરોડ આઠ લાખ સાંઈઠ હજાર કરતા વધારે થવા પામે છે. આમ આવડી મોટી રકમનું ઈનામ જાહેર કરી FBI એ ભદ્રેશને શોધી નિકાળવા માટે સતત પ્રયાસો જારી રાખ્યા છે. હત્યાના 9 વર્ષ બાદ પણ હત્યારો હાથ લાગ્યો નથી, તો બીજી તરફ FBI પણ તેનો પીછો કરવાના પ્રયાસો એટલી જ મજબૂતાઈથી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.
પલક પટેલના હત્યારા પતિ ભદ્રેશ માટે FBI એ એક કોન્ટેક્ટ નંબર પણ જાહેર કર્યો છે. સાથે જ વેબસાઈટ પર પણ તેના અંગેની જાણકારી આપવા માટે જણાવ્યું છે. આમ FBI એ આરોપી ભદ્રેશને ઝડપવાના પ્રયાસોને લઈ સમયાંતરે વિગતો અને અપડેટ જાહેર કરવાનું જારી રાખ્યું છે.
ભારત અને કેનેડામાં પણ તપાસ કરાઈ
તપાસકર્તાએ અગાઉ મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ પલક પટેલની હત્યાની ઘટના બાદ સતત એની એરંડેલ કાઉન્ટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. અધિકારીઓએ બતાવ્યું હતુ કે, તેઓ ભદ્રેશ પટેલની ભાળ મેળવીને જ જંપશે. તેઓ ભદ્રેશને ઝડપીને પલકને જરુર ન્યાય અપાવશે અને એ માટે તેઓ તપાસ જારી રાખશે.
તત્કાલીન મીડિયા રિપોર્ટ્સમાં FBI તરફ જારી કરવામાં આવેલી વિગતોનુસાર આરોપી ભદ્રેશ પટેલ અમેરિકામાં જ ક્યાંક તેના દૂરના સગાઓને ત્યાં રોકાઈ ચૂક્યો હોઈ શકે છે. એવું પણ એજન્સી માની રહી છે કે, તે કેનેડા પણ પહોંચ્યો હોય અને ત્યાંથી ભારત પહોંચવાનું આયોજન તેણે કર્યું હોઈ શકે. તેના ન્યૂ જર્સી, કેન્ટકી, જ્યોર્જીયા અને ઈલિનોઈસમાં પણ સંબંધીઓ હોવાને લઈ આ વિસ્તારોમાં પણ તેની તપાસ કરાઈ છે.
FBI એ 10 મોસ્ટ વોન્ટેડમાં નામ કર્યું સામેલ
ગંભીર ગુનાઓ આચરીને ફરાર થઈ ગયેલા દશ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી FBI તરફથી જાહેર કરવામાં આવતી હોય છે. આ યાદીમાં ગુજરાતી યુવક ભદ્રેશ ચેતનભાઈ પટેલનું નામ પણ સામેલ છે. આ યાદીમાં એકમાત્ર ગુજરાતી મોસ્ટ વોન્ટેડ ગુનેગાર યુવક સામેલ છે. જોકે હવે હત્યારો ભદ્રેશ પટેલને શોધી લેવામાં FBIને ક્યારે સફળતા હાથ લાગશે એ માટે રાહ જોવાઈ રહી છે. પરંતુ ભદ્રેશ અત્યાર સુધી ક્યાં ભૂગર્ભમાં સંતાઈ રહ્યો એ વાત આશ્ચર્ય સર્જી રહી છે. FBIના રડારથી ભાગતા રહેવું એ પણ તેના માટે મોટા પડકાર સમાન છે. જોકે તેના હાથ લાગ્યા બાદ જ આ અંગેના ખુલાસાઓ સામે આવી શકે છે. તે જાણવું પણ રસપ્રદ બની રહેશે.
આ પણ વાંચો: શેના આાધારે હવામાન નિષ્ણાંતો કરે છે આગાહી? જાણો પૂર્વાનુમાન કેવી રીતે થાય છે