તહવ્વુર રાણાની સાથે કોણ હતી એ ‘મિસ્ટ્રી ગર્લ’?, પૂછપરછ દરમિયાન આવ્યો એક નવો વળાંક
NIA હેડક્વાર્ટરમાં તહવ્વુર રાણાની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આગ્રા અને હાપુડમાં તહવ્વુર રાણા સાથે રહસ્યમય છોકરી કોણ હતી? આનો જવાબ કોઇની પાસે નથી.

NIA હેડક્વાર્ટરમાં તહવ્વુર રાણાની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાનું વધુ એક રહસ્ય બહાર પડ્યું. વાત એમ છે કે, હવે તપાસ એજન્સીઓ તે રહસ્યમય છોકરી પર નજર રાખી રહી છે કે જે ભારતમાં તહવ્વુર રાણા સાથે જોવા મળી હતી. યુપીના આગ્રા અને હાપુડમાં તહવ્વુર રાણા જેની સાથે જોવા મળ્યા હતા તે રહસ્યમય છોકરી કોણ હતી? આનો જવાબ કોઇની પાસે નથી. જો કે, NIA દ્વારા આનો જવાબ શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. NIA તહવ્વુર પાસેથી શું સત્ય છે તે જાણવા માંગે છે. આતંકવાદી તહવ્વુર રાણાની પૂછપરછ ઉત્તર પ્રદેશના હાપુડ, આગ્રા અને દિલ્હી શહેરમાં કરવામાં આવશે.
પત્ની કે મહિલા આતંકવાદી?
મૂંઝવણ એ છે કે, તહવ્વુર રાણા સાથે રહસ્યમય છોકરી કોણ હતી? જ્યારે તહવ્વુર રાણા દિલ્હી, હાપુર અને આગ્રા ગયા હતા ત્યારે તેમણે રહસ્યમય છોકરીને પોતાની બેગમ ગણાવી હતી. શું તે છોકરી ખરેખરમાં તહવ્વુરની પત્ની હતી કે કોઇ મહિલા આતંકવાદી? બુરખો પહેરેલી સ્ત્રી ક્યાં છે? આ સવાલનો જવાબ એજન્સી માટે જાણવો જરુરી છે.
એવું કહેવાઈ રહ્યું છે કે, તપાસ એજન્સી NIAની ટીમ આવનારા દિવસોમાં તહવ્વુર રાણાને અનેક સ્થળો પર લઈ જશે અને તેની ઓળખ કરાવવામાં આવશે. NIA દસ્તાવેજો થકી અને સૂત્રો થકી જાણવા મળ્યું છે કે, તહવ્વુર રાણા મુંબઈ હુમલાની પહેલા 13 નવેમ્બર 2008થી 21 નવેમ્બર 2008ની વચ્ચે ભારતની મુલાકાતે આવ્યો હતો.
આ વસ્તુથી આતંકવાદીને છે પ્રેમ
પૂછપરછ દરમિયાન ખબર પડી કે, તહવ્વુર રાણાને એક ખાસ વસ્તુથી ખૂબ જ પ્રેમ છે અને એ છે આર્મી ડ્રેસ. તહવ્વુરે પૂછપરછ દરમિયાન કહ્યું કે, તેને આર્મી યુનિફોર્મ ખુબ પસંદ છે. તહવ્વુરે NIAને વધુમાં કહ્યું કે, તેનો ભાઈ પત્રકાર છે. આતંકવાદી પ્રવૃત્તિને લગતી બેઠકોમાં હાજરી આપતી વખતે તે ઘણીવાર આર્મી ડ્રેસ પહેરતો હતો. આતંકવાદી તહવ્વુર રાણાને પાકિસ્તાની સેનાનો યુનિફોર્મ એટલો બધો ગમતો હતો કે તે સેના છોડ્યા પછી પણ યુનિફોર્મ પહેરતો હતો. તહવ્વુર યુનિફોર્મ પહેરીને સાજિદ મીર અને મેજર ઇકબાલ જેવા લોકોને મળવા જતો હતો.