સત્તાવનની સ્વાતંત્ર્યલક્ષ્મી દ્વારકાની વાઘેર વીરાંગનાઓ

ગુજરાતમાં 1857ના સમરને જ્વલંત રાખવામાં પુરૂષ લડવૈયાઓની સાથે ખભેખભો મિલાવીને પુરષાર્થ કર્યો હતો. લાલબાએ મુંબઈ જઈને અંગ્રેજ કમિશનરને પડકાર્યો હતો.

સત્તાવનની સ્વાતંત્ર્યલક્ષ્મી દ્વારકાની વાઘેર વીરાંગનાઓ
Image Credit source: File Image
Follow Us:
| Updated on: Jan 22, 2023 | 5:11 PM

આણંદના મુખી-પત્ની લાલબા પટલાણી. 1857માં ગુજરાતના કાળાપાણીની કેદ થઈને શહીદ થયેલા ગરબડદાસની તે પત્ની હતી અને દ્વારકા-ઓખામાં અંગ્રેજોના તોપગોળા સામે જંગી ચડેલી બહાદુર માણેક વાઘેરાણીઓ.

બંને વચ્ચેની એક સમાનતા નોંધવા જેવી છે. આ મહિલાઓએ ગુજરાતમાં 1857ના સમરને જ્વલંત રાખવામાં પુરૂષ લડવૈયાઓની સાથે ખભેખભો મિલાવીને પુરષાર્થ કર્યો હતો. લાલબાએ મુંબઈ જઈને અંગ્રેજ કમિશનરને પડકાર્યો હતો. અમને આઝાદીની લડાઈનો હક્ક નથી? મારા પતિએ એવુ યુદ્ધ ખેલ્યુ છે.

સત્તાવનની ખોળખંખોળ નિમિત્તે હમણાં જામનગર જિલ્લામાં જવાનું થયું. કવિમિત્ર વિજય આશર સાથે હતા. કાલાવાડમાં પ્રા.યાદવે સંગાથ કર્યો. પહોંચ્યાં કાલાવડથી 20-25 કિલોમીટર દૂર માછરડાની ધારે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ ડુંગરમાળ પર બહાદુર વાઘેરોના હાથે મરાયેલા બ્રિટિશ સેનાપતિનો કીર્તિસ્તંભ ઉભો છે. માછરડા, વનચરડા, કોડીનાર, ઓખા, દ્વારકા, બેટદ્વારકા.. આ જમીન પર 1820થી 1864 સુધી અંગ્રેજોને હંફાવનારી લડાઈ ઓખામંડળના વીર વાઘેરોએ લડી હતી. 1858માં જુદા જુદા ગામોના વાઘેરો એક જગ્યાએ એકઠા થયા, ત્યારે ઉત્તર ભારતથી આવેલા 1857ના એક સ્વાતંત્ર્ય સેનાની પણ સામેલ હતા.

કોણ હતા તે સેનાની? નાના સાહેબ પેશવા? તેમના ભત્રીજા રાવસાહેબ? કે બીજા કોઈ યોદ્ધાઓ- જેના નામો ગોપાળજી અંતાજીથી માંડીને ટોકરા સ્વામી સુધીના મળે છે.

ખબર નથી આપણને બ્રિટિશ દસ્તાવેજમાં નાના સાહેબને શોધવા માટેની જહેમતમાં, જેમના પર મુકદ્દમા ચાલ્યા તેની નોંધ તો છે પણ વાઘેર સ્ત્રીઓએ સમુદ્રમાર્ગેથી આવેલી બ્રિટિશ નૌસેનાના તોપગોળા ઝીલ્યા તે વાતને કોઈ યાદ કરતું નથી!

1858માં એકઠા થયેલા વાઘેરોમાં ઉમરાપુરના જોધા માણેક અને બાપુ માણેક, ભોજવાડાના ભોજા માણેક અને રેવા માણેક. વસઈના રણમલ માણેક અને દીપા માણેક, સોમેશ્વરથી દેવો છબાણી અને ઘંડુ માયાણી, રાજપુરના સફા માણેક અને શયદે હતા. બધાનો સૂર હતો કે અંગ્રેજોની સામે લડીને રણછોડરાયનો મુલક આઝાદ કરવો.

જોધા માણેકે પહેલા તો ના પાડી પણ પછી નેતૃત્વ લીધું. 1858ની માર્ચમાં પહેલો હુમલો બેટ દ્વારકા પર થયો. પ્રિન્સ આર્થર ચોથી બટાલિયન લઈને વાઘેરોને પરાસ્ત કરવા આવ્યો પણ નાસીપાસ થયો. એપ્રિલમાં વળી પાછી ચડાઈ કરી. વાઘેર વીરો હાથમાં આવ્યા નહીં. બ્રિટિશ સૈનિકો થાકી ગયા હતા તે બેટ દ્વારકા છોડીને નીકળી પડ્યો. વાઘેરોને લાગ્યુ કે દિલ્હી, મેરઠ, ઝાંસીની લડાઈથી ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારત છોડી રહી છે એટલે બાકી બચેલા બ્રિટિશરોએ વફાદાર ગાયકવાડી સૈન્યની સાથે વાઘેરો રણે ચડ્યા.

મૂળુ માણેકે 30 જુલાઈ 1859ના દ્વારકા જીતી લીધું. સાત દિવસના જંગ પછઈ બેટ દ્વારકા પણ વાઘેરોના કબજામાં આવ્યું. જોધા માણેકે પોરબંદર અને જામનગરના રાજવીઓને પત્ર લખ્યો કે આવો, આપણે સાથે મળીને અંગ્રેજોને હટાવીએ. ગાયકવાડે અંગ્રેજોને સાથે લઈને 29મી સપ્ટેમ્બરે દ્વારકા તરફ આગેકૂચ કરી.

ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. મુંબઈથી નૌકાસૈન્ય આવ્યું. તેમના જહાજોને ‘ઝેમોબિયા’ અને ‘વિક્યોરિયા’ આગબોટો સાથએ બાંધીને સમુદ્રમાં લાવવામાં આવ્યા. નૌકાસૈન્ય સમિયાણી પહોંચી ગયુ. બસ પાયદળની રાહ જોવાતી હતી.

નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો હતો. 4થી ઓક્ટોબરે વહેલી સવારે તો તેનું સૈન્ય બેટની ખાડીમાં પહોંચી ગયું. સામે હતો બેટ દ્વારકાના કિલ્લો 25 ફૂટ પહોળો અને 60 ફૂટ ઉંચો! ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે આવી આધુનિક યુદ્ધસામગ્રી તો હતી નહીં. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા.

વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે પોતપોતાના ઘેર ગાદલા-ગોદડા હતા તે પલાળીને ભીનાં કર્યા અને કિલ્લા પર આવી. પુરૂષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અમે તોપગોળા ઝીંકાશે તેને આ ભીંજાયેલા ગાભાગોદડાંમાં ઝીલી લઈને ઠંડાગાર કરી દઈશું! આ કામ વાઘેરાણીઓએ કર્યુ. દુનિયાના ઈતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક માત્ર વીરલ ઘટના છે, જેમાં મોતની પરવા વિના મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના ગરમગરમ તોપગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય.

કોણ હતી આ સ્ત્રીઓ? બેશક, તે વાઘેર પત્નીઓ હતી. વાઘેર પુત્રીઓ હતી. વાઘેર માતાઓ હતી પણ તેમના નામ? વીર વાઘેરોમાંથી થોડાક નામો તો મળે છે પણ દસ્તાવેજોમાં આ સ્ત્રીઓના કોઈ ઉલ્લેખ નથી.

ઝાંસી રાણી લક્ષ્મીબાઈ જેવુ જ આ સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ હતી, ગુજરાતની લક્ષ્મીબાઈઓ. દ્વારકા પરના તોપમારા પછી અંગ્રેજોએ કહેવડાવ્યું કે શરણે થઈ જાઓ, તમને સહીસલામત છોડી મૂકીશું. મૂછાળા મરદોને આ માન્ય નહોતું. જોધા માણેકે શેઠ જેરામ સાથે કહેવડાવ્યું, અસાં રાંડરાંડ પુતર નયુ. અસાંજો બેલી દ્વારકાનાથ આયા-ટોપીવારા જો દિ ફરી આયો આય…. દ્વારકાધીશના રખેવાળો તરીકે વાઘેરો યુદ્ધ ખેલતા રહ્યા, ખુવાર થતા રહ્યા, કંઈક મોતને ભેટ્યા.

નેટિવ ઈન્ફ્રન્ટ્રીની છઠ્ઠી અને 18મી રેજિમેન્ટ પાયદળની હતી તે ઘૂસી ગઈ. ઘમસાણ યુદ્ધ થયું, કંઈક અંગ્રેજો પડ્યા. કેપ્ટન ગ્લાસપૂલ, લેફ્ટનંટ ગ્રાંટ લખે છે કે આખી જિંદગી યાદ રહી જાય તેવી એ લડાઈ હતી. કેપ્ટન મેકોમેક, કેપ્ટન વિલિયમ અને બીજા 10 યુરોપિયન સિપાહીઓની લોથ ઢળી. બેટ દ્વારકાના ઝાડીઝાંખરામાં આ બે અંગ્રેજોની કબરો પણ છે પણ આપણી બહાદુર વાઘેર સ્ત્રીઓનું કોઈ સ્મારક નથી!

આજે તો આપણે એ વીરાંગના મહિલાઓનું સ્મરણ કરવું છે, જેમણે ઓખામુક્તિના લાંબા સમય સુધી થયેલા જંગમાં તન-મનની કુરબાની આપીને વીર પતિ-પિતા-ભાઈઓને સ્વાતંત્ર્ય યુદ્ધની પ્રેરણા આપી હતી. ગુજરાતની આ સ્વાતંત્ર્ય લક્ષ્મીઓનું સ્મરણ 1857ના દોઢસોમાં વર્ષે કરવું કેટલુ બધુ ઉચિત છે?

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">